મહારાષ્ટ્ર સરકારે જાહેર કરી નવી હાઉસિંગ પૉલિસી : ૭૦,૦૦૦ કરોડના ખર્ચે ઓછી આવક ધરાવતા લોકો, સિનિયર સિટિઝનો, મહિલાઓ, ઇન્ડસ્ટ્રિયલ કામગારો અને સ્ટુડન્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઈ કાલે રાજ્ય સરકારની કૅબિનેટની બેઠક મળી હતી એમાં રાજ્યની નવી હાઉસિંગ પૉલિસીને મંજૂરી આપવામાં આવી હતી. ‘માઝે ઘર, માઝા અધિકાર’ સૂત્ર અનુસાર ૨૦૩૦ સુધીમાં ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે રાજ્યમાં દરેક નાગરિકને ટકાઉ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ ઘર આપવાનું વચન આપવામાં આવ્યું છે. ૨૦૩૦ સુધીમાં ૩૫ લાખ ઘર બનાવવામાં આવશે. રાજ્યમાં ૨૦૦૭ બાદ ૧૮ વર્ષે નવી હાઉસિંગ પૉલિસી જાહેર કરવામાં આવી છે. આ પૉલિસીમાં સિનિયર સિટિઝનો, જૉબ કરતી મહિલાઓ, સ્ટુડન્ટ્સ અને ઇન્ડસ્ટ્રિયલ કામગારોને ઘર આપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમને પ્રથમ ૧૦ વર્ષ ભાડેથી અને બાદમાં ઘરની માલિકીનો હક આપવામાં આવશે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કૅબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાઉસિંગની નવી પૉલિસીમાં તમામ સંબંધિતો અને સ્કીમની માહિતી Maha Awaas પોર્ટલ પર એકસાથે મૂકવામાં આવશે. સરકાર જમીનના નકશા તૈયાર કરીને મકાન બનાવવા માટે ઉપલબ્ધ કરશે. મકાન ટકાઉ બને એ માટે મૉડર્ન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે. ૨૦૦૭ પછી એક વ્યાપક અને સર્વસમાવેશી પૉલિસી તૈયાર કરવામાં આવી છે.’


