સત્તાધારી કે વિરોધી પક્ષે કોઈનું નામ જાહેર નથી કર્યું ત્યારે ચર્ચા થઈ રહી છે કે...
મહાયુતિ પક્ષના નેતાઓ (ઉપર) અને વિરોધી પક્ષના નેતાઓ (નીચે)
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ગયું છે. સત્તાધારી અને વિરોધી પક્ષો બેઠકોની સમજૂતી અને ઉમેદવારોની યાદી તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે ત્યારે સત્તાધારી કે વિરોધી પક્ષો દ્વારા ચૂંટણી બાદ જનતા આશીર્વાદ આપશે તો મુખ્ય પ્રધાન કોણ બનશે એની સ્પષ્ટતા નથી કરવામાં આવી. આથી અત્યારે રાજ્યમાં એક જ ચર્ચા છે કે આગામી મુખ્ય પ્રધાન કોણ હશે?
ઉદ્ધવ ઠાકરેએ અનેક વખત મહા વિકાસ આઘાડીના મુખ્ય પ્રધાન કોણ હશે એની જાહેરાત કરવાની માગણી કરી છે, પરંતુ શરદ પવાર કે કૉન્ગ્રેસે હજી સુધી આ બાબતે મગનું નામ મરી નથી પાડ્યું. બીજી તરફ, મહાયુતિમાં સામેલ શિવસેનાના અધ્યક્ષ એકનાથ શિંદે અત્યારે મુખ્ય પ્રધાન છે. તેમણે પણ બુધવારે મહાયુતિની પ્રેસ કૉન્ફરન્સમાં મહાયુતિના મુખ્ય પ્રધાન વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે અઢી વર્ષમાં કરેલા કામ જ અમારો મુખ્ય પ્રધાનનો ચહેરો છે.
ADVERTISEMENT
સત્તાધારી મહાયુતિ અને વિરોધી પક્ષોના મહાવિકાસ આઘાડીમાં સામેલ પક્ષો ચૂંટણી પહેલાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો જાહેર કરવાને બદલે ચૂંટણી બાદ કોને કેટલી બેઠક મળે છે એને આધારે નિર્ણય લેવામાં આવશે એવી રણનીતિ બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.


