એનસીપીના નેતાએ દેશના ગૃહપ્રધાન રાજ્યના જમાઈ હોવાથી મહારાષ્ટ્ર પ્રત્યે પ્રેમ હોવાનું કહ્યું, જ્યારે નાયબ મુખ્ય પ્રધાને અમિતભાઈનો જન્મ જ મુંબઈમાં થયો હોવાથી વિશેષ પ્રેમ હોવાનું કહ્યું
ગઈ કાલે અમિત શાહે સહકાર વિભાગે ડેવલપ કરેલી વેબસાઇટનું ચિંચવડમાં આવેલા રામકૃષ્ણ મોરે સભાગૃહમાં ઉદ્ઘાટન કર્યું હતું (તસવીર : પી.ટી.આઈ.)
કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ શનિવારથી ગઈ કાલે બપોર સુધી પુણેની મુલાકાતે આવ્યા હતા. બપોરના સમયે અમિત શાહે સહકાર વિભાગે ડેવલપ કરેલી વેબસાઇટનું ઉદ્ઘાટન ચિંચવડમાં આવેલા રામકૃષ્ણ મોરે સભાગૃહમાં કર્યું હતું. આ કાર્યક્રમમાં એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમ જ બીજેપીના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનાં મોંફાટ વખાણ કર્યાં હતાં.
નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજિત પવારે આ સમયે કહ્યું હતું કે ‘છત્રપતિ શાહૂ, સમાજસુધારક જ્યોતિબા ફુલે અને છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રનું ભલું માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ કરી શકે છે. વડા પ્રધાન દિવાળીમાં રજા લેવાને બદલે સીમા પર જવાનો સાથે હોય છે. અમિત શાહ ભલે ગુજરાતના છે, પણ તેમને મહારાષ્ટ્ર માટે વધુ પ્રેમ છે, કારણ કે તેઓ મહારાષ્ટ્રના જમાઈ છે અને દરેક જમાઈને પોતાનાં સાસરિયાં પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. આ પ્રેમ અમિત શાહના રૂપમાં આપણને દેખાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત એક સમયે એક હતાં. બંને રાજ્યમાં સહકાર દ્વારા ક્રાંતિ થઈ છે. અમે બાવીસ વર્ષથી સહકાર વિભાગ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ કોઈએ હિંમત નહોતી કરી. અમિતભાઈએ ડેરિંગ કરીને બતાવી છે. આથી જ અત્યારે સહકાર ક્ષેત્રમાં મોટી ક્રાંતિ થઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જ દેશનું ભલું કરી શકે છે એટલે જ આજે હું તેમની સાથે આવ્યો છું.’
રાજ્યના બીજા નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ અમિત શાહનાં ભરપેટ વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની ભૂમિ સહકારની ભૂમિ છે. રાજ્યમાં આ ક્ષેત્ર પર અત્યાર સુધી બહુ ધ્યાન નહોતું અપાયું. હવે જ્યારે સહકાર વિભાગ અમિતભાઈએ બનાવ્યો છે ત્યારથી આખા દેશમાં સૌથી વધુ સહકાર મહારાષ્ટ્રમાં તળિયા સુધી પહોંચ્યો છે. સહકારપ્રધાન બન્યા બાદ અમિતભાઈએ કાયદો બનાવવાથી રાજ્યને લાભ થઈ રહ્યો છે. ગામેગામ સહકારનું નેટવર્ક વધારવા માટે વેબ પોર્ટલ લૉન્ચ કરવામાં આવી છે. અમિત શાહ મહારાષ્ટ્રના જમાઈ છે એ વાત સાચી છે, પણ તેમનો જન્મ મુંબઈમાં થયો છે. તેઓ રાજકારણમાં નહોતા ત્યારે અહીં જ ઉદ્યોગ કરતા હતા. આથી તેમને મહારાષ્ટ્ર પ્રત્યે વિશેષ પ્રેમ છે.’
ADVERTISEMENT
મોડે-મોડે યોગ્ય જગ્યાએ આવ્યા
કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે પુણેના કાર્યક્રમમાં એનસીપીના નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘તમે અમારી સાથે આવ્યા બાદ પહેલી વખત આપણે કાર્યક્રમમાં સાથે છીએ. તમે નિર્ણય લેવામાં ઘણું મોડું કર્યું. જોકે તમે મોડે-મોડે પણ અમારી સાથે આવવાનો યોગ્ય નિર્ણય લીધો છે. આ જ તમારી યોગ્ય જગ્યા છે.
અઠવાડિયામાં પ્રધાનમંડળના વિસ્તરણની શક્યતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા અમિત શાહ શનિવારે સાંજે પુણે પહોંચ્યા હતા. અહીં તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે એક ફાઇવસ્ટાર હોટેલમાં ૪૦ મિનિટ બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના પ્રધાનમંડળના વિસ્તરણ વિશે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યમાં કુલ ૪૩ વિભાગ છે. એમાંથી અત્યાર સુધી ૨૯ વિભાગની ફાળવણી વિવિધ પ્રધાનોને કરી દેવામાં આવી છે. બાકીના ૧૪ વિભાગ માટેના પ્રધાનો એકાદ અઠવાડિયામાં નિયુક્ત કરવામાં આવી શકે છે. આમાંથી ૬ ખાતાં બીજેપીને તો ૪-૪- ખાતાં એકનાથ શિંદે અને અજિત પવાર જૂથને ફાળવવામાં આવે એવી ફૉર્મ્યુલા તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાન અને બંને નાયબ મુખ્ય પ્રધાનોએ આ બાબતે રજૂઆત કરી હતી જેના પર અમિત શાહે મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.
જયંત પાટીલ અમિત શાહને મળ્યા?
છેલ્લા કેટલાક સમયથી એનસીપીના જયંત પાટીલ સહિતના કેટલાક મોટા નેતા અજિત પવાર જૂથમાં સામેલ થવાની ચર્ચા ચાલી રહી છે. એમાં પણ શનિવારે અમિત શાહ પુણેમાં હતા ત્યારે રાતના સમયે ચોરીછૂપીથી જયંત પાટીલ તેમને મળ્યા હોવાની અટકળો ગઈ કાલે વહેતી થઈ હતી. જોકે જયંત પાટીલે આવી અટકળો મીડિયામાં આવવા લાગ્યા બાદ મુંબઈમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હું બે દિવસથી મુંબઈમાં જ છું. શનિવારે મોડી રાત સુધી અનિલ દેશમુખ અને રાજેશ ટોપે સાથે હતો અને આજે સવારના શરદ પવારને મળ્યો હતો. આથી હું અમિત શાહને મળ્યો હોવાની વાત ખોટી છે. હું શરદ પવાર સાહેબનો સાથ છોડીશ ત્યારે બધાને કહીને જઈશ. ચોરીછૂપીથી કોઈ નેતાને મળવા જાઉં એવો નેતા હું નથી.’


