આત્મહત્યાના કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવાની માગણી : સોમવારથી આઝાદ મેદાનમાં આંદોલન, નૉન-ઇમર્જન્સી સર્વિસ બંધ રાખવાની તૈયારી
ડૉ. સંપદા મુંડે
ફલટણમાં ડૉ. સંપદા મુંડેની આત્મહત્યાના કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને સોંપવાની માગણી સાથે મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD) સોમવારથી આઝાદ મેદાન ખાતે આંદોલન શરૂ કરશે. MARDએ સોમવારથી રાજ્યની તમામ નૉન- ઇમર્જન્સી સર્વિસ બંધ રાખવાની તૈયારી દર્શાવી છે.
ડૉ. સંપદાએ તેના હાથમાં સુસાઇડ-નોટ લખી હતી જેમાં તેણે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેએ તેના પર ૪ વાર બળાત્કાર કર્યો હોવાનું અને મકાનમાલિકનો દીકરો પ્રશાંત બનકર તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું લખ્યું હતું. ડૉ. સંપદાનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ ખોટો હોવાની અને ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ બાબતે પણ અનેક અટકળોને લીધે કેસ ગેરમાર્ગે દોરાઈ રહ્યો હોવાનું લાગતાં રેસિડન્ટ ડૉક્ટર્સે તપાસ SITને સોંપવાની માગણી કરી છે. SITમાં હાઈ કોર્ટના રિટાયર્ડ જજ અને સિનિયર વુમન ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર હોય એવું પણ જણાવ્યું છે.
ADVERTISEMENT
ફલટણ સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં કામ કરતી ડૉ. સંપદાના પરિવારને પાંચ કરોડ રૂપિયા વળતરપેટે અને પરિવારના કોઈ એક યોગ્યતા ધરાવતા સભ્યને નોકરી આપવાની માગણી MARD દ્વારા કરવામાં આવી છે.


