સર્વરમાં ખામી સર્જાતાં વિદ્યાર્થીઓને ૩૦ મિનિટ ઓછી મળી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર CET સેલને ટેગ કરીને આ મુદ્દે જાણ કરી છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
મહારાષ્ટ્ર સ્ટેટ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) સેલ એમબીએ, એમએમએસ પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે 25 માર્ચથી MAH MBA, MMS CET 2023ની પરીક્ષાઓ શરૂ થઈ છે. સમય પત્રક મુજબ આ પરીક્ષાઓ આજે અને આવતી કાલે (25 માર્ચ અને 26 માર્ચ)એ યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ૪ સ્લોટ આપવામાં આવ્યા છે. જોકે, આજે પહેલાં સ્લૉટની પરીક્ષા ૯.૩૦ વાગ્યે શરૂ થઈ હતી. આ પરીક્ષા દરમિયાન સિસ્ટમમાં ખામી સર્જાતાં વિદ્યાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સર્વરમાં ખામી સર્જાતાં વિદ્યાર્થીઓને ૩૦ મિનિટ ઓછી મળી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર CET સેલને ટેગ કરીને આ મુદ્દે જાણ કરી છે. આયુષ શર્મા નામની વ્યક્તિએ ટ્વિટર પર એક પત્ર શૅર કર્યો છે. આ પત્ર CET સેલને સંબોધીને લખવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે “પરીક્ષા શરૂ થઈ ત્યારે સ્ક્રીન પર ૧૮૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, જ્યારે ૩૭ બાકી હતી ત્યારે સર્વરમાં ખામી સર્જાઇ હતી. પરીક્ષા જ્યારે પાછી શરૂ થઈ ત્યારે માત્ર ૭ જ મિનિટ બાકી હતી.”
વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરતાં પત્રમાં જણાવ્યું છે કે “અન્ય વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે ૧૮૦ મિનિટનો સમય મળ્યો, અમારી સરખામણીમાં તેમને વધુ સમય ફાળવવામાં આવ્યો છે. આ કારણે અમે ચિંતિત છીએ અને શું કરવું તે સમજાતું નથી. અમારી મદદ કરશો.”
@CETCELL #MAHCET
— Ayush Sharma (@Ayush_2801) March 25, 2023
Wanted to Report an incident which took place today giving MAHCET . pic.twitter.com/osEAIxD9yl
બાંદ્રાના ગોપાલદાસ ઝાટમલ અડવાણી લૉ કૉલેજ સેન્ટરમાં પરીક્ષા આપવા ગયેલી એક વિદ્યાર્થિનીએ નામ ન જણાવવાની શરતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “સવારે પેપરમાં છબરડો થતાં બીજા સ્લોટની પરીક્ષા ક્યારે થશે, તે બાબતે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે ઘણા સમયથી કૉલેજની બહાર રાહ જોઈ રહ્યા છીએ.”
બાંદ્રાના સેન્ટર પર પરીક્ષા માટે રાહ જોતાં વિદ્યાર્થીઓ
આ પણ વાંચો: મારા પુત્રના મૃત્યુની તપાસ રાજ્ય કે કેન્દ્ર સ્તરની કમિટી દ્વારા કરાવો
અન્ય એક વિદ્યાર્થી સૂત્રએ જણાવ્યું છે કે CET પરીક્ષાનો બીજો સ્લોટ બપોરે ૨ વાગ્યે શરૂ થવાનો હતો, પરંતુ સિસ્ટમની ખામીને કારણે તે હવે ૪ વાગ્યે શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે CETનું પેપર ૧૫૦ મિનિટ (2.5 કલાક)નું જ હોય છે, પરંતુ પરીક્ષા શરૂ થઈ ત્યારથી વિદ્યાર્થીઓને ૧૮૦ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. કથિતરૂપે સર્વર ડાઉન થતાં ઘણા વિદ્યાર્થીઓને ૧૮૦ મિનિટ, તો કેટલાકને ૧૫૦ મિનિટ અથવા તેનાથી પણ ઓછો સમય મળ્યો હોવાનું કહેવાય છે. CET સેલ તરફથી આ મુદ્દે હજી સુધી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
CET સેલએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે "MBA/MMS માટે CET 2023 આજે સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી. 25 અને 26 માર્ચ 2023ના રોજ CET સેલ મહારાષ્ટ્રના 184 કેન્દ્રો અને અન્ય રાજ્યોમાં 11 કેન્દ્રો પર સવારે 9થી 11:30 અને બપોરે 2થી 4 30 વચ્ચે દરરોજ 2 સત્ર એમ 4 સત્રોમાં MBA/MMS માટે CETનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા માટે 1,31,035 ઉમેદવારોએ નોંધણી કરાવી છે."