ડિસેમ્બરની દુર્ઘટના બાદ લાઇફ-જૅકેટ ફરજિયાત કર્યું હોવા છતાં મુસાફરો એના વગર જ ટ્રાવેલ કરે છે : બોટમાલિકોનું કહેવું છે કે ગરમીને કારણે મોટા ભાગના લોકો જૅકેટ કાઢી નાખતા હોય છે
ગેટવે ઑફ ઇન્ડિયા
ગેટવે ઑફ ઇન્ડિયા પાસેના સમુદ્રમાં ૧૯ ડિસેમ્બરે બોટ-ઍક્સિડન્ટમાં ૧૫ પ્રવાસીઓનાં ડૂબી જવાથી મૃત્યુ થવાની ઘટનાની તપાસમાં લાઇફ-જૅકેટના નિયમનું પાલન કરવામાં ન આવ્યું હોવાથી લોકોના જીવ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. આ ઘટના બાદ બોટમાં લાઇફ-જૅકેટના નિયમ કડક કરવામાં આવ્યા હતા. થોડા દિવસ એનું પાલન પણ થયું હતું, પણ હવે માંડવા અને ગેટવે ઑફ ઇન્ડિયા વચ્ચે ચલાવવામાં આવતી બોટમાં લાઇફ-જૅકેટના નિયમનું પાલન ન કરવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું છે. ગેટવે ઑફ ઇન્ડિયા અને માંડવા વચ્ચે ચલાવવામાં આવતી બોટમાં સંબંધિત અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાને બદલે બોટચાલકો પર રહેમનજર રાખવામાં આવતી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે.
એક બોટના માલિકે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે ગેટવે ઑફ ઇન્ડિયાથી માંડવા બંદર સુધીના એક કલાકના પ્રવાસમાં ગરમીને લીધે જૅકેટ પહેરવાનું પ્રવાસીને અસહ્ય બની જાય છે. પ્રવાસ વખતે હવા ન હોય ત્યારે ગરમીને લીધે મોટા ભાગના પ્રવાસી જૅકેટ કાઢી નાખે છે. સમુદ્રના પ્રવાસમાં લાઇફ-જૅકેટનું ખૂબ મહત્ત્વ છે એવી માનસિકતા લોકોમાં તૈયાર કરવી જરૂરી છે.


