Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રિક્ષા અને ટૅક્સીના બિનમરાઠી ડ્રાઇવરોના નેતા આવ્યા મેદાનમાં, રાજ ઠાકરેને પડકાર

રિક્ષા અને ટૅક્સીના બિનમરાઠી ડ્રાઇવરોના નેતા આવ્યા મેદાનમાં, રાજ ઠાકરેને પડકાર

Published : 24 April, 2026 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તેએ કહ્યું કે મરાઠી ફરજિયાત કરવામાં આવ્યો તો અમે રસ્તા પર ઊતરીને આંદોલન કરીશું, જો તમે હિંસા કરશો તો અમે કાનૂનથી જવાબ આપીશું

ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તે મહારાષ્ટ્રના જાણીતા અને વિવાદાસ્પદ વકીલ છે.

ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તે મહારાષ્ટ્રના જાણીતા અને વિવાદાસ્પદ વકીલ છે.


પહેલી મેથી મુંબઈમાં ટૅક્સી અને રિક્ષાના ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કરવામાં આવશે તો તેઓ એનો વિરોધ કરશે અને રસ્તા પર ઊતરીને આંદોલન કરશે એવી ચેતવણી ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તેએ આપી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મુંબઈના પાંચ લાખ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોનો તેમને સપોર્ટ છે. તેમણે ગઈ કાલે આ બાબતે વિરોધ-પ્રદર્શન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. 

ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા સાથે આ બાબતે બેઠક કરીને આવ્યા બાદ ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તેએ મીરા-ભાઈંદરમાં આંદોલન કરતાં કહ્યું હતું કે ‘વો (MNS) તો ખતમ હો ચુકી હૈ, વો તો ઘર મેં બૈઠ ચુકી હૈ. અગર વો હિંસા પે ઉતરેંગે તો જવાબ કાનૂન સે હોગા, કષ્ટકરીઓ (રિક્ષાવાળાઓ) કે લિએ હમને ૧૦ (હેલ્પલાઇન) શુરૂ કી હૈ. ધ્યાન રખના હાથ ઉઠાને સે પહલે, રાજ ઠાકરે કો ભી બોલ રહા હૂં એક ભી મેરે રિક્ષાવાલે પે હાથ ઉઠાએગા તો કાનૂન કી હથકડી ઉન તક ભી પહૂંચ જાએગી.’



રાજ ઠાકરે વૈચારિક રીતે દેવાળિયા બની ગયા છે, અમે તેમનાથી ગભરાતા નથી એ ધ્યાનમાં રહે એમ પણ સદાવર્તેએ વધુમાં કહ્યું હતું.


મરાઠી માટે બે પાનાંની પુસ્તિકા

અમે મરાઠી ભાષા શીખવા માટે બે પાનાંની પુસ્તિકા તૈયાર કરવા જઈ રહ્યા છીએ એમ જણાવતાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘જો અમારા RTO અધિકારીઓએ પણ કોઈ ખોટું લાઇસન્સ કે પરમિટ આપી હશે તો અમે તેમની સામે કાર્યવાહી કરીશું. જો તમે મહારાષ્ટ્રમાં વ્યવસાય કરવા માગતા હો તો તમારે મરાઠી જાણવી પડશે. મહારાષ્ટ્રમાં રહીને તમે મરાઠી નહીં શીખો તો એ નહીં ચાલે.’


કોણ છે ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તે?

ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તે મહારાષ્ટ્રના જાણીતા અને વિવાદાસ્પદ વકીલ છે. ૨૦૧૮માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC)ની શ્રેણી હેઠળ અનામત આપી હતી. જોકે ઍડ્વોકેટ ગુણરત્ન સદાવર્તેએ સુપ્રીમ કોર્ટમાં મરાઠાઓને આપવામાં આવેલી અનામત ગેરબંધારણીય હોવાની અરજી સફળતાપૂર્વક લડી હતી. તેમને મરાઠા અનામત સંદર્ભે અનેક ધમકીઓ મળી હતી અને તેમના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો. એ પછી પણ તેઓ અનેક સામાજિક અને રાજકીય મુદ્દે પોતાનાં બોલ્ડ વિધાનોથી અને સ્ટૅન્ડથી ચર્ચામાં રહ્યા છે.  

ઍડ્વોકેટ સદાવર્તે મૂળ નાંદેડના છે. તેમનું શિક્ષણ છત્રપતિ સંભાજીનગર અને મુંબઈમાં થયું હતું. તેઓ પહેલેથી જ વિવિધ આંદોલનોમાં સક્રિય હતા. નાંદેડમાં તેમણે ‘સમ્યક વિદ્યાર્થી આંદોલન’ પણ ચલાવ્યું હતું અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું સંચાલન કર્યું હતું. થોડાં વર્ષો પહેલાં સદાવર્તે નાંદેડથી આવીને મુંબઈમાં સ્થાયી થયા હતા અને ત્યાં કાયદાની પ્રૅક્ટિસ શરૂ કરી હતી. તેમની પાસે ભારતના બંધારણમાં PhD છે.  સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓની ST બૅન્કમાં ઍડ્વોકેટ સદાવર્તેની પૅનલ જીતી આવી હતી. જોકે પછી તેમના પર ભ્રષ્ટાચારના આરોપ પણ થયા હતા અને રાજકીય પક્ષો સાથે પણ તેમની વિરોધી ભૂમિકા રહી છે. 

આમિર ખાનને જેમણે મરાઠી શીખવી તેઓ રિક્ષા-ડ્રાઇવરોને પણ શીખવશે

પ્રતાપ સરનાઈકની ઑફિસમાં આ બાબતે ગઈ કાલે એક બેઠક લેવામાં આવી હતી. પહેલી મેથી રાજ્યભરમાં ટૅક્સી અને રિક્ષા-ડ્રાઇવરો માટે મરાઠી ફરજિયાત કરવાના નિર્ણય અંગે આ બેઠક હતી. એ બેઠકમાં પ્રતાપ સરનાઈક, ટ્રાન્સપોર્ટ કમિશનર તથા રિક્ષા અને ટૅક્સી યુનિયનના કેટલાક પદાધિકારીઓ અને નિષ્ણાતો હાજર હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘રિક્ષા-ડ્રાઇવરોને મરાઠી શીખવાનો મોકો આપવામાં આવશે. કોકણ મરાઠી સાહિત્ય પરિષદ અને મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ આ માટે તેમનાં ટ્રેઇનિંગ-સેશન લેશે. મરાઠી ન જાણતા રિક્ષા-ડ્રાઇવરો અને અન્ય ભાષા ન જાણતા પૅસેન્જરો વચ્ચે એથી ઝઘડા થાય છે અને વાત પોલીસ-ફરિયાદ સુધી પહોંચે છે. એ ઝઘડા ઓછા કરવાનો અમારો ઇરાદો છે. આ એ લોકો છે જેમણે આમિર ખાનને મરાઠી શીખવ્યું હતું અને જેનેલિયાને પણ મરાઠી શીખવ્યું હતું. અમે બાવીસ વિભાગોમાં અભ્યાસક્રમ તૈયાર કરીશું અને પછી એ તમને આપીશું. જે લોકો મરાઠી ભાષા શીખે છે તેમને રાજ્ય સરકાર દ્વારા માન્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. અમે ભવિષ્યમાં લાઇસન્સ આપતી વખતે વ્હીકલ-ઓનર માટે માટે પણ આવું સર્ટિફિકેટ ફરજિયાત બનાવી શકીએ છીએ.’

MNS પણ આક્રમક બની

બીજી બાજુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પણ આક્રમક બની છે અને એના કાર્યકરોએ પણ રસ્તા પર ઊતરીને આંદોલન કર્યું હતું. જોકે સામસામે આવી ગયેલા MNS અને ઍડ્વોકેટ ગુણરત્ને અને તેમના સમર્થકો વચ્ચે હિંસા ફાટી ન નીકળે એ માટે પોલીસે MNSના સમર્થકોને રોક્યા હતા અને તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. પોલીસે MNSના કેટલાક કાર્યકરોને તાબામાં પણ લીધા હતા. કાર્યકરોએ કહ્યું હતું કે ‘આ મહારાષ્ટ્ર છે, અહીં મરાઠી આવડવી જ જોઈએ. આ મરાઠી ભાષાનું અપમાન છે અને એને સાંખી લેવામાં નહીં આવે.’ 

Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK