Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાથ જિયેંગે, સાથ મરેંગે

સાથ જિયેંગે, સાથ મરેંગે

22 March, 2023 09:05 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

અમારા બેમાંથી કોઈ એક પહેલાં જશે તો બીજી વ્યક્તિ કેવી રીતે એકલી જીવી શકશે એવી હંમેશાં ચિંતા વ્યક્ત કરતા ક.વી.ઓ. જૈન બાબુભાઈ વેરશીના મૃત્યુના દસ કલાકમાં જ તેમનાં પત્ની મંજુલાબહેને પણ દેહ છોડી દીધો

બાબુભાઈ વેરશી હરિયા અને પત્ની મંજુલાબહેન

બાબુભાઈ વેરશી હરિયા અને પત્ની મંજુલાબહેન


શેરડી ગામના ૮૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર પતિ-પત્નીની સજોડે અંતિમયાત્રા નીકળી

અમારા બેમાંથી કોઈ એક પહેલાં જશે તો બીજી વ્યક્તિ કેવી રીતે એકલી જીવી શકશે એવી હંમેશાં દીકરા-દીકરીઓ પાસે ચિંતા વ્યક્ત કરતા કચ્છના શેરડી ગામના (હાલ તિથલ) કચ્છી વીસા ઓસવાળ જૈન ૮૭ વર્ષના બાબુભાઈ વેરશી હરિયાના મૃત્યુના દસ કલાકમાં જ તેમનાં ૮૪ વર્ષનાં પત્ની મંજુલાબહેને પણ દેહ છોડી દીધો હતો. શેરડી ગામના રહેવાસીઓના કહેવા પ્રમાણે છેલ્લાં ૮૦ વર્ષના ઇતિહાસમાં પતિ-પત્નીની સજોડે અંતિમયાત્રા નીકળી હોય એવો આ પહેલો પ્રસંગ હતો. ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળી હતી.કચ્છથી આવીને નાની ઉંમરમાં મુંબઈના પ્રાર્થના સમાજમાં સેટલ થયેલા તેલના વેપારી બાબુભાઈ હરિયા ઉંમર થતાં નિવૃત્ત થઈને પંદર વર્ષથી વલસાડના દરિયાકિનારે તેમના પત્ની મંજુલાબહેન સાથે રહેતા હતા. બે મહિના પહેલાં જાન્યુઆરી મહિનામાં શેરડીમાં ભગવાનની પ્રતિષ્ઠાનો પ્રસંગ હોવાથી બંને પતિ-પત્ની સાથે ત્યાં ગયાં હતાં. ત્યાં પ્રતિષ્ઠાના પ્રસંગ પછી તેમના જેવા વૃદ્ધો સાથે જીવનને માણવા બાબુભાઈ અને મંજુલાબહેન કચ્છના ગુંદાલા ગામના વડીલ વંદનામાં ગયાં હતાં. ત્યાં બાબુભાઈને ૨૦ માર્ચે હાર્ટ-અટૅક આવતાં તેમને નજીકના ગામની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. બાબુભાઈનો દીકરો દેવેન અને તેનો પરિવાર સિંગાપોરમાં સ્થાયી થયા હોવાથી તેનો પરિવાર અને બાબુભાઈની દીકરીઓના પરિવારો કચ્છ પહોંચે ત્યાર પછી અંતિમક્રિયાની વિધિ કરવાની હોવાથી બાબુભાઈના મૃતદેહને મંજુલાબહેન શેરડી ગામે લઈ આવ્યા હતા.


આ બાબતની માહિતી આપતાં બાબુભાઈ અને મંજુલાબહેનની મુલુંડ-વેસ્ટમાં રહેતી દીકરી ગીતા ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મી અને પપ્પાનું દામ્પત્યજીવન એકદમ સુખી હતું. પપ્પા નિવૃત્ત થયા પછી અમારી તેલની દુકાન અમારા માણસને ચલાવવા આપીને મમ્મી સાથે કુદરતી સૌંદર્યમાં કુદરતના ખોળે રહેવા માટે અમારા તિથલ તીર્થમાં રહેવા ગયા હતા. ત્યાં બંને એકલાં હોવાથી અને મમ્મીને પેસમેકર મુકાવ્યું હોવાથી એકબીજાનું ધ્યાન રાખતાં હતાં અને કુદરતી સૌંદર્યને માણતાં હતાં. મારા પપ્પા પહેલેથી જ મોજીલા સ્વભાવના હતા. તેમને કુદરતી સૌંદર્ય ખૂબ જ ગમતું હતું. તિથલમાં મમ્મી અને પપ્પા ઘરે ખાવાનું બનાવીને કૂતરાઓને જમાડતાં હતાં. મમ્મી કૂતરાઓને મનભાવતી અવનવી આઇટમો બનાવીને એમને જમાડતી હતી. આમ બંને જણ જીવદયા સાથે જીવનની મજા માણતાં હતાં. તેઓ બંને એકલાં હોવાથી એકબીજાના સાંનિધ્યમાં રહેતાં હતાં. બંને જાણે એકમેક માટે જીવન જીવતાં હોય એ રીતે એકબીજાની સારસંભાળ લેતાં હતાં અને મોજથી જીવતાં હતાં. પપ્પા અને મમ્મી બંને હાર્ટનાં પેશન્ટ હતાં.’

ગીતા ગાલાએ આ દંપતીના જીવનની અનેક વાતો કરતાં કહ્યું હતું કે ‘બે મહિના પહેલાં અમારા શેરડી ગામમાં પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો. અમે મુંબઈમાં રહીને તેમની બધી જ તૈયારી કરી લીધી હતી. તેઓ શાંતિથી એકબીજાના આધાર બનીને શેરડી પહોંચી ગયાં હતાં. ત્યાંના યુવાનો તેમનું ધ્યાન રાખતા અને હાથ પકડીને ચાલતા હોય એવા ફોટો પાડતા અને તેમની ખાવા-પીવાની કાળજી લેતા હતા. પ્રતિષ્ઠાના પ્રસંગ પછી ગુંદાલામાં વડીલ વંદના કરીને એક જગ્યા છે. ત્યાં મમ્મી-પપ્પાની ઉંમરના લોકો સાથે રહેતા અને જીવનના ઉંમરની સંધ્યાની મજા માણતા હતા. આથી મમ્મી-પપ્પા અમારી પરવાનગી લઈને ગુંદાલાના વડીલ વંદનામાં રહેવા ગયાં હતાં. ત્યાંથી તેઓ ઘાટકોપરના અમારા એક રિલેટિવની દીકરીના લગ્નપ્રસંગમાં આવવાના હતા. તેમણે બધી તૈયારીઓ પણ કરી લીધી હતી. તેમની ૨૦ માર્ચની મુંબઈ આવવાની ટિકિટ હતી. રવિવાર, ૧૯ માર્ચે રાતના પપ્પાએ મારી સાથે તેમની મુંબઈ આવવાની તૈયારી થઈ ગઈ છે એની જાણકારી પણ આપી હતી.’


સોમવાર, ૨૦ માર્ચે સવારે પપ્પાની અચાનક તબિયત બગડી અને તેમને ત્યાં નજીકમાં જ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમનું હાર્ટ-અટૅકથી અવસાન થયું હતું એમ જણાવીને ગીતા ગાલાએ કહ્યું હતું કે ‘ગુંદાલા ગામમાં સંધ્યાકાળ પહેલાં અંતિમક્રિયા કરવાનો રિવાજ છે, પરંતુ અમે ભાઈબહેનો સંધ્યાકાળ પહેલાં પહોંચવાની કોઈ જ શક્યતા નહોતી. આથી અમે પપ્પાની ડેડ-બૉડીને શેરડી ગામે શિફટ કરી દીધી હતી. અમે બધા જ રાતના પોણાબાર વાગ્યાની આસપાસ પહોંચ્યા ત્યારે હિંમત રાખી મજબૂત બનીને રહેલી મારી મમ્મીને રાતના ૧.૧૫ વાગ્યે પહેલાં પૅરૅલિસિસનો અટૅક આવી ગયો અને ત્યાર પછી હૉસ્પિટલમાં બ્રેઇન હૅમરેજ થતાં મમ્મી રાતના ૨.૧૫ વાગ્યે મૃત્યુ પામી હતી. જાણે કુદરતને મારા પપ્પા અને મમ્મી વિખૂટાં રહે એ પસંદ નહોતું એટલે દસ કલાકના સમયગાળામાં જ મમ્મીને પણ તેમની પાસે બોલાવી લીધી હતી. અમારા બેમાંથી કોઈ એકનું મોત થઈ જશે તો બીજાનું ધ્યાન કોણ રાખશે અને તે કેવી રીતે રહી શકશે એવી અમને વાતો કરનારાં મારાં મમ્મી-પપ્પાને એકલા પડીને કોઈની પાસે રહેવાની જરૂર ન પડી.’

શેરડી ગામમાં પહેલી વાર કોઈ દંપતીની સજોડે અંતિમયાત્રા નીકળી હતી એમ જણાવતાં ગીતા ગાલાએ કહ્યું હતું કે ‘અમારા સંઘના વડીલે અમને કહ્યું કે તેઓ ૮૦ વર્ષથી શેરડીમાં રહે છે, પણ તેમની નજર સમક્ષ ૮૦ વર્ષમાં શેરડી ગામમાંથી કોઈ દંપતીની સજોડે અંતિમયાત્રા નીકળી નથી કે કોઈના અંતિમ સંસ્કાર સજોડે થયા નથી. મમ્મી-પપ્પા પહેલાં દંપતી હતા કે જેમની અંતિમયાત્રા શેરડી ગામમાં સાથે નીકળી અને તેમના અંતિમ સંસ્કાર પણ સાથે થયા.’

Whatsapp-channel Whatsapp-channel

22 March, 2023 09:05 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK