મલાડમાં મૅરેજમાં જવા નીકળેલા અંધેરીના કચ્છી પરિવારનો રોડ-અકસ્માત થયો : સામેથી આવતી કારના ડ્રાઇવરને ઝોકું આવતાં તેનો કાર પરથી કન્ટ્રોલ ગયો હતો

નયનાબહેન પ્રવાસ કરી રહ્યાં હતાં એ ઓલા કાર સાથે સામેની બાજુથી આવતી એમજી હેક્ટર કાર અથડાઈ હતી.
મુંબઈ : અંધેરીમાં રહેતું કચ્છી દંપતી મલાડમાં લગ્નપ્રસંગ માટે જવા ઓલા કારમાં પ્રવાસ કરી રહ્યું હતું ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પઠાન બ્રિજ પર સામેની લેનથી પૂરપાટ આવી રહેલી કાર લેન ક્રૉસ કરીને ઓલા કારને સામેની બાજુથી અથડાઈ હતી. એમાં ડ્રાઇવર-સીટનો માર પાછળ બેસેલી કચ્છી મહિલાના પગમાં વાગતાં તેને ઘૂંટણ પર જોરદાર માર લાગ્યો હતો. એ સાથે પગની અમુક નસો પણ કપાઈ ગઈ હતી અને તેમને અંબાણી હૉસ્પિટલમાં આઇસીયુમાં ઍડ્મિટ કરવાં પડ્યાં હતાં.
અંધેરી-ઈસ્ટના ચકાલા વિસ્તારની એક સોસાયટીમાં રહેતાં અને લેડીઝ પર્સની દુકાન ધરાવતાં ૫૪ વર્ષનાં નયના છેડાને પતિ પ્રવીણભાઈ સાથે ૨૬ જાન્યુઆરીએ લગ્નપ્રસંગમાં જવું હોવાથી પુત્ર કેનિલે ઓલા કૅબ બુક કરી હતી. એમાં તેઓ મલાડ જઈ રહ્યાં હતાં ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પઠાન બ્રિજ ચડતાંની સાથે સામેની લેનથી એક એમજી હેક્ટર કાર લેન ક્રૉસ કરીને પહેલાં એક ઍક્ટિવાને અથડાઈ હતી અને પછી તેમની ઓલા કારને ડ્રાઇવરની સાઇડથી અથડાઈ હતી. એમાં ડ્રાઇવર-સીટનો માર નયનાબહેનના પગના ઘૂંટણમાં લાગતાં તેમને મોટા પ્રમાણમાં દુખાવો થવા લાગ્યો હતો. તરત જ તેમને નજીકની પુનીત હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાં એક્સ-રે કાઢ્યા પછી વધુ ઇલાજ માટે તેમને અંબાણી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં જ્યાં હાલમાં તેમનો આઇસીયુ વૉર્ડમાં ઇલાજ ચાલુ છે. આ ઘટનાની માહિતી મળતાં દિંડોશી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
નયનાબહેનના ભાઈ વિપુલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેઓ લગ્ન માટે જવા ઓલા કારમાં પ્રવાસ કરી રહ્યાં હતાં, જેમાં પઠાન બ્રિજ નજીક બેફામ કાર ચલાવતા ડ્રાઇવરની અડફેટે આવ્યાં હતાં. હાલમાં તેમને અંબાણી હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડમાં ઇલાજ ચાલી રહ્યો છે.’
દિંડોશી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પોલીસ-ઇન્સ્પેક્ટર તુષાર સારંગે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ કરી છે. તેની પાસેથી વધુ માહિતી લેતાં તેણે કહ્યું હતું કે તે ગુજરાતથી કાર ચલાવીને મુંબઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે બ્રિજ ચડતાં તેને ઝોકું આવ્યું હતું એમાં તેનો કાર પરથી કન્ટ્રોલ ગયો હતો અને તેની કાર સામે બાજુ લેન પર જઈને અથડાઈ હતી.’