શંકર ગલીની અગ્રવાલ રેસિડેન્સીમાં આયોજિત બે દિવસના મનોરથમાં તમામ સમાના દર્શનનો ભાવિકોને મળશે લહાવો

ગયા વર્ષે ધજાજીની પધરામણી વખતની ફાઇલ તસવીર
કાંદિવલીની શંકર ગલીમાં આવેલી અગ્રવાલ રેસિડેન્સીમાં આવતી કાલે શ્રીનાથજીથી ધજાજીની પધરામણી થવાની છે. અગ્રવાલ રેસિડેન્સીના રહેવાસીઓ દ્વારા આ બે દિવસના મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધજાજીનાં દર્શનનો અને શ્રીનાથદ્વારામાં થતા દર્શનની જેમ દરેક સમા (દરેક દર્શનની ઝાંખી) પ્રમાણેના ઠાકોરજીનાં દર્શનનો લાભ વૈષ્ણવો સહિત અન્ય ભાવિકો પણ લઈ શકશે.
આ આયોજન વિશે માહિતી આપતાં અગ્રવાલ રેસિડેન્સીના પંકજ કોટેચાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં પહેલાં કોઈના ઘરે ધજાજીની પધરામણી થતી હતી અને ત્યાર બાદ તેઓ તેમનાં સગાંસંબંધી, ઓળખીતા અને મિત્રોને દર્શન માટે આમંત્રણ આપે છે. જોકે આ વખતે સોસાયટીના રહેવાસીઓએ ભેગા મળીને આ આયોજન હાથ ધર્યું છે, જેમાં શ્રીનાથ ટેમ્પલ ટ્રસ્ટ અને તિલકાયતજી શ્રી રાકેશજી બાવા અને શ્રી વિશાલજી બાવાની પરવાનગી સાથે અમારા આંગણે ધજાજીની પધરામણી થશે, જેમાં કાંદિવલીના મજીઠિયાનગરની હવેલીના દ્વારકેશ બાવા, શિવલાલાજીની હવેલીના રાજુ બાવા અને કામવન હવેલીના શિશિર બાવા સહિત વલ્લભ કુળનાં અન્ય બાળકો પણ અહીં પધારશે. આ દર્શનનો લાભ મુંબઈ તેમ જ આસપાસનાં પરાંમાં વસતા વૈષ્ણવો સહિતના ભાવિકો લઈ શકશે.’
ADVERTISEMENT
પંકજ કોટેચાએ વધુમાં કહ્યું હતું કે ‘બુધવારે સવારે ૮.૩૦ વાગ્યે પધરામણી થશે. ત્યાર બાદ ૯ વાગ્યે શૃંગાર, ૧૦ વાગ્યે ગ્વાલ, ૧૧ વાગ્યે રાજભોગ, ૪.૩૦ વાગ્યે ઉથાપન, ૫.૨૫ વાગ્યે ભોગ અને આરતી અને સાંજે ૭ વાગ્યે શયનનાં દર્શન કરી શકાશે. ગુરુવારે સવારે ૭ વાગ્યે મંગળાનાં દર્શન અને ૪.૩૦ વાગ્યાના ઉથાપન સુધીનાં બધાં જ દર્શન રહેશે. એ દરમ્યાન આંબા મનોરથ, ફૂલ મનોરથ અને અન્ય મનોરથ રાખવામાં આવ્યા છે. ભાવિકો એનો લાભ લઈ શકશે. મૂળમાં ઘણા બધા વૈષ્ણવો શ્રીનાથજી જઈને ધજાજીનાં દર્શન નથી કરી શકતા તેમને અહીં કાંદિવલીમાં દર્શન થઈ શકશે.’

