દસ વર્ષના પાનવ મહેતાએ ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલી ઇન્ડોર આર્ચરી કૉમ્પિટિશનમાં ગોલ્ડ મેડલ જીતીને જબરદસ્ત સિદ્ધિ હાંસલ કરી
કૉમ્પિટિશનમાં ભાગ લેતાં પહેલાં પ્રૅક્ટિસ કરી રહેલો પાનવ.
આપણામાં કહેવત છે ‘નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન.’ જોકે કાંદિવલીમાં રહેતા પાંચમા ધોરણમાં ભણતા ૧૦ વર્ષના પાનવ કેતન મહેતાએ તો નિશાન પણ બરોબર તાક્યું અને ઊંચું પણ રાખ્યું છે. ૨૬થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલી ઇન્ડોર આર્ચરી કૉમ્પિટિશનમાં ગોલ્ડ મેળવી તેણે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ તો હજી શરૂઆત છે એવું તે માની રહ્યો છે અને તેણે પોતાનો ટાર્ગેટ ઑલિમ્પિક રાખ્યો છે અને એને માટે અત્યારથી જ મહેનત કરી રહ્યો છે.

ADVERTISEMENT
લખનઉમાં નૅશનલ ચૅમ્પિયનશિપ જીત્યા બાદ ગોલ્ડ મેડલ દેખાડતો પાનવ.
પાનવની સફળતા વિશે માહિતી આપતાં તેના પિતા કેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લૉકડાઉન વખતે પાનવ ઘરે ટીવી પર ‘મહાભારત’ સિરિયલ જોતો રહેતો હતો અને એમાં અર્જુનને તીરંદાજી કરતો જોઈને તેને પણ તીરંદાજીમાં રસ જાગ્યો. તેણે તેની બાળસહજ વયમાં તો એમ પણ કહી દીધું કે મારે બ્રહ્માસ્ત્ર ચલાવવું છે. જોકે તેની સતત માગણી જોઈને અમે તેને કાંદિવલીના પોઇસર જિમખાનામાં આર્ચરીની ગેમ શીખવા મોકલ્યો. એ પછી તેણે ખરેખર મહેનત કરી અને આ લેવલ સુધી પહોંચ્યો છે. તીરંદાજીની આ ગેમમાં તે નિપુણ બનવા માગે છે. છેલ્લાં અઢી વર્ષથી તે શીખી રહ્યો છે અને અલગ-અલગ સ્પર્ધામાં ભાગ પણ લઈ રહ્યો છે. લખનઉમાં આયોજિત ગેમમાં તેણે અન્ડર-10 કૅટેગરીમાં ૧૦ મીટરના ટાર્ગેટને સૌથી સારા પૉઇન્ટ સાથે હિટ કરી ગોલ્ડ મેળવ્યો છે. જોકે નૅશનલ લેવલ પર આ તેનો ચોથો ગોલ્ડ મેડલ છે. એ સિવાય તેણે એક સિલ્વર મેડલ નૅશનલ લેવલ પર, ૧ સિલ્વર મેડલ સ્ટેટ લેવલ પર અને બે ગોલ્ડ મેડલ ડિસ્ટ્રિક્ટ લેવલ પર મેળવ્યા છે. તે હજી ૧૦ વર્ષનો છે, પણ તેણે પોતાનો ટાર્ગેટ ફિક્સ કરી રાખ્યો છે. ૧૮ વર્ષ પછી તે ઑલિમ્પિકમાં સિલેક્ટ થઈને રમવા માગે છે. તેને ખબર છે કે આટલા મોટા દેશમાંથી આવતા અનેક સ્પર્ધકો સાથે રમીને એમાંથી સિલેક્ટ થવું અઘરું છે એથી તેણે એને માટે અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરી દીધું છે.’


