થોડી વારમાં આવવાનું કહ્યા બાદ તે ઘરેથી નીકળ્યો હતો : પત્નીએ તેના મોબાઇલમાં એક યુવતી સાથેના ફોટો જોયા બાદ આત્મહત્યા કરી હતી

પ્રતીકાત્મક તસવીર
યુક્રેનમાં રહેતી એક યુવતી સાથે પતિના અનૈતિક સંબંધની જાણ થયા બાદ એનો વિરોધ કર્યા છતાં તે કંઈ કહ્યા વિના યુક્રેન પહોંચી જવાની જાણ થતાં કલ્યાણમાં રહેતી ૨૫ વર્ષની યુવતીએ ૧૦ નવેમ્બરે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. યુવતીના પિતાએ જમાઈ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી એટલે તે યુક્રેનથી પાછો આવ્યો ત્યારે પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપસર પોલીસે તેની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે ‘કલ્યાણ-ઈસ્ટમાં કાટેમાનીવલી પરિસરમાં નીતીશ નાયર પત્ની કાજલ સાથે રહેતો હતો. મોબાઇલમાં ફોટો જોયા બાદ કાજલને ખ્યાલ આવ્યો હતો કે પતિનો યુક્રેનમાં રહેતી એક યુવતી સાથે અનૈતિક સંબંધ છે. ૮ નવેમ્બરે નીતીશ બીકેસીમાં કામ માટે જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. તે એક શિપિંગ કંપનીમાં જૉબ કરે છે. દિવાળીનો સમય હોવા છતાં પતિ ઘરે ન આવતાં નક્કી તે યુક્રેન ભાગી ગયો હોવો જોઈએ એમ માની લીધું હતું. તેણે પતિને મેસેજ કર્યો ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે તે યુક્રેનમાં છે અને હવે ક્યારેય પાછો નહીં આવે. આ આઘાત કાજલ સહન નહોતી કરી શકી એટલે તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.’
ADVERTISEMENT
પોલીસે જણાવ્યા મુજબ કાજલના પિતા સીરેન્દ્ર સાવંતે કોળસેવાડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં લખ્યું હતું કે કાજલને નીતીશ સાથે પ્રેમસંબંધ હતો એટલે બન્નેનાં ૨૦૨૦માં લવ-મૅરેજ થયાં હતાં. બે વર્ષ તેમનો સંસાર બરાબર ચાલ્યો હતો, પણ સપ્ટેમ્બરમાં કાજલને જાણ થઈ હતી કે પતિ નીતીશના યુક્રેનમાં રહેતી કોઈ યુવતી સાથે અનૈતિક સંબંધ છે. પતિના મોબાઇલમાં આ મહિલા સાથેના કેટલાક ફોટો પણ મળી આવ્યા હતા. ત્યાર બાદ નીતીશ મુંબઈથી સીધો યુક્રેન ભાગી ગયો હોવાની જાણ થતાં કાજલે હતાશામાં આવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલામાં પોલીસે કાજલના પતિ નીતીશ નાયર સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
નીતીશ નાયર યુક્રેનથી પાછો આવ્યો હોવાની માહિતી પોલીસને મળ્યા બાદ ૧૮ નવેમ્બરે પોલીસે ઘરમાંથી તેની ધરપકડ કરી હતી. કાજલના પરિવારજનોએ તેના પતિ નીતીશને આકરી સજા કરવાની માગણી કરી છે.

