Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જતાં-જતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદને સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ કરાવ્યું

જતાં-જતાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદને સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ કરાવ્યું

30 June, 2022 09:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષોથી પ્રલંબિત મુદ્દાને કૅબિનેટની મીટિંગમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે મંજૂરીની મહોર મારી

ગઈ કાલે ત્રણ પ્લેનમાં મુંબઈ આવી પહોંચેલા સીઆરપીએફના જવાનો

ગઈ કાલે ત્રણ પ્લેનમાં મુંબઈ આવી પહોંચેલા સીઆરપીએફના જવાનો


આસામમાં ભારે વરસાદને લીધે સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિમાં ૨૧ લાખ લોકો ફસાયા છે ત્યારે બીજી બાજુ બળવો કરીને ગુવાહાટીની હોટેલમાં પહોંચેલા વિધાનસભ્યો મોજમસ્તી કરી રહ્યા છે અને તેઓ જો સાચા શિવસૈનિક હોય તો તેઓ લોકોની મદદે પહોંચત. આવી ટીકા આદિત્ય ઠાકરેએ કર્યા બાદ એકનાથ શિદેએ તેમને જવાબ આપ્યો છે. તેમણે પૂરમાં ફસાયેલા લોકોની મદદ માટે ૫૧ લાખ રૂપિયા આપવાની ગઈ કાલે જાહેરાત કરી હતી. એક અઠવાડિયાથી હોટેલમાં રોકાયેલા ૫૦ વિધાનસભ્યો ગઈ કાલે સાંજે ગોવા જવા નીકળ્યા હતા. ગુવાહાટીથી નીકળતા પહેલાં તમામ વિધાનસભ્યોએ અહીંનાં પ્રખ્યાત કામાખ્યા દેવીનાં દર્શન કર્યાં હતાં.

એકનાથ શિંદેએ ગઈ કાલે સવારે ટ્વીટ કર્યું હતું કે આસામમાં પૂરગ્રસ્ત ભાઈઓની મદદ માટે શિવસેનાના તમામ વિધાનસભ્યો અને સહયોગી વિધાનસભ્યો દ્વારા આસામના મુખ્ય પ્રધાનના રાહત ફન્ડમાં ૫૧ લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ તાજેતરમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘આસામના મુખ્ય પ્રધાને કરેલું આહ્વાન આપણે સૌએ સાંભળ્યું હશે. જેઓ ગુવાહાટીમાં છે તેમની પાસેથી મારી એટલી જ અપેક્ષા છે કે તેઓ જો ખરેખર શિવસૈનિક હોય તો તેમણે ગુવાહાટીની આસપાસમાં આવેલા પૂર વિસ્તારમાં જઈને લોકોની સેવા કરવી જોઈએ. એક તરફ આટલું ભયંકર પૂર આવ્યું છે અને બીજી તરફ કોણ તેમને હોટેલમાં આટલી મજા કરાવે છે એ મને ખબર નથી.’


ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામાંતરને કૅબિનેટમાં મંજૂરી
સુપ્રીમ કોર્ટમાં એક તરફ રાજ્યપાલે સરકારને ફ્લોર-ટેસ્ટ કરવાનું કહ્યું છે એના પર સ્ટે મૂકવાની અરજીની ગઈ કાલે સાંજે ચાલતી હતી ત્યારે મહાવિકાસ આઘાડી સરકારની કૅબિનેટની બેઠક મંત્રાલયમાં હાથ ધરવામાં આવી હતી. શિવસેના દ્વારા ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને નવી મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનાં નામ આપવા બાબતે પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હતા. આ ત્રણેય પ્રસ્તાવ કૅબિનેટે મંજૂર કર્યા હતા. ઔરંગાબાદનું નામ સંભાજીનગર, ઉસ્માનાબાદનું નામ ધારાશિવ અને નવી મુંબઈમાં બની રહેલા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું નામ ડી. બી. પાટીલ રાખવા પર કૅબિનેટ પ્રધાનોએ મંજૂરી આપી હતી. એનસીપી અને કૉન્ગ્રેસના કૅબિનેટ પ્રધાનોએ આ મુદ્દે પોતાને સહયોગ આપવા બદલ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમનો આભાર માન્યો હતો.

શિવસેનાના પદાધિકારીઓને પોલીસે નોટિસ મોકલી


બળવો કરનારા શિવસેનાના વિધાનસભ્યો ગમે ત્યારે મુંબઈ પહોંચે એવી શક્યતા વચ્ચે કાયદો અને વ્યવસ્થા બગડવાની શક્યતા ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગઈ કાલે શિવસેનાના પદાધિકારીઓને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. એકનાથ શિંદે સહિતના વિધાનસભ્યો અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યપાલને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટેની કરેલી માગણી દરમ્યાન સુરક્ષા આપવાની વાત કરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે આ નોટિસ મોકલી હોવાનું કહેવાય છે.

બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળે જઈશું : એકનાથ શિંદે

મુંબઈ આવ્યા બાદ સૌથી પહેલાં શિવસેનાના સ્થાપક પ્રમુખ બાળાસાહેબના શિવાજી પાર્કમાં આવેલા સ્મૃતિસ્થળે તેમને વંદન કરવા જવાનું એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું. શિવસેનાના ૩૯ સહિત અપક્ષના ૧૦ વિધાનસભ્યો ગઈ કાલે અઠવાડિયા બાદ ગુવાહાટીની હોટેલમાંથી નીકળીને ગોવા રવાના થયા હતા. કામાખ્યા મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ મુંબઈ આવીને સૌથી પહેલાં બાળાસાહેબ ઠાકરેના સ્મૃતિસ્થળે જઈને તેમને વંદન કરશે અને બાદમાં થાણેમાં આવેલા આનંદ દીઘેના સ્મૃતિસ્થળે જશે. પક્ષના બે-તૃતીયાંશ વિધાનસભ્યો અમારી પાસે હોવાથી હવે અમે જ શિવસેના છીએ એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

કિશોરી પેડણેકરને મારી નાખવાની ધમકી

શિવસેનામાં ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે શિવસેનાનાં નગરસેવિકા અને મુંબઈ બીએમસીનાં ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકરને જાનથી મારી નાખવાની ધમકી પત્રના માધ્યમથી મળી હોવાનું જાણવા મળ્યું હતું. આ પત્રમાં અજિત પવારનું પણ નામ છે. કિશોરી પેડણેકરના નામે મળેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘હું વિજેન્દ્ર મ્હાત્રે, જય મહારાષ્ટ્ર સાઇબર કૅફે, મહારાષ્ટ્ર બૅન્ક, ઉરણથી લખી રહ્યો છું. સરકાર પડ્યા બાદ હું તને જાનથી મારી નાખીશ. તારે જે કરવું હોય તે કર. ઉદ્ધવ ઠાકરેને કહેવું હોય તો કહી દે.’ પત્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નામનો પણ ઉલ્લેખ છે. અમારા અજિત પવારને લીધે મુખ્ય પ્રધાન બન્યા છો એટલે બહુ રુઆબ ન કરો ઉદ્ધવ ઠાકરે, એમ લખવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2022 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK