Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જન્મદિવસે જ કાળધર્મ

જન્મદિવસે જ કાળધર્મ

27 May, 2023 11:01 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

જૈનોના અચલગચ્છના યુવા મુનિરાજ મેઘર‌ક્ષિતસાગરજી મ.સા.નું ગઈ કાલે રોડ-અકસ્માતમાં થયું મૃત્યુ

મેઘર‌ક્ષિતસાગરજી મ.સા.ની ગઈ કાલે પાલખી નીકળી હતી

મેઘર‌ક્ષિતસાગરજી મ.સા.ની ગઈ કાલે પાલખી નીકળી હતી


જૈનોના અચલગચ્છના યુવા મુનિરાજ પરમ પૂજ્ય મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે વાપીથી મુંબઈ તરફ વિહાર કરીને આવી રહ્યા હતા ત્યારે અંદાજે પોણાછ વાગ્યાની આસપાસ વાપી અને ભિલાડ વચ્ચે રોડ-અકસ્માતમાં કાળધર્મ પામ્યા હતા. ગઈ કાલે મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબનો હિન્દુ તિથિ પ્રમાણે જન્મદિવસ હતો. તેમનો જન્મ ૧૯૮૪ની સાલમાં જેઠ સુદ સાતમના દિવસે થયો હતો. ગઈ કાલે તેઓ કાળધર્મ પામ્યા ત્યારે જેઠ સુદ સાતમ હતી. તેમના કાળધર્મ પામવાથી અચલગચ્છ જૈન સંઘ શોકમય બની ગયો હતો. આ વખતનું ચાતુર્માસ તેમનું થાણેમાં થવાનું હતું.

તેમના અકસ્માત વિશેની માહિતી આપતાં વાપી અચલગચ્છ જૈન સંઘના અગ્રણી કાર્યકર ખુશાલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળ કચ્છના ગઢશીશા ગામનાં હેમલતા  મોરારજી દેઢિયાના સંસારી પુત્ર મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી દેવરત્નસાગરજી મહારાજસાહેબ પાસે ૧૬ વર્ષ પહેલાં ઘાટકોપરના જીરાવલ્લા પાર્શ્વનાથ જૈન સંઘમાં સંયમ જીવન અંગીકાર કર્યો હતો. ગુરુવારે તેઓ વાપીમાં હતા. ગયા વર્ષે તેઓ રાજસ્થાનમાં બાડમેર સંઘમાં ચાતુર્માસ હતા. ત્યાં હિન્દીમાં સુંદર પ્રવચન આપી એ સંઘનું ચાતુર્માસ તેમણે યાદગાર બનાવ્યું હતું. આ વર્ષે તેમનું ચાતુર્માસ થાણે અચલગચ્છ જૈન સંઘમાં હતું. એ માટે તેઓ રાજસ્થાનથી વિહાર કરીને વાયા વાપી-ભિલાડ થઈને મુંબઈ તરફ જતા હતા. એ માટે તેમણે વાપીથી સવારે ૫.૧૫ વાગ્યે વિહારની શરૂઆત કરી હતી. તેમની સાથે વ્હીલચૅર ચલાવતા બે કર્મચારીઓ પણ હતા.’



ખુશાલ ગાલાએ વધુમાં કહ્યું હતું કે ‘મહારાજસાહેબ સવારે પોણાછ વાગ્યાની આસપાસ વાપીથી સાત કિલોમીટર દૂર દમણગંગા બ્રિજ પાસે પહોંચ્યા ત્યારે તેમને કોઈ હેવી વેહિકલ (તેમનો કર્મચારી પણ અત્યારે અકસ્માતમાં ગંભીર ઈજા પામ્યો હોવાથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે)એ ટક્કર મારી હતી. અમને પાકી ખબર પડી નથી, પણ ત્યાં રોડ પર પડેલાં ટાયરનાં નિશાન પરથી એ હેવી વેહિકલ હોવાની શંકા છે. આ વાહને તેમને અને તેમના વ્હીલચૅરના કર્મચારીને ટક્કર મારીને રોડ પર ફગાવી દીધા હતા. બંને જણ ખૂબ જ લોહીલુહાણ હાલતમાં રોડ પર હતા. વાપી સંઘને આ બાબતની જાણકારી મળતાં તરત જ અમારા સંઘના કાર્યકરો હાઇવે પર પહોંચીને ઍૅમ્બ્યુલન્સમાં મહારાજસાહેબ અને તેમના કર્મચારીને વાપીની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંના ડૉક્ટરોએ મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબને મૃત જાહેર કર્યા હતા.’


ખુશાલ ગાલાએ અંતિમ સંસ્કારની માહિતી આપતાં કહ્યું હતું કે ‘તેમનો સંસારી પરિવાર ખૂબ મોટો હોવાથી અને તેમના શિષ્યો થાણેમાં જ હોવાથી મહારાજસાહેબની  અંતિમવિધિ મુંબઈ કરવાનો નિર્ણય શ્રી અખિલ ભારત અચલગચ્છ જૈન સંઘ દ્વારા તેમના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યશ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની પરવાનગીથી લેવાયો હતો. આથી મહારાજસાહેબની પાલખી થાણેથી થાણેના અચલગચ્છ જૈન સંઘના ચંદ્રપ્રભુ જિનાલયમાં લઈ આવ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર થાણેમાં જ કરવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં અચલગચ્છનાં શ્રાવકો-શ્રાવિકાઓ જોડાયાં હતાં.’

મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબના જીવન વિશેની માહિતી આપતાં ચેમ્બુર અચલગચ્છ જૈન સંઘના અગ્રણી જતીન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મહારાજસાહેબનો જન્મદિવસ હતો. મહારાજસાહેબનો જન્મ ૧૯૮૪માં જેઠ સુદ સાતમના દિવસે થયો હતો. તેમણે ભરયુવાનીમાં દીક્ષા અંગીકાર કરી હતી. ૨૦૦૮માં પાલિતાણામાં કચ્છી જૈન સમાજની સૌપ્રથમ બાળકોની ૯૯ યાત્રામાં ૧,૦૦૦થી વધુ બાળકો જોડાયાં હતાં. તેમને આરાધના કરાવવાની મોટી જવાબદારી મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબને સોંપવામાં આવી હતી. એને કારણે ૨૦૦૯માં તેમના વડપણ હેઠળ બીજી ૯૯ યાત્રા યોજાઈ હતી. જ્યાં-જ્યાં તેમના ચાતુર્માસ થાય ત્યાં બાળકો અને યુવાનોના સંસ્કાર-ઘડતર માટે અવનવાં આયોજનો કરવામાં આવ્યાં હતાં. બાળકો સાથે બાળક બનીને તેઓ જ્ઞાન પીરસતા હતા. નાનપણથી જ તેમના માથે વ્યાખ્યાન આપવાની જવાબદારી આવી ગઈ હતી. તેઓ એક પ્રભાવશાળી વ્યાખ્યાનકારક તરીકે આગળ આવ્યા હતા.’


જતીન છેડાએ વધુમાં કહ્યું હતું કે ‘અચલગચ્છને મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબ પાસે ઘણી આશા હતી. સંઘને શ્રદ્ધા હતી કે તેઓ તેમના ગુરુ દેવરત્નસાગરજી મહારાજસાહેબ જેવા પ્રભાવશાળી બનશે. જોકે વિધિના લેખ પૂરા થયા અને અચાનક રોડ-અકસ્માતમાં મેઘર‌‌િક્ષતસાગરજી મહારાજસાહેબની અણધારી વિદાયથી અચલગચ્છ સંઘને મોટી ખોટ પડી છે.’

મેઘર‌િક્ષતસાગરજી મહારાજસાહેબ.
હાઇવે પર તેમની તૂટી ગયેલી વ્હીલચૅર. 

Whatsapp-channel Whatsapp-channel

27 May, 2023 11:01 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK