Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીના રેસિડેન્શિયલ એરિયામાં પ્રદૂષણ ફેલાવતો પ્લાન્ટ શું કામ હજી ચાલે છે?

બોરીવલીના રેસિડેન્શિયલ એરિયામાં પ્રદૂષણ ફેલાવતો પ્લાન્ટ શું કામ હજી ચાલે છે?

06 December, 2023 07:17 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

polluting plant in the residential area: ક્રૉન્ક્રીટ મિક્સિંગ પ્લાન્ટને બંધ કરાવવા માટે આજે સ્થાનિકો કરશે ધરણાં : આ વિસ્તારમાં મેટ્રોનું કામ પૂરું થઈ ગયું હોવા છતાં ભયંકર પૉલ્યુશન ફેલાવતો પ્લાન્ટ હજી ચાલુ રખાયો હોવાનું આશ્ચર્ય

બોરીવલી (વેસ્ટ)ના એક્સર મેટ્રો સ્ટેશન પાસે આવેલો આરએમસી પ્લાન્ટ.

બોરીવલી (વેસ્ટ)ના એક્સર મેટ્રો સ્ટેશન પાસે આવેલો આરએમસી પ્લાન્ટ.


બોરીવલીના આરએમસી પ્લાન્ટને કારણે આસપાસ રહેતા 10 હજાર લોકો પર એના પ્રદૂષણની સીધી અસર પડે છે.


polluting plant in the residential area: મુંબઈમાં વિવિધ લૉજિસ્ટિક્સ, પેટ્રોકેમિકલ અને પાવર ઉત્પાદક કંપનીઓને નોટિસ જારી કર્યા પછી મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે સ્વચ્છ હવાના નિયમોનું ઉલ્લંઘન કરતા કૉન્ક્રીટ મિક્સિંગ પ્લાન્ટ્સ પર કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. એણે મુંબઈ ક્ષેત્રના ચાર રેડી મિક્સ કૉન્ક્રીટ (આરએમસી) પ્લાન્ટને નોટિસ મોકલીને પૂછ્યું છે કે તેમણે પ્રદૂષણનાં ધોરણોનું શા માટે પાલન કર્યું નથી? જોકે નવાઈની વાત તો એ છે કે છેલ્લાં ત્રણ વર્ષથી રહેણાક વિસ્તારથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલા આરએમસી પ્લાન્ટ સામે બોરીવલી (વેસ્ટ)ના રહેવાસીઓની ફરિયાદો મહાનગરપાલિકાના બહેરા કાને અથડાઈને પાછી ફરી રહી છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે આ મુદ્દાને વિધાનસભાના અધિવેશનમાં ઉઠાવ્યા પછી પણ આજ સુધી બોરીવલી (વેસ્ટ)ના એક્સર મેટ્રો સ્ટેશન પાસે આવેલા આરએમસીના આ પ્લાન્ટને બંધ કરવામાં મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે. આથી રોષે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ આજે આ પ્લાન્ટના વિરોધમાં સવારે ૧૧ વાગ્યે સ્ટાર બક્સ સામે મેટ્રો પિલર ૧૭૦ પર બોરીવલી અને દહિસરનાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્યો સુનીલ રાણે અને મનીષા ચૌધરીના નેતૃત્વ હેઠળ ધરણાં પર ઊતરવાનો નિર્ણય કર્યો છે. ફરિયાદોનો ઢગલો, પણ નો ઍક્શન
સ્થાનિક રહેવાસીઓએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલી (વેસ્ટ)ના એક્સર મેટ્રો સ્ટેશન પાસે માનવ-વસાહતની વચ્ચે મેટ્રો રેલના બાંધકામને અનુલક્ષીને આરએમસી પ્લાન્ટને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી. જોકે અમે તરત આ પ્લાન્ટ સામે વિરોધ દર્શાવ્યો હતો અને મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે સહિત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગોમાં આ પ્લાન્ટને બંધ કરવા માટે લેખિતમાં ફરિયાદો કરી હતી. આમ છતાં આજ સુધી આ પ્લાન્ટ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.’


સો મીટરના અંતરમાં નૉટ અલાઉડ
polluting plant in the residential area: આરએમસી પ્લાન્ટ એ એક ફૅક્ટરી અથવા બેચિંગ પ્લાન્ટ છે જ્યાં સિમેન્ટ મિશ્રણ મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. એ મોટા ભાગે બાંધકામ માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્લાન્ટ વાયુ અને ધ્વનિપ્રદૂષણ ફેલાવતો હોવાથી એને માનવ-વસાહતો અને હૉસ્પિટલોના ૧૦૦ મીટરના અંતરમાં એસ્ટૅબ્લિશ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. 

બે હૉસ્પિટલો અને હજારો રહેવાસીઓ અસરગ્રસ્ત
સ્થાનિક રહેવાસીઓએ આ જાણકારી આપતાં કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં એટલે કે આરએમસી પ્લાન્ટના ૧૦૦ મીટરના અંતરમાં બે હૉસ્પિટલો લોટસ હૉસ્પિટલ અને ઇન્ડિગો આંખની હૉસ્પિટલ તથા સૂરજ દર્શન, ધ કૉર્નર, તિલક સંકુલ, શાંતિ દર્શન, મધુ વિલા, દેવકીનગર, દેવકી આશીર્વાદ, ઓમ પ્રથમેશ, આત્મારામ, સ્વાતિ, પ્રણીલ સોસાયટીઓ આવેલી છે. ત્યાંના દસ હજારથી વધુ રહેવાસીઓ આ પ્લાન્ટથી અસરગ્રસ્ત થતા હોવા છતાં અને અમારો પહેલા દિવસથી જ વિરોધ હોવા છતાં આ પ્લાન્ટને કયાં કારણોસર પરવાનગી આપવામાં આવી એનું તો અમને અચરજ છે જ, પરંતુ એનાથી વધારે રોષ તો અમને એ બાબતનો છે કે અમારા સતત વિરોધ પછી પણ અને ઑલરેડી મેટ્રો રેલનું કામ પૂરું થઈ ગયા પછી પણ મહાનગરપાલિકા અને પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડે આ મુદ્દે ચુપકીદી સેવી રહ્યાં છે. આ બંને પ્રશાસનો અમને છેલ્લાં ત્રણ વર્ષથી સંતાકૂકડી રમાડી રહ્યાં છે. અમારી ફરિયાદો બહેરા કાને અથડાઈને પાછી ફરી રહી છે.’


શ્વસનને લગતા અને અસ્થમા જેવા રોગોનું જોખમ
polluting plant in the residential area: અમારાં ઘરોમાં જો સવારે અમારી બારીઓ અને ડાઇનિંગ ટેબલ સાફ કરીએ તો એક કલાકમાં એના પર ફરીથી ધૂળથી ભરાઈ જાય છે અને આ વિસ્તારના ઘણા વરિષ્ઠ નાગરિકોને આના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે એમ જણાવીને આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘મેડિકલ રિસર્ચ પ્રમાણે આરએમસીને કારણે ફેલાતા વાયુપ્રદૂષણથી અને હવાની નબળી ગુણવત્તાથી અસ્થમા અને અન્ય શ્વસન સંબંધી રોગોમાં વધારો થાય છે. આ દરદીઓ સરળતાથી સ્થાયી થતા નથી. શ્વસન સંબંધી અને અસ્થમા જેવા રોગોનાં જોખમી વાયુ અને ધૂળના કણો મુખ્ય કારણો છે. જો આવા જોખમી વાયુઓ શ્વાસમાં લેવાનું ચાલુ રહે તો એ ઘણા દરદીઓનાં ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. આવા પ્લાન્ટ રહેણાક વિસ્તારની નજીક ન હોવા જોઈએ જે લોકોના આરોગ્ય માટે ખૂબ જોખમી હોય છે. આમ છતાં નવાઈની વાત છે કે અમારી સતત ત્રણ વર્ષથી ફરિયાદો હોવા છતાં રાજ્ય સરકાર કે મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ આ મુદ્દે હાથ જોડીને બેઠાં છે. બધાં ડિપાર્ટમેન્ટો કાર્યવાહી માટે એકબીજા પર જવાબદારી ઢોળીને શાંત બેસી જાય છે. કોઈ અમારી ફરિયાદને ગંભીરતાથી લેવા તૈયાર નથી.’

ધરણાં એક જ માર્ગ
polluting plant in the residential area: આ સંજોગોમાં અમારી પાસે રોડ પર ઊતરવા સિવાય કોઈ જ માર્ગ બચ્યો નથી એમ જણાવતાં સ્થાનિક રહેવાસીઓેએ કહ્યું હતું કે ‘અમારા વિસ્તારના આરએમસી પ્લાન્ટને બંધ કરવાની માગણી સાથે અમે આજે વિરોધમાં સવારે ૧૧ વાગ્યે સ્ટાર બક્સ સામે મેટ્રો પિલર ૧૭૦ પર બોરીવલી અને દહિસરનાં ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્યો સુનીલ રાણે અને મનીષા ચૌધરીના નેતૃત્વ હેઠળ ધરણાં પર ઊતરવાનો નિર્ણય કર્યો છે.’ 

એન્વાયર્નમેન્ટ વિભાગમાંથી આ પ્લાન્ટને બંધ કરવાના ઑર્ડર મારી પાસે છે
બોરીવલી (વેસ્ટ)ના એક્સર મેટ્રો સ્ટેશન પાસે આવેલો આરએમસી પ્લાન્ટ જેના ક્ષેત્રમાં આવે છે એ ભારતીય જનતા પાર્ટીનાં વિધાનસભ્ય મનીષા ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તમને આ ફરિયાદ કોના તરફથી મળી છે? હું તો ઑલરેડી એન્વાયર્નમેન્ટ વિભાગમાંથી આ પ્લાન્ટને બંધ કરવાના ઑર્ડર લઈ આવી છું. એની કૉપી મારી પાસે છે. આ પ્લાન્ટને કોવિડના કાળમાં એ સમયના એન્વાયર્નમેન્ટ મિનિસ્ટર આદિત્ય ઠાકરે હતા ત્યારે પરવાનગી આપવામાં આવી હતી. અત્યારે મુંબઈમાં વાયુપ્રદૂષણ વધવાથી ખાંસી જેવી બીમારીઓ વધી ગઈ છે. આવી સમસ્યાઓ આ પ્લાન્ટની આસપાસના રહેવાસીઓ અને વિશેષરૂપે બાળકોમાં વધી રહી છે. એમાં પણ આ પ્લાન્ટની નજીકમાં મૅટરનિટી હૉસ્પિટલ આવેલી છે. મેં પોતે આ વિસ્તારની મુલાકાત લઈને ત્યાંના રહેવાસીઓને આરએમસી પ્લાન્ટને કારણે થતી તકલીફો જોઈ છે. આ પ્લાન્ટને મેટ્રો રેલના બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી હતી. હવે તો મેટ્રો રેલનું બાંધકામ પૂરું થઈ ગયું છે. આ મુદ્દો એક-બે દિવસમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્રમાં પણ હું ઉપાડવાની છું.’

બે વર્ષથી લડી રહ્યો છું
હું છેલ્લાં બે વર્ષથી આ પ્રાજેક્ટને બંધ કરાવવા માટે લડી રહ્યો છું એમ જણાવીને બોરીવલીના વિધાનસભ્ય સુનીલ રાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્લાન્ટ બોરીવલી વિધાનસભા ક્ષેત્રની સીમા પૂરી થાય છે અને દહિસર વિધાનસભા ક્ષેત્ર શરૂ થાય છે એ જગ્યા પર આવેલો છે. એને કારણે એ વિસ્તારમાં ભયંકર વાયુપ્રદૂષણની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. અત્યારે આ આરએમસી પ્લાન્ટને લોકોની આંખોમાં ધૂળ નાખવાના ઇરાદા સાથે કપડાથી કવર કર્યો છે. આ પ્લાન્ટે મેટ્રો રેલના બાંધકામમાં સિમેન્ટ સપ્લાય કરવા માટે પરવાનગી માગી હતી અને એને આપવામાં આવી હતી.’

અહીં એક ગંભીર સવાલ ઊભો થાય છે કે મેટ્રો કંપનીઓ કયા ગ્રાઉન્ડ પર સિમેન્ટ સપ્લાય કરવાનો ઑર્ડર આપે છે એમ જણાવીને સુનીલ રાણેએ કહ્યું હતું કે ‘અત્યારે દહિસર ઝોનમાં તો મેટ્રો રેલનું બાંધકામ પૂરું થઈ ગયું છે. આ પ્લાન્ટમાંથી કઈ મેટ્રો રેલને માલ આપવાનો છે? આ સવાલ મેં ગયા વર્ષના માર્ચ મહિનાના અધિવેશનમાં મેં ઉપાડ્યો હતો. આ પરિસ્થિતિમાં મુંબઈને વાયુપ્રદૂષણમાંથી કેવી રીતે બચાવી શકીશું? મેં મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચૅરમૅન સાથે આ પ્લાન્ટના ક્લોઝર માટે વાતચીત કરી છે. તેમણે કહ્યું છે કે તેમના તરફથી ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.’

મહાનગરપાલિકા શું કહે છે?
આમાં મારો કોઈ રોલ નથી એમ જણાવતાં આર-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર નૈનિષ વેન્ગુલેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્લાન્ટની જેણે પરવાનગી આપી હોય એ ડિપાર્ટમેન્ટ જ ક્લોઝર નોટિસ આપીને એને બંધ કરાવી શકે છે. સૌથી પહેલી આ આરએમસી પ્લાન્ટને પૉલ્યુશન બોર્ડ પરવાનગી આપે છે. એના આધારે મહાનગરપાલિકા પરવાનગી આપતી હોય છે.’
આર-નૉર્થ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર નૈનિષ વેન્ગુલેકરની વાતની સ્પષ્ટતા કરવા માટે મહારાષ્ટ્ર પૉલ્યુશન બોર્ડના સંબંધિત વિભાગના અધિકારીનો સંપર્ક થઈ શક્યો નહોતો. 

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2023 07:17 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK