Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ધંધો વધારવાની કોશિશમાં સીસીટીવીની જંજાળમાં ફસાયા

ધંધો વધારવાની કોશિશમાં સીસીટીવીની જંજાળમાં ફસાયા

06 October, 2022 09:01 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચિંચપોકલીના જૈન દંપતીએ પહેલી જ વખત ગાર્મેન્ટ એક્ઝિબિશન ઑર્ગેનાઇઝ કર્યું, પણ મહિલાઓના ચેન્જિંગ રૂમ પર કૅમેરા છે એનો ખ્યાલ ન રહેતાં પોલીસના ચક્કરમાં ફસાયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીરમુંબઈ : છેલ્લાં ૨૫ વર્ષથી લેડીઝ કુર્તી અને લેડીઝવેઅરનું કામકાજ કરતા ચિંચપોકલીના જૈન દંપતીએ પહેલી જ વખત ગાર્મેન્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. થોડા દિવસ પહેલાં બે દિવસ માટે યોજાયેલા આ એક્ઝિબિશનમાં પચાસેક સ્ટૉલ્સધારકો સહભાગી થયા હતા. એક્ઝિબિશનનું આયોજન કરીને સારીએવી આવક થઈ શકે એ હિસાબે ચિંચપોકલીના આ જૈન દંપતીએ હોંશે-હોંશે તૈયારી શરૂ કરી હતી. જોકે હૉલમાં સુરક્ષાની દૃષ્ટિએ લગાડેલા સીસીટીવી કૅમેરાની નીચે જ ચેન્જિંગ રૂમ બનાવાયો હતો અને એને ઉપરથી પૅક કર્યો નહોતો એટલે ત્યાં આવેલી એક મહિલા ગ્રાહકે વાંધો ઉઠાવ્યો હતો. એ મહિલાએ આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સુધ્ધાં નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે અને મામલાની ગંભીરતા જોતાં પોલીસે તાત્કાલિક એક્ઝિબિશનના આયોજક અને હૉલના મૅનેજર સામે કાર્યવાહી કરી હતી. પોલીસે કૅમેરાના ડીવીઆર (ડિજિટલ વિડિયો રેકૉર્ડર્સ)ની તપાસ કરતાં એમાં મહિલાઓનાં ફુટેજ કેદ થયેલાં પણ જોવા મળ્યાં હતાં. જોકે ડેકોરેશનનું કામ તો ડેકોરેટરને આપી દીધું હતું એથી ચેન્જિંગ રૂમ પરના કૅમેરા વિશે આયોજકને અંદાજ જ ન હોવાનું તેમનું કહેવું છે. 
ચિંચપોકલીમાં સ્થાનકવાસી મહાજનવાડી જૈન કમ્પાઉન્ડમાં હાલમાં ભાડા પર રહેવા આવેલા જયપાલ જૈનનાં પત્ની ઉષા જૈન છેલ્લાં ૨૫ વર્ષથી ઉષા ક્રીએશન્સ નામથી મહિલાઓનાં કપડાં અને કુર્તીનું વેચાણ ઘરેથી જ કરે છે. છેલ્લાં અનેક વર્ષોથી આ દંપતી મુંબઈમાં અનેક એક્ઝિબિશનમાં ભાગ લઈને સ્ટૉલ્સ લેતું હતું અને પોતાનો વ્યવસાય કરતું હતું. જોકે એક્ઝિબિશન કરીને નવો ધંધો ઊભો કરાય એ વિચારથી આ દંપતીએ ચિંચપોકલી ખાતે આવેલા વેલજી લખમશી નપુ હૉલમાં ગાર્મેન્ટનું બે દિવસનું એક્ઝિબિશન યોજ્યું હતું. 

ખોટી રીતે નામ બદનામ થયું
અમારો ઉત્સાહ આઘાતમાં પરિવર્તિત થઈ ગયો હતો એમ જણાવીને જયપાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલાં વર્ષોથી મારી પત્ની ઘરેથી જ લેડીઝ કુર્તી વેચવાનું કામ કરે છે અને મુંબઈમાં યોજાતાં એક્ઝિબિશનોમાં પણ ભાગ લઈને વ્યવસાય કરતી હતી. ધંધો વધે અને નવી લાઇન મળે એ ધ્યાનમાં રાખીને અમે એક્ઝિબિશનનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું. હૉલમાં ડેકોરેશનવાળાની મોનોપૉલી છે એથી અમે તેને ડેકોરેશનનું કામ આપી દીધું હતું. અમારા એક્ઝિબિશનના ત્રણેક દિવસ પહેલાં પણ ત્યાં એક એક્ઝિબિશન થયું હતું. ડેકોરેશનવાળામાં જ ડેકોરેશનનની સૂઝ હોય છે એથી અમે સ્ટૉલ્સ વગેરે જોયું હતું, પરંતુ હૉલમાં પહેલેથી જ લગાડેલા કૅમેરા પર અમારું ધ્યાન ગયું નહોતું. અમે તો સ્ટૉલ્સ લેનારને વ્યવસ્થિત બધી સુવિધા મળે છે એના પર ધ્યાન આપેલું અને અચાનક આવો બનાવ બન્યો. અમારી આ બનાવ સાથે કોઈ લેવા-દેવા નથી છતાં અમારી આ રીતે ખોટી બદનામી થઈ છે.’બનાવ શું બન્યો હતો? 
એક્ઝિબિશનમાં મહિલાઓ માટે ખરીદવાનાં કપડાં ચેક કરવા માટે ચેન્જિંગ રૂમ હોય છે. મહિલાઓ અહીં કપડાં પહેરીને ફિટિંગ, માપ વગરે ચેક કરતી હોય છે અને પસંદ પડે તો ખરીદી કરતી હોય છે. અહીં ફરિયાદી તેની માતા સાથે આવી હતી અને કપડાં પસંદ કર્યાં હતાં. એ ચેક કરવા તે ચેન્જિંગ રૂમમાં ગઈ ત્યારે તેનું ધ્યાન ઉપર ગયું અને જોયું તો ઉપરથી રૂમ સંપૂર્ણપણે ખુલ્લો હતો અને ત્યાં એક વૉલ-માઉન્ટેડ સીસીટીવી કૅમેરા હતો. આ કૅમેરા સીધો નીચે ચેન્જિંગ રૂમમાં માઉન્ટ થયેલો હતો. એ પછી મહિલાએ કાલાચૌકી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ ફરિયાદના આધારે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરવામાં આવતાં જાણવા મળ્યું કે ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરતી ઘણી મહિલાઓ એમાં કેદ થઈ હતી. 
શ્રી કચ્છી વીસા ઓસવાળ મહાજનવાડીના મનીષ ગાલાએ ‘મિડ-ડે’એ જણાવ્યું હતું કે ‘અમે તો હૉલને ભાડા પર આપી દીધો હતો. એથી આ બાબત આયોજન અને ડેકોરેશનના કૉન્ટ્રૅક્ટર વચ્ચેની છે. આ અજાણી રીતે થયું હોવા છતાં યોગ્ય એ પગલાં લેવામાં આવ્યાં છે.’


પોલીસનું શું કહેવું છે?
કાલાચૌકી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર આનંદ મુલાયે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘યુવતીની ફરિયાદ મળ્યા બાદ અમે ઘટનાસ્થળ પર એક ટીમ મોકલીને આયોજકને અમને ફુટેજ બતાવવા કહ્યું હતું. એમાં ચેન્જિંગ રૂમનો ઉપયોગ કરીને ઘણી મહિલાઓ કૅમેરામાં કેદ થઈ હતી. એથી અમે તરત જ ડિજિટલ વિડિયો રેકૉર્ડર્સ (ડીવીઆર) જપ્ત કરી લીધું હતું. એ વિશે બાવન વર્ષનાં ઉષા ક્રીએશનના જયપાલ જૈન અને હૉલના મૅનેજર નીલેશ દેડિયા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને આ કેસ વિશે તપાસ ચાલી રહી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2022 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK