નવા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરે ચાર્જ સંભાળ્યાના ૪૮ કલાકમાં જ ઝડપી કામગીરી કરીને ઠગ કેટરરને ઝડપી લીધો : અસંખ્ય લોકો પાસે લાખો રૂપિયા લઈને છેતર્યા બાદ છેલ્લા બે મહિનાથી તે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો છતાં પોલીસ તે ગુમ જ છે એવું વારંવાર ફરીયાદીઓને કહી રહી હતી
કેટરર
અનેક ઠગીને ગુમ થયેલો કાંદિવલીમાં કેટરર હિતેશ કાનજીભાઈ રાઠોડની પોલીસે મીરા રોડના તેના ઘરમાંથી ધરપકડ કરી હતી. આ સાથે અસંખ્ય લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે. સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગાનોરેએ ચાર્જ સંભાળ્યાના ૪૮ કલાકમાં જ કામગીરી હાથ ધરી હતી અને હિતેશ રાઠોડને ઝડપી લીધો હતો. અસંખ્ય લોકોને છેતર્યા બાદ હિતેશ રાઠોડ છેલ્લા બે મહિનાથી ખુલ્લેઆમ ફરી રહ્યો હતો.
સોમવારે રાત્રે ૧૧ વાગ્યે કાંદિવલી પોલીસે હિતેશ રાઠોડની મીરા રોડના ફ્લૅટમાંથી ધરપકડ કરી હતી. હિતેશ કાંદિવલીમાં યસ કેટરર્સના નામે બિઝનેસ કરતો હતો. જોકે ૨૦૨૩ની ૧૧ ડિસેમ્બરે તે અચાનક ગાયબ થઈ ગયો હતો.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ચાર મહિના પહેલાં હિતેશ રાઠોડે કેટરિંગ ઇવેન્ટ્સનું આયોજન કર્યું હતું. લગ્નમાં કેટરિંગ માટે જુદી-જુદી ડિશ ટેસ્ટ કરવા તેણે અસંખ્ય લોકોને આમંત્રણ આપ્યું હતું. અંદાજે ૨૫થી ૩૦ લોકોએ તેમની તારીખ બુક કરી હતી અને હિતેશ રાઠોડને ઍડ્વાન્સ પેમેન્ટ પણ આપ્યું હતું.’
હિતેશ રાઠોડ ૧૧ ડિસેમ્બરે એક ચિઠ્ઠી મૂકી ગયો હતો અને એમાં તેણે જણાવ્યું હતું કે પોતે કરજ હેઠળ છે અને સેંકડો લોકો પાસે લીધેલાં નાણાં ચૂકવવા અસમર્થ છે. કાંદિવલી પોલીસે મિસિંગ કમ્પ્લેઇન્ટ ૧૨ ડિસેમ્બરે નોંધી હતી અને તપાસ શરૂ કરી હતી. ૧૪ ડિસેમ્બર સુધીમાં તો તેની ફરિયાદો આવવાની શરૂઆત થઈ હતી. અનેક લોકોએ દાવો કર્યો હતો કે હિતેશ રાઠોડ તેમના પૈસા લઈને નાસી ગયો છે.
થોડાં સપ્તાહો બાદ હિતેશ રાઠોડે ફરી દેખા દીધી હતી અને નાણાંની પતાવટ માટે કાંદિવલીમાં અસંખ્ય લોકોને મળ્યો હતો. તેણે રકમ ચૂકવવાની ખાતરી આપી હતી, પરંતુ કોઈને એક રૂપિયો ચૂકવ્યો નથી.
કાંદિવલી પોલીસે ૨૨ ડિસેમ્બરે હિતેશ રાઠોડ સામે એફઆઇઆર નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. હિતેશ રાઠોડને ૩૦ લાખ રૂપિયા ચૂકવનારી અને એફઆઇઆર નોંધાવનારી એક નવવધૂએ કહ્યું હતું કે અગાઉ પોલીસ સ્ટેશનના અનેક ધક્કા ખાધા હતા, પરંતુ એનું કોઈ પરિણામ આવ્યું નહોતું. સિનિયર ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગાનોરેની નિમણૂક થઈ એ પછી હિતેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.