યુવાને સાઇબર ફ્રૉડમાં ૧,૨૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ સોમવારે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટમાં પી.કે. રોડ પર રહેતા ૨૮ વર્ષના ગુજરાતી યુવાને બેલ્જિયમમાં આયોજિત મ્યુઝિક પ્રોગ્રામના પાસ ઑનલાઇન મેળવવા જતાં ૨૬ જુલાઈએ સાઇબર ફ્રૉડમાં ૧,૨૦,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાની ફરિયાદ સોમવારે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. બેલ્જિયમમાં થતા ટુમૉરોલૅન્ડ નામના મ્યુઝિક પ્રોગ્રામના પાસ ૬૦,૦૦૦ રૂપિયામાં હોવાની જાહેરાત ગુજરાતી યુવાને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જોઈ હતી. ત્યાર બાદ યુવાન ઉપરાંત તેના બે ગુજરાતી મિત્રો પ્રોગ્રામમાં જવા તૈયાર થઈ જતાં ત્રણેના પૈસા ઑનલાઇન સાઇબર ગઠિયાને મોકલ્યા હતા.
જુલાઈની શરૂઆતમાં ફરિયાદીએ તેના એક મિત્રની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મ્યુઝિક-પ્રોગ્રામ ટુમૉરોલૅન્ડની ટિકિટ ઉપલબ્ધ હોવાની જાહેરાત જોઈ હતી એમ જણાવતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પ્રોગ્રામના પાસ લાખો રૂપિયામાં મળતા હોય છે, પણ એ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માત્ર ૬૦,૦૦૦ રૂપિયામાં મળતા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરિયાદી યુવાને તેના બે મિત્રો સાથે જવાનું નક્કી કરીને બે ટ્રાન્ઝૅક્શનમાં ૧,૨૦,૦૦૦ રૂપિયા સાઇબર ગઠિયાને મોકલી દીધા હતા. જોકે ત્યાર બાદ ટિકિટ મેળવવા યુવાને ફોન કર્યો ત્યારે સામે ગઠિયાનો નંબર બંધ મળી આવ્યો હતો. અંતે વધુ તપાસ કરતાં તેની સાથે સાઇબર છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં આ ઘટનાની ફરિયાદ અમારી પાસે નોંધાવવામાં આવી હતી. આ કેસમાં જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એની માહિતી કાઢવામાં આવી રહી છે.’

