રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ લાલા લજપતરાય કૉલેજની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં યુવા પેઢીને સંબોધીને આવું કહ્યું

જેઓ પોતાના સંસ્કારનું જતન નથી કરતા તેઓ ક્યારેય સમૃદ્ધ ન થઈ શકે
મુંબઈ : રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે જેઓ પોતાના સંસ્કારનું જતન નથી કરતા તેઓ ક્યારેય સમૃદ્ધ ન થઈ શકે. મહાલક્ષ્મીમાં આવેલી લાલા લજપતરાય કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનોમિક્સની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલે આજની યુવાપેઢીને સંબોધીને આવું કહ્યું હતું. લાલા લજપતરાય કૉલેજની ગઈ કાલે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણીની કરવામાં આવી હતી. આ સમયે મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી હાજર રહ્યા હતા. કૉલેજના ચૅરમૅન ડૉ. કમલ ગુપ્તાએ તેમનું સ્વાગત કરીને સન્માન કર્યું હતું.
આ સમયે રાજ્યપાલે સ્વતંત્રતાસેનાની લાલા લજપતરાયે દેશ માટે કેવી રીતે તેમનું જીવન ન્યોછાવર કરી દીધું હતું એ વિશે વિસ્તારથી વાત કરી હતી અને કૉલેજના સ્ટુડન્ટ્સને સંબોધતાં કહ્યું હતું કે ‘જે પેઢી પોતાના સંસ્કારની વૅલ્યુ નથી કરતી તે સમૃદ્ધ નથી થતી. યુવાનો, તમે પરિવાર ચલાવો, બિઝનેસ કરો કે ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવો પણ એની સાથે સમાજને પણ સમર્પિત રહો. પર્ફેક્ટ સોસાયટી વગર પર્ફેક્ટ વિશ્વ શક્ય નથી.’