આગના જોખમને ઘટાડવા માટે ઈવી ચાર્જિંગ સ્ટેશનને ખુલ્લા વિસ્તારોમાં રાખવામાં આવે અને વાહનને ચાર્જિંગ માટે ફ્લૅટમાં ન લાવવું જેવી સૂચનાઓ અપાઈ
વરલીમાં એનએસસીઆઇના બેઝમેન્ટના પાર્કિંગમાં કાર્યરત ઈવી ચાર્જિંગ સ્ટેશનની ફાઇલ તસવીર.
મુંબઈ : રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોટોકૉલ (એસઓપી)ની ઘોષણા કરી છે. એમાં આગ ન લાગે એના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરતી વખતે આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે.
ચાર્જિંગ સ્ટેશન માટેના નિયમો
નિયમમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે ચાર્જિંગ માટે કોઈ પણ વ્યક્તિ ઈ-સ્કૂટરને ફ્લૅટમાં નહીં લઈ જઈ શકે. જો કોઈ ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરતું હોય તો એની સ્પષ્ટ સૂચનાઓ આપવી જોઈએ. વળી એસી કે ડીસી ચાર્જિંગ પદ્ધતિ હોય, બન્ને સુરક્ષાનો સરખો ખ્યાલ રાખવો જરૂરી છે. વળી મલ્ચિ-સ્ટોરીડ પાર્કિંગ-લૉટ હોય તો ચાર્જિંગ પૉઇન્ટ ખુલ્લી હવામાં અગાસી પર હોવાં જોઈએ. ચાર્જિંગ પૉઇન્ટ પાર્ક કરેલાં વાહનોથી પાંચ મીટર દૂર હોવાં જોઈએ. વળી ચાર્જિંગ એરિયામાં અન્ય વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ હશે. જ્વલનશીલ પદાર્થો જેવા કે ટ્રાન્સફૉર્મર, જ્વલનશીલ પ્રવાહી, એલપીજી ટાંકી જેવાં સ્થળોથી ૧૫ મીટર દૂર હાથ ધરવામાં આવે. વળી ચાર્જિંગ સ્ટેશનમાં ફાયર ડિટેક્શન, અલાર્મ વગેરે સિસ્ટમ ફાયર એનઓસીના ધારાધોરણ મુજબ હોવાં જોઈએ.
સલામતીનાં પગલાં
ઈ-સ્કૂટરને ખુલ્લા વિસ્તારમાં, કોઈની હાજરીમાં તેમ જ દિવસે જ ચાર્જ કરવાની સલાહ આપવામાં આવી છે. વળી કમર્શિયલ સ્થળોમાં એની નિયમિત અંતરે ચકાસણી થવી જોઈએ. વળી એને ચાર્જ કરવામાં આવે ત્યારે બ્લૅન્કેટ અથવા અન્ય કોઈ વસ્તુથી ઢાંકવું ન જોઈએ. નિયમ બનાવવા પાછળનો હેતુ માનવજીવન અને સંપત્તિની સુરક્ષાનો છે.
ઇલેક્ટ્રિક વાહનોમાં વૃદ્ધિ
હાલ ઇલેક્ટ્રિક વાહનોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં સપ્ટેમ્બર સુધી કુલ ૧,૩૯,૪૪૩ ઈ-વેહિકલ હતાં. ૨૦૧૭-’૧૮માં
આ સંખ્યા માત્ર ૪૮ હતી. આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર સુધી શહેરમાં ૧૪,૭૮૯ નવાં ઈ-વેહિકલ નોંધાયાં છે. આમ વાહનોની સંખ્યા વધતાં ચાર્જિંગ સ્ટેશનની માગ પણ વધી રહી છે. જો સલામતીના મુદ્દોઓને ઉકલેવામાં આવે તો વાહનોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે.


