આ દુર્ઘટનાને લીધે વિજ્ઞેશના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, પણ તેનાં મમ્મી અને દાદી તો બોલી પણ શકતાં નહોતાં.
દુર્ઘટના જ્યાં બની હતી એ ડૉ. બાબાસાહેબ આંબેડકર SRA કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી, R-1 બિલ્ડિંગના ત્રીજા માળે તૂટેલી લિફ્ટની ગ્રિલ અને શાફ્ટ એરિયા જેમાંથી બાળકો (વિજ્ઞેશ મ્હાત્રે અને રુદ્ર સુસવીરકર) નીચે પડ્યાં હતાં.
એકની હાલત અત્યંત ગંભીર અને બીજાને હાથ-પગમાં ફ્રૅક્ચર આવ્યાં, ૨૧ વર્ષ જૂની લિફ્ટને ચાલતી રાખવા માટે દર મહિને ગ્રીસિંગ અને મેઇન્ટેનન્સ કરવાં પડતાં હતાં
ગોરેગામ-વેસ્ટના મીઠાનગર એરિયામાં ડૉ. બાબાસાહેબ આંબેડકર SRA કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બુધવારે રાતે એક કંપાવનારી ઘટના બની હતી. ૧૧ વર્ષના બે છોકરા અહીં કબડ્ડી રમતી વખતે ત્રીજા માળેથી લિફ્ટના શાફ્ટમાં નીચે પડી ગયા હતા. બેમાંથી એક છોકરાની સ્થિતિ અત્યંત ગંભીર છે.
ADVERTISEMENT
બન્ને એકસાથે ગ્રિલને અથડાયા
સોસાયટીના R-1 બિલ્ડિંગના ત્રીજા માળે રાતે ૧૦ વાગ્યે વિજ્ઞેશ મ્હાત્રે અને રુદ્ર સુસવીરકર બીજાં બાળકો સાથે લિફ્ટની નજીક પૅસેજમાં કબડ્ડી રમી રહ્યા હતા. રમત-રમતમાં વિજ્ઞેશ અને રુદ્ર એકસાથે લિફ્ટની ગ્રિલને અથડાયા હતા. આ અથડામણને લીધે લિફ્ટની ગ્રિલનો નીચેનો ભાગ તૂટી ગયો અને બન્ને અંદર પડી જવાથી સીધા નીચે ડક્ટમાં પટકાયા હતા. બાળકોની ચીસોના અવાજને લીધે બિલ્ડિંગના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને બન્ને બાળકોને બહાર કાઢ્યાં હતાં.
વિજ્ઞેશની ઉપર પડ્યો રુદ્ર
પહેલાં પડ્યો હોવાથી વિજ્ઞેશને માથા પર અને છાતીના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક પહેલાં કાપડિયા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ પછી SRV હૉસ્પિટલમાં અને એ પછી કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી અત્યારે તેને સ્પેશ્યલ કૅર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો છે. રુદ્ર વિજ્ઞેશની ઉપર પડ્યો હતો. જોકે તેને પણ હાથમાં અને પગમાં ફ્રૅક્ચર થયાં છે. એટલું જાણવા મળ્યું હતું કે તેની સ્થિતિ સ્ટેબલ હોવાથી તે રિકવર થઈ જશે. અત્યારે રુદ્રની ટ્રીટમેન્ટ એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ચાલી રહી છે.
૨૧ વર્ષ જૂની લિફ્ટ
વિજ્ઞેશ અને રુદ્ર બન્ને પાંચમા ધોરણમાં ભણતા હોવાનું જાણવા મળ્યું હતું. વિજ્ઞેશના કઝિન દિવ્યેશ મોહિતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ લિફ્ટ ૨૧ વર્ષ જૂની છે અને દર મહિને એમાં ગ્રીસિંગ અને મેઇન્ટેનન્સ કરાવવું પડે છે. જોકે ગ્રિલ તૂટી કેવી રીતે ગઈ એ સમજાતું નથી. જો આ ગ્રિલને સમયસર બદલી દેવામાં આવી હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત.’
બેદરકારીની તપાસ થશે
આ દુર્ઘટનાને લીધે વિજ્ઞેશના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા, પણ તેનાં મમ્મી અને દાદી તો બોલી પણ શકતાં નહોતાં. ગોરેગામ પોલીસે પણ એ વાતની પુષ્ટિ કરી હતી કે લિફ્ટ ડિપાર્ટમેન્ટની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી છે અને આ દુર્ઘટના મેઇન્ટેનન્સમાં ગરબડ કે બેદરકારીને લીધે ઘટી હતી કે કેમ એની તપાસ કરવામાં આવી રહી છે.


