Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે કચ્છીઓ સામે ચાલીને મોતના કૂવામાં ઊતરે છે

બે કચ્છીઓ સામે ચાલીને મોતના કૂવામાં ઊતરે છે

07 June, 2020 08:53 AM IST | Mumbai Desk
Alpa Nirmal

બે કચ્છીઓ સામે ચાલીને મોતના કૂવામાં ઊતરે છે

‘આ  ઇનિશ્યેટિવ મુંબઈમાં રાઇટ ટાઇમ પર ઇન્ટ્રોડ્યુસ થયું, જેથી મુંબઈગરાને મોટી હેલ્પ થઈ છે. કાર્યકરો ગ્રાઉન્ડ-લેવલ પર કામ કરે છે. કોરોના સ્ક્રીનિંગ મોબાઇલ ક્લિનિકમાં કેસ જલદી ડિક્ટેટ થઈ જાય છે, જેથી પેશન્ટની ટ્રીટમેન્ટ ઝડપથી થઈ શકે છે. - સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર.

‘આ  ઇનિશ્યેટિવ મુંબઈમાં રાઇટ ટાઇમ પર ઇન્ટ્રોડ્યુસ થયું, જેથી મુંબઈગરાને મોટી હેલ્પ થઈ છે. કાર્યકરો ગ્રાઉન્ડ-લેવલ પર કામ કરે છે. કોરોના સ્ક્રીનિંગ મોબાઇલ ક્લિનિકમાં કેસ જલદી ડિક્ટેટ થઈ જાય છે, જેથી પેશન્ટની ટ્રીટમેન્ટ ઝડપથી થઈ શકે છે. - સુરેશ કાકાણી, બીએમસીના ઍડિશનલ કમિશનર.


કોવિડ-19 આતંકવાદ અને યુદ્ધ કરતાં પણ ભયાનક શબ્દ બની ગયો છે. કોણ, ક્યારે, કઈ રીતે, કોના દ્વારા કોરોનાના સકંજામાં સપડાઈ જશે કશું જ નક્કી નથી. આવા ડરામણા માહોલમાં પોતાની જાતને સુરક્ષિત રાખવી એ દરેક વ્યક્તિની પહેલી જવાબદારી બની ગઈ છે ત્યારે દાદરમાં રહેતા બે ડેરડેવિલ્સ કચ્છીઓ કેતન સંગોઈ અને જિતુ ખીરાણીએ સામે ચાલીને ડેન્જર જવાબદારી ઉપાડી છે. તેઓ છેલ્લા ૩૮ દિવસથી મુંબઈના કન્ટેઇનમેન્ટ ઝોનમાં જઈ રહ્યા છે અને ત્યાં રહેતા લોકો માટે કોવિડ સ્ક્રીનિંગ મોબાઇલ ડિસ્પેન્સરીનું સેટઅપ કરી રહ્યા છે.
વાત વિસ્તારથી કરીએ તો ૧ એપ્રિલથી પુણેનું ભારતીય જૈન સંઘટન (બીજેએસ) સ્થાનિક નગરપાલિકાના સહયોગથી ફ્રી કોવિડ સ્ક્રીનિંગ મોબાઇલ ડિસ્પેન્સરી ચલાવી રહ્યું છે. એ અંતર્ગત પુણેના સ્લમ અને કન્ટેઇનમેન્ટ ઝોનમાં એક ડૉક્ટર, બે મેડિકલ સ્ટાફ અને નગરપાલિકાના અધિકારી ઉપરાંત દવાના જથ્થા સાથે ઍમ્બ્યુલન્સ જાય અને  એ વિસ્તારમાં રહેતા લોકોનું તાપમાન, ઑક્સિજન-લેવલ તથા અન્ય લક્ષણોનું ચેકઅપ કરે. એ તપાસ દરમ્યાન જો કોઈ કોરોના-સસ્પેક્ટેડ કેસ જણાય તો તેને નગરપાલિકાને  સોંપી દેવામાં આવે. મુંબઈમાં પણ આ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાવવાનો વિચાર આવ્યો અને એને માટે સૂચવાયાં કેતન સંગોઈ તથા જિતુ ખીરાણીનાં નામ.  
૫૦ વર્ષના કેતનભાઈ અને ૫૧ વર્ષના જિતુભાઈ લૉકડાઉનના પહેલા દિવસથી શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-દાદર અંતર્ગત ફૂડ-પૅકેટ, મેડિસિન અને સૅનિટાઇઝેશનની સેવા સાથે સંકળાયેલા હતા. પેઇન્ટ અને ઍલ્યુમિનિયમ સેક્શનનો રીટેલ સ્ટોર ધરાવતા જિતુભાઈ કહે છે કે ‘પુણેમાં રહેતા કેતનભાઈના મિત્રએ જ્યારે તેમને આ પ્રોજેક્ટમાં જોડાવાની ‍વાત કરી ત્યારે તેમણે મને કહ્યું અને હું તરત તૈયાર થઈ ગયો. જરૂરિયાતમંદોને સહાય કરવી એ તો મોટી માનવતાની વાત છે, પરંતુ આ રીતે સંક્રમણથી સેંકડો હજારો માણસોને બચાવવામાં જો નિમિત્ત બનાય તો એનાથી મોટી વાત બીજી કઈ હોઈ શકે.’
ગાર્મેન્ટ અને કન્સ્ટ્રક્શન વગેરે બિઝનેસ સાથે સંકળાયેલા કેતન સંગોઈએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે પ્રોજેક્ટનું ઓપનિંગ કર્યું. પહેલા જ દિવસે અમે વરલીના પ્રેમનગરમાં ગયા. આ એરિયા કોરોનાને કારણે હેડલાઇનમાં હતો. ત્યાં પહોંચીને અમે દરેક વ્યક્તિને ફ્રી સ્ક્રીનિંગ માટે આવવાની હાકલ કરી. શરૂઆતમાં તો બધા અચકાયા હતા, પરંતુ ધીરે-ધીરે હિંમત કરીને લોકો આગળ આવતા ગયા.’
દાદર-વેસ્ટમાં રહેતા જિતુભાઈ ઉમેરે છે કે ‘અમને સ્થાનિક નગરસેવકનો સહકાર પણ સારો મળ્યો અને જે-તે વૉર્ડના મ્યુનિસિપલ અધિકારીઓએ પણ ખૂબ સરસ સહયોગ આપ્યો. અમે પાંચ ઍમ્બ્યુલન્સથી શરૂઆત કરી હતી, જે આજે ૬૮ સુધી પહોંચી છે.  મુંબઈમાં થાણે, મુલુંડ, પવઈ, ચેમ્બુર, ઘાટકોપર, બોરીવલી, અંધેરી, મીરા રોડ, વરલી ઈવન ધારાવીમાં પણ આના અનેક કૅમ્પ કર્યા અને હજી ચાલુ જ છે.’

મુંબઈ આમેય રેડ ઝોન. એમાં પાછું ધારાવી એટલે જ્વાળામુખીનું મુખ જ સમજો. આ એરિયામાં જવામાં કોઈ ડર ન લાગ્યો? એના જવાબમાં જિતુભાઈ કહે છે કે ‘ડર કે આગે હી જીત હૈ. ઑલઓવર મુંબઈમાં અમારા મોબાઇલ ક્લિનિકમાં દરરોજ ૨૨થી ૨૫ હજાર વ્યક્તિનું કોરોના-સ્ક્રીનિંગ થાય છે. આજે ૩૯ દિવસમાં ૧૨ લાખ લોકોનું સ્ક્રીનિંગ થયું છે. એ અંતર્ગત અમે સેંકડો સસ્પેક્ટેડ કેસ બીએમસીને સોંપ્યા છે. એમાંના ઘણા પૉઝિટિવ પણ આવ્યા છે. જો આવી વ્યક્તિઓનું કોઈ પરીક્ષણ ન થયું હોત અને તેઓ છૂટા ફરતા હોત તો એકમાંથી અનેક થતાં વાર ન લાગત. આવું અટકાવવામાં અમે નાનોઅમસ્તો ફાળો આપી શક્યા એ અમારી જીત છે. જો ડર રાખ્યો હોત તો આવી જીત કઈ રીતે હાંસલ થાત.’
આ સ્ક્રીનિંગ ટેસ્ટ દરમ્યાન તેઓને લાગ્યું કે જો કૅમ્પમાં સ્ક્રીનિંગ સાથે ડિજિટલ એક્સ-રેની સુવિધા રાખવામાં આવે તો કોરોનાના સસ્પેક્ટેડ દરદીઓ વધુ ઝડપથી પરખાઈ  આવે એટલે ‘ડૉક્ટર ઍટ યૉર ડોર સ્ટેપ’ અંતર્ગત ૨૮ મેથી આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.



હવે તો કેતનભાઈ અને જિતુભાઈની ટીમ મોટી થઈ ગઈ છે. તેમના જેવા બીજા ૧૫ સેવાભાવીઓ આ મિશનમાં જોડાઈ ગયા છે એટલે તેઓએ દરરોજ કૅમ્પ-સ્પૉટ પર જવાની જરૂર પડતી નથી, પણ દર ત્રીજે દિવસે તેમની હાજરી ત્યાં હોય જ છે.   
આ પૅનિક પિરિયડમાં દરેક વ્યક્તિ ફૅમિલી સાથે રહેવા માગે છે ત્યારે કેતનભાઈ અને જિતુભાઈ સવારે ૯થી ૧ અને બપોર બાદ ૪થી રાતે આઠ વાગ્યા સુધી કોરોના જેવા ભયાવહ વાતાવરણ વચ્ચે રહે છે. દાદરમાં રહેતા કેતનભાઈ કહે છે કે ‘અમને પત્ની અને બાળકોનો પણ ફુલ સપોર્ટ છે એને કારણે જ અમે આ સેવાનું કાર્ય કરી શક્યા છીએ.’


આ પ્રોજેક્ટ પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપનું બહુ સરસ ઉદાહરણ છે. લોકો ધારાવીમાંથી જ્યારે ભાગી રહ્યા હતા ત્યારે કોઈ આગળ નહોતું આવી રહ્યું અને ત્યારે આ સંસ્થાએ સામેથી કહ્યું હતું કે અમે આ હૉટસ્પૉટ પર આવીને સ્ક્રીનિંગ કરીશું. આને કારણે  ‘મિશન ધારાવી’ સક્સેસફુલ રહ્યું. - કિરણ દિઘાવકર, બીએમસીના અસિસ્ટન્ટ કમિશનર 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 08:53 AM IST | Mumbai Desk | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK