થાણેની ઇન્ટરનૅશનલ સ્કૂલની પિકનિક વખતે બાળકીઓની છેડતી કરાઈ હતી એ ઘટનામાં સ્કૂલ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થાણેની સ્કૂલની બીજા ધોરણની બાળકીઓની પિકનિક પર ગયેલી બસમાં થયેલી છેડતીની ઘટનામાં હવે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એમએસસીપીસીઆર)નાં ચૅરપર્સન સુશી શાહે કહ્યું હતું કે ‘જે ઘટના બની એ બહુ જ ડિસ્ટર્બિંગ હતી. ફરી એવું ન બને એ માટે કાળજી લેવાવી જઈએ; એટલું જ નહીં, બાળકોની સુરક્ષા એ સ્કૂલની જવાબદારી ગણાય. વાલીઓ પાસેથી એનઓસી લીધા પછી પણ સ્કૂલ એ જવાબદારીમાંથી છટકી ન શકે.’
સુશી શાહે આ સંદર્ભે પત્રકારોને કહ્યું હતું કે ‘એ હચમચાવનારી ઘટના માટે સ્કૂલ મૅનેજમેન્ટ પૂરેપૂરી રીતે જવાબદાર ગણાય. સ્કૂલ મૅનેજમેન્ટે જાહેરમાં સ્વીકારવું જોઈએ કે એ એની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. સ્કૂલ મૅનેજમેન્ટે બાળકોની સેફ્ટી રાખવી જ પડે. પિકનિક માટે વાલીઓ પાસેથી એનઓસી લેવાથી વાત પતી જતી નથી. તેમણે આગળ જઈને પણ જવાબદારી તો લેવી જ પડે.’
ADVERTISEMENT
સુશી શાહે વધુમાં કહ્યું હતું કે ‘આ ઘટના બાબતે તપાસ થશે અને એના પર હું જાતે નજર રાખીશ. આ ઘટનાનો ભોગ બનેલી બાળકીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ પણ કરાશે. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર અને એના યોગ્ય અમલીકરણમાં જે ખામી હશે એ દૂર કરવી પડશે. પિકનિક પર રોક ન લગાવી શકાય, પણ એ વખતે બાળકોની સુરક્ષા જળવાઈ રહે એનું ધ્યાન રાખવું પડશે.’
શું બન્યું હતું?
થાણેની ઇન્ટરનૅશનલ બોર્ડની સ્કૂલના બીજા ધોરણનાં બાળકોની ગયા અઠવાડિયે ઘાટકોપર ગયેલી પિકનિક વખતે બાળકોને બસમાં ફૂડ સર્વ કરવા આવેલા વેન્ડરના કર્મચારીએ બાળકીઓના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવી તેમને ખોળામાં બેસવાનું અને કિસ કરવાનું કહીને તેમની છેડતી કરી હતી. આ સંદર્ભે ગુડ ટચ ઍન્ડ બૅડ ટચની સમજ ધરાવતી બાળકીઓએ ઘરે જઈને આ બાબતે મમ્મી-પપ્પાને કહ્યું ત્યારે ઊહાપોહ મચી ગયો હતો અને વાલીઓએ સ્કૂલ મૅનેજમેન્ટ સામે જોરદાર દેખાવો કર્યા હતા. એ પછી કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર પણ નોંધાયો હતો અને પોલીસે આરોપીને ઝડપી લઈને તેની સામે અન્ય કલમો સહિત પોક્સો હેઠળ કેસ નોંધ્યો હતો.

