નાલાસોપારામાં રહેતી ગુજરાતી મહિલાએ ઘરમાં કૅશ લાવીને રાખી હોવાની માહિતી મળ્યા બાદ ડુપ્લિકેટ ચાવીથી ઘરમાં પ્રવેશીને ૯.૩૬ લાખની મતા તફડાવી : પોલીસે યુવતીની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
પાડોશમાં રહેતી ગુજરાતી મહિલાના ઘરમાંથી ૯.૩૬ લાખ રૂપિયાની મતાની ચોરી કરીને પોતાના માટે આઇફોન અને બૉયફ્રેન્ડ માટે બાઇક ખરીદવાના આરોપસર પોલીસે ૨૩ વર્ષની એક યુવતીની ગુરુવારે ધરપકડ કરી હતી. ફરિયાદી ગુજરાતી મહિલાએ ફ્લૅટ ખરીદવા માટે ઘરમાં કૅશ લાવીને રાખી હોવાનું જાણ્યા બાદ યુવતીએ કોઈક રીતે ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરી કરી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું.
નાલાસોપારાની આચોલે પોલીસના જણાવ્યા મુજબ નાલાસોપારા-પૂર્વમાં એવરશાઇન સિટીના રશ્મિ ગાર્ડન નામના બિલ્ડિંગમાં દિવ્યા સુરેશ પટેલ નામની ગુજરાતી ગૃહિણી પરિવાર સાથે રહે છે. તેના ઘરમાંથી ૭ નવેમ્બરથી ૨૩ નવેમ્બર દરમ્યાન ૮.૩૬ લાખ રૂપિયા કૅશ અને સોનાના દાગીના સહિત કુલ ૯.૩૬ લાખ રૂપિયાની મતાની ચોરી થઈ હતી. પોલીસે ૨૬ નવેમ્બરે ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
ફરિયાદી દિવ્યા પટેલના ઘરમાંથી તાળું તોડ્યા વિના ચોરી થઈ હોવાથી પોલીસને કોઈ કડી નહોતી મળતી એટલે ફરિયાદીની આસપાસ રહેતા અને તેના ઘરે આવતા-જતા લોકોની પૂછપરછ કરતાં રશ્મિ ગાર્ડનમાં જ રહેતી ૨૩ વર્ષની હર્ષિતા ઉદયશંકર ગુપ્તા નામની યુવતી પર પોલીસને શંકા ગઈ હતી. પોલીસે તેની હિલચાલ પર નજર રાખવાની સાથે તેના મોબાઇલ નંબરની તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે તેણે તાજેતરમાં જ આઇફોન સહિતની મોંઘી વસ્તુઓ ખરીદી છે. આથી પોલીસે હર્ષિતા ગુપ્તાને બોલાવીને પૂછપરછ કરતાં તેણે ચોરી કરવાનો ગુનો કબૂલ્યો હતો.
આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત સરોદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી હર્ષિતા ગુપ્તાએ ફરિયાદી દિવ્યા પટેલ સાથે ફ્રેન્ડશિપ કરી હતી એટલે તેને ખબર હતી કે ફ્લૅટ ખરીદવા માટે દિવ્યાએ ઘરમાં રોકડ રકમ રાખી છે. આથી હર્ષિતાએ તેના બૉયફ્રેન્ડ સાથે મળી ડુપ્લિકેટ ચાવી બનાવીને એક લાખ રૂપિયાના સોનાના દાગીના અને ૮.૩૬ લાખ રૂપિયા કૅશની ચોરી કરી હતી. આ રકમથી તેણે બૉયફ્રેન્ડને બાઇક ખરીદી આપી હતી અને પોતાના માટે આઇફોન ખરીદ્યો હતો. આ સિવાય ફ્રિજ અને ફર્નિચરની પણ ખરીદી કરી હતી. અમે ચોરી કરવાના આરોપસર હર્ષિતા ગુપ્તાની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીની મતા જપ્ત કરી છે.’


