ઘાટકોપરની ૨૬ વર્ષની યુવતી થઈ સાઇબર ફ્રાૅડનો શિકાર
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘાટકોપર-વેસ્ટના જગડુશાનગરમાં રહેતી ૨૬ વર્ષની યુવતી ૮૨૬ રૂપિયા શેનો ફાઇન લાગ્યો છે એની તપાસ કરવા બૅન્કના કસ્ટમર કૅરનો સંપર્ક કરવા ગઈ એમાં તેની સાથે ૧.૦૮ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ શુક્રવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં કરવામાં આવી હતી. બુધવારે યુવતીએ દોઢ લાખ રૂપિયા બૅન્કના ખાતામાં ભર્યા હતા. એ સમયે તેને ૮૨૬ રૂપિયાનો ફાઇન લાગ્યો હોવાનું જણાતાં તેણે તાત્કાલિક બૅન્કના કસ્ટમર કૅર પર પૂછપરછ કરવા ફોન કર્યો હતો. જોકે એ સમયે તેને કોઈ જવાબ મળ્યો નહોતો. ગુરુવારે તેને એક અજાણ્યા યુવકે ફોન કરી પોતે બૅન્કનો અધિકારી હોવાનું કહ્યું હતું અને યુવતીને વૉટ્સઍપ પર એક ઍન્ડ્રૉઇડ પૅકેજ કિટ (APK) ફાઇલ મોકલી એને ડાઉનલોડ કરાવી હતી. ત્યાર બાદ યુવતીનો ફોન હૅક કરીને આશરે ૭ ટ્રાન્ઝૅક્શનમાં ૧.૦૮ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે પોલીસે જે અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે એને બ્લૉક કરી દીધું છે.
યુવતી પાસે APK ફાઇલ ડાઉનલોડ કરાવીને અને તેનો ફોન હૅક કરીને માત્ર ડેબિટ કાર્ડમાંથી નહીં, ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે બપોરે શ્રેયસ થિયેટર નજીક આવેલી એક પ્રાઇવેટ બૅન્કમાં યુવતીએ આશરે દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા જે પૈસા ડિપોઝિટ થયા હોવાનો મેસેજ સાંજ સુધી મળ્યો નહોતો. એ દરમ્યાન તેના ખાતામાં ૮૨૬ રૂપિયા ફાઇન લાગ્યો હોવાનો મેસેજ તેને પ્રાપ્ત થયો હતો. એ શેનો દંડ લાગ્યો છે એની માહિતી જાણવા માટે યુવતીએ બૅન્કના કસ્ટમર કૅર નંબર પર સંપર્ક કર્યો હતો. જોકે એ દિવસે યુવતીનો બૅન્કના કસ્ટમર કૅર સાથે સંપર્ક થયો નહોતો. બીજા દિવસે યુવતીને સામેથી એક અજાણ્યા યુવાને ફોન કર્યો હતો અને પોતે બૅન્કનો અધિકારી હોવાનો દાવો કરી શું મદદ કરી શકું એમ પૂછતાં યુવતીએ શેનો ફાઇન લાગ્યો છે એની માહિતી પૂછી હતી. ત્યારે યુવતીને સામેવાળી વ્યક્તિએ વૉટ્સઍપ પર APK ફાઇલ મોકલી તાત્કાલિક એને ડાઉનલોડ કરવા કહ્યું હતું. એ ડાઉનલોડ કરતાં જ થોડી વારમાં યુવતીના ડેબિટ અને ક્રેડિટ ખાતામાંથી પૈસા કપાયા હોવાના તેને મેસેજ મળ્યા હતા. અંતે તેણે સાવચેતી વાપરી તાત્કાલિક ૧૯૩૦ નંબર પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી એ છતાં તેના ૧.૦૮ લાખ રૂપિયા ઊપડી ગયા હતા. આ મામલે અમે IT ઍક્ટ અનુસાર ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ APK ફાઇલ ડાઉનલોડ કરતાં તેનો ફોન સામેવાળા યુવકે હૅક કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સમજાય છે.’

