ઘાટકોપરમાં મંદિરમાં ગયેલી યુવતીને પ્રસાદનું દૂધ પીવડાવી બેભાન કરીને તેના ૧.૨૮ લાખ રૂપિયાનાં ઘરેણાં લૂંટી લીધાં

પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપરમાં રહેતી ૨૦ વર્ષની એક યુવતી મંદિરમાં દર્શન કરવા ગઈ હતી. દરમિયાન, મંદિરની બહાર પહોંચતાં જ એક મહિલાએ તેને બૂમ પાડી હતી. તેણે ત્યાં પડેલો સામાન રિક્ષામાં રાખવા માટે મદદ કરવા કહ્યું હતું. તેને મદદ કરવા જતાં સામે મળેલી મહિલાએ પ્રસાદનું દૂધ પીવા માટે યુવતીને આપ્યું હતું. એ દૂધ પીતાની સાથે જ યુવતી બેભાન થઈ ગઈ હતી, જેનો ફાયદો ઉપાડીને તેના આશરે ૧.૨૮ લાખ રૂપિયાના દાગીના લઈને તે મહિલા ત્યાંથી નાસી ગઈ હતી. આ ઘટનાની ફરિયાદ પંતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પંતનગરની એક સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષની હર્ષતા હર્ષદ જોશીએ કરેલી ફરિયાદ અનુસાર ૧૫ સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગ્યે તે ભવાની માતાના મંદિરમાં દર્શન કરવા પાણીથી ભરેલો તાંબાનો લોટો લઈને ઘરેથી નીકળી હતી. મંદિરની બહારના ગેટ પાસે આશરે ૩૫થી ૪૦ વર્ષની સફેદ સાડી પહેરેલી મહિલાએ ત્યાં ઊભેલી રિક્ષા તરફ ઇશારો કરીને યુવતીને કહ્યું કે મારો સામાન રિક્ષામાં મૂકવામાં મને મદદ કર. એટલે ફરિયાદી યુવતી તેને મદદ કરવા ત્યાં ગઈ હતી. તેણે યુવતીને પહેલાં પ્રસાદ લેવા માટે કહ્યું હતું. યુવતીએ જમણો હાથ લંબાવ્યો હતો જેમાં સામેની મહિલાએ એક ચમચી દૂધ નાખ્યું હતું. એ પીધા પછી ફરિયાદી મહિલાને ચક્કર આવવા લાગ્યાં હતાં અને ત્યાં જ તે બેભાન થઈ ગઈ હતી. યુવતીને આશરે નવ વાગ્યે હોશ આવ્યું ત્યારે તે રસ્તાની બાજુમાં એક ઝાડ નીચે બેઠી હતી. એ વખતે તેણે પહેરેલા સોનાના દાગીના અને પૂજાનો તાંબાનો લોટો નહોતા. એટલે યુવતી ખૂબ ડરી ગઈ હતી અને રસ્તા પરથી પસાર થતા એક રિક્ષાચાલક પાસેથી ફોન લઈને તેના પતિને ફોન કર્યો હતો. અંતે આ ઘટનાની ફરિયાદ પંતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
પંતનગર પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી યુવતી અમદાવાદની છે. તેનાં લગ્ન ૨૦૨૩માં થયાં છે. આ કેસમાં અમે ઘટનાનાં સીસીટીવી ફુટેજ તપાસ્યાં છે. એમાંથી અમને માહિતી મળી છે. એના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને જલદી આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે.’