૧૦ વર્ષના માનસિક રીતે અક્ષમ છોકરા પાસે માત્ર ૬ વર્ષની બાળકી સાથે અડપલાં કરાવ્યાં અને એનો વિડિયો વાઇરલ કર્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી મુંબઈના ઘણસોલીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બે પાડોશી મહિલાઓના હંમેશના ઘરેલુ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ કેસ વિશે માહિતાં આપતાં રબાલે પોલીસે કહ્યું હતું કે ‘આરોપી મહિલાએ ફરિયાદી મહિલા સાથેના ઝઘડાનો બદલો લેવા વેર રાખીને ફરિયાદીના ૧૦ વર્ષના માનસિક રીતે અક્ષમ દીકરાને તેની ૬ વર્ષની બહેન સાથે સેક્સ્યુઅલ અસૉલ્ટ કરવા કહ્યું. છોકરાએ એવું કરતાં આરોપી મહિલાએ તેનો વિડિયો રેકૉર્ડ કરી લીધો હતો અને એ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ કરી દીધો હતો.’
ADVERTISEMENT
નવી મુંબઈ પોલીસે આરોપી મહિલા સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અને એ વિડિયો વાઇરલ કર્યો હોવાથી ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી (IT) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
રબાલે પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર બાલક્રિષ્ન સાવંતે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ પર એ વિડિયો વાઇરલ થયા બાદ ફરિયાદી મહિલાને એની જાણ થતાં તેણે પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. અમે પ્રાથમિક તપાસ કરીને આરોપી મહિલાની ધરપકડ કરી છે. પાડોશી મહિલા સાથે થતા રોજના ઝઘડાને કારણે તેણે આવું પગલું ભર્યું હતું એવું આરોપી મહિલાએ જણાવ્યું હતું. આરોપી મહિલાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને ચાર દિવસની પોલીસ-કસ્ટડી આપી હતી. કેસની વધુ તપાસ ચાલી રહી છે.’


