હરિયાણાની મેવાતી ગૅન્ગમાં આઇટીઆઇ ભણેલા યુવકો ઝડપથી ગૅસકટરથી બૅન્કનું એટીએમ તોડીને લૂંટ કરતા : વસઈની ક્રાઇમ બ્રાન્ચે સાત આરોપીની કરી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત હરિયાણામાં માત્ર બૅન્કોનાં એટીએમને જ ટાર્ગેટ કરીને લૂંટતી સાત જણની ગૅન્ગને વસઈની ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમની બૅન્કના શટરથી માંડીને તિજોરી તોડવા માટેની સામગ્રી સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ગૅન્ગનો સૂત્રધાર ૨૦ વર્ષનો યુવક હોવાનું જણાયું છે, જે એટીએમની રેકી કરવાથી માંડીને લૂંટવાનું પ્લાનિંગ કરતો હતો. આ ગૅન્ગ સામે ગુજરાત, આસામ અને તામિલનાડુ સહિત અનેક રાજ્યોમાં એટીએમ લૂંટવાના મામલા હોવાનું જણાઈ આવ્યું છે.મીરા-ભાઈંદર અને વસઈ-વિરાર પોલીસની વસઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૨ની ટીમને ૩ જુલાઈએ બાતમી મળી હતી કે નાલાસોપારા-પૂર્વમાં પ્રગતિનગર ખાતે આવેલી એક બૅન્કનું એટીએમ લૂંટવા માટે કેટલાક લોકો એકઠા થવાના છે. આથી પોલીસે આરોપીઓને પકડવા માટે પ્રગતિનગરમાં ૯૦ ફીટ રોડ પર આવેલા મહેશ ઑટો સર્વિસ સેન્ટર પાસે રાત્રે ૧૧.૨૫ વાગ્યે છટકું ગોઠવ્યું હતું. શંકાપસ્પદ જણાતા આઠ આરોપીઓને તાબામાં લીધા હતા.
આરોપીઓ પાસેથી લૂંટમાં વાપરવા માટેનું ગૅસ સિલિન્ડર, ગૅસકટર, ગૅસ રેગ્યુલેટર, ગૅસ પાઇપ, બે મોટા છરા, બૅટરી, નાયલોનની રસ્સી, લોખંડનો ટીકાઉ, સ્ક્રૂ-ડ્રાઇવર, લાલ મરચાંના પાઉડરનું પાઉચ, નંબર લખ્યા વગરની નંબરપ્લેટ અને એના પર ચિપકાવવાનાં સ્ટિકર વગેરે મળી આવતાં તેઓ હરિયાણાની મેવાતી ગૅન્ગના જ સભ્યો હોવાની ખાતરી થતાં તમામની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વસઈના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૨ના સિનિયર ઇન્સ્પેક્ટર શાહુરાજ રણવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ ખૂબ શાર્પ માઇન્ડ છે. તેઓ જાણે છે કે નૅશનલાઇઝ્ડ બૅન્કના એટીએમનો ઇન્શ્યૉરન્સ હોવાથી તેઓ જલદી પોલીસમાં જતા નથી એટલે તેઓ આવી જ બૅન્કોના એટીએમને ટાર્ગેટ કરતા હતા. સ્થાનિક રહેવાસીની મદદથી તેઓ એટીએમ સેન્ટરનો વિડિયો બનાવીને કયો સમય અહીં ત્રાટકવા માટે અનુકૂળ છે એ જાણતા હતા અને રાતના ૧૨થી બે વાગ્યા દરમ્યાન લૂંટ કરીને અરેન્જ કરેલી કારમાં ઍરપોર્ટ સુધી પહોંચતા હતા અને બાદમાં ફ્લાઇટમાં નીકળી જતા હતા. સામાન્ય રીતે એટીએમમાં ૧૦થી ૧૫ લાખ રૂપિયા જેટલી કૅશ હોય છે. લૂંટમાં પાંચથી સાત લોકો સામેલ હોય છે એટલે બધા સરખા ભાગે રૂપિયા વહેંચી લેતા હતા એટલે ઍરપોર્ટમાં પણ તેમને કૅશ સાથે લઈ જવામાં કોઈ મુશ્કેલી નહોતી પડતી. ક્યારેક ૨૦થી ૨૫ લાખ રૂપિયા એટીએમમાંથી મળતા ત્યારે તેઓ કૅશ પ્લેનમાં લઈ જવાને બદલે એક-બે સાથી ટ્રેનથી હરિયાણા પહોંચતા હતા.’

