રિક્ષાચાલકો બનાવતા હતા શિકાર: તેમની પાસેથી લાખો રૂપિયાના સોનાના દાગીના મળી આવ્યા

પ્રતીકાત્મક તસવીર
ખાણી-પીણીની વસ્તુઓમાં નશીલો પદાર્થ ભેળવીને ખવડાવ્યા પછી બેહોશ થઈ જતા લોકો પાસેથી સોનાના દાગીના અને રોકડ લૂંટી લેવાના બનાવમાં કાશીમીરાની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ની પોલીસે અમદાવાદમાંથી જ્વેલરી લૂંટતી એક ટોળકીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આ ગૅન્ગ દ્વારા મુંબઈ, થાણે, મીરા-ભાઈંદરમાં આઠ ગુના કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
ટોળકીમાં ઝડપાયેલા આરોપીઓમાં સુરતનો સાગર પારેખ, અમદાવાદનો સંપત રાજ ઉર્ફે સંપો જૈન અને સુભાષ પાટીલનો સામેલ છે. તપાસ કર્યા બાદ પોલીસે તેમના કબજામાંથી ૫,૯૦,૦૦૦ રૂપિયાની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા હતા.
બોરીવલીથી મીરા રોડના બાપ્પા સીતારામ મંદિર તરફ જતી વખતે ૧૬ માર્ચે બપોરે ત્રણ વાગ્યે ઑટોમાં મુસાફરી કરતી વખતે આરોપીઓએ ઑટો-ડ્રાઇવરને વિશ્વાસમાં લઈને ફ્રૂટીમાં કોઈ નશીલો પદાર્થ નાખીને તેને પીવડાવી દીધી હતી. ફ્રૂટી પીધા બાદ રિક્ષાચાલક બેહોશ થઈ જતાં તેના ગળામાં પહેરેલી ૧૦ ગ્રામ વજનની પચાસ હજાર રૂપિયાની સોનાની ચેઇન આરોપી દ્વારા કાઢી લેવામાં આવી હતી. ત્યાર બાદ નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર અવિનાશ અંબુરે અને ઍડિશનલ પોલીસ કમિશનર અમોલ માંડવેના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧ની કાશીમીરા પોલીસ સ્ટેશનની ટીમે તપાસ શરૂ કરી હતી. આરોપીની સમાંતર શોધ બાદ ગુનાના સ્થળનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ માહિતી અને ગોપનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીને ગુજરાતમાંથી પકડવામાં સફળતા મેળવી હતી. તપાસમાં એવી માહિતી બહાર આવી હતી કે આરોપીઓએ કાશીમીરા, ખડકપાડા, કલ્યાણ, બાંદરા, આંબોલી, મુંબઈ જેવાં અનેક સ્થળોએ આઠ ગુના કર્યા છે.