લાલબાગચા રાજાનાં દર્શન કરનારા એનસીપીના કાર્યકરે બાપ્પાનાં ચરણોમાં આવું લખેલી ચિઠ્ઠી મૂકી
સમર્થકે બાપ્પાનાં ચરણોમાં મૂકેલી ચિઠ્ઠી
ભક્તોની માનતા પૂરી કરતા લાલબાગચા રાજાનાં દર્શન સામાન્ય નાગરિકોથી માંડીને નેતાઓ કરે છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ બે દિવસ પહેલાં મુંબઈની મુલાકાત દરમ્યાન બાપ્પાનાં દર્શન કર્યાં હતાં. ગઈ કાલે સવારના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારે તેમના સમર્થકો સાથે લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. દર્શન બાદ બાપ્પાનાં ચરણોની ઉપર મરાઠી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી જોવા મળી હતી, જેમાં લાલબાગચા રાજાને પ્રાર્થના કરવામાં આવી હતી કે ‘હે લાલબાગચા રાજા, અમારા અજિતદાદા પવારને જલદી આ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન બનાવો.’ આ ચિઠ્ઠી વાયરલ થયા બાદ અજિત પવારે કહ્યું હતું કે મીડિયાએ આ વાતને બહુ મહત્ત્વ ન આપવું. અગાઉ પણ સમર્થકોએ અનેક વખત મુખ્ય પ્રધાન તરીકેનાં બૅનરો કે પોસ્ટરો લગાવ્યાં હતાં. દરેક વખતે અજિત પવારે ખુલાસો કરવો પડ્યો હતો કે કોઈ આવી વાત ન ફેલાવે.
ગણપતિબાપ્પાનાં દર્શન કરતી વખતે બધા કંઈ ને કંઈ માગતા હોય છે, પણ તેઓ જાહેર નથી કરતા. એનસીપીના કાર્યકરે તો જાહેરમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરતી ચિઠ્ઠી બાપ્પાને લખી હતી.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે સવારના લાલબાગચા રાજાનાં દર્શન કર્યાં હતાં. આ સમયે તેમની સાથે કેટલાક સમર્થકો પણ હતા. અજિત પવાર દર્શન કરીને ગણેશોત્સવ મંડપની બહાર નીકળ્યા ત્યારે બાપ્પાનાં ચરણોની ઉપર મરાઠી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી જોવા મળી હતી, જેમાં બાપ્પાને પ્રાર્થના કરવામાં આવી હતી કે અજિત પવારને વહેલી તકે મુખ્ય પ્રધાન બનાવો. આ ચિઠ્ઠી મંડળના કાર્યકરો અને પત્રકારોની નજરમાં આવ્યા બાદ વાયરલ થઈ હતી. બાદમાં જણાયું હતું કે આ ચિઠ્ઠી એનસીપીના પદાધિકારી રણજિત નરોટેએ લખી હતી.
ADVERTISEMENT
લાલબાગચા રાજા પાસે માનતા માનીએ છીએ એ મોટા ભાગે પૂરી થતી હોવાનું કહેવાય છે. આથી અજિત પવારની મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા બાપ્પા પૂરી કરે છે કે કેમ એ તો સમય જ બતાવશે. રાજ્યની અત્યારની રાજકીય સ્થિતિમાં બીજેપી અને એકનાથ શિંદેની સ્થિતિ મજબૂત છે એટલે અજિત પવાર માટે મુખ્ય પ્રધાન બનવાનો ચાન્સ ઓછો છે. જોકે રાજકારણમાં કંઈ પણ થઈ છે. બીજેપી રાજ્યની સૌથી મોટી પાર્ટી હોવા છતાં એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બનશે એવું કોઈએ સપનામાંય વિચાર્યું નહોતું.
લાલબાગચા રાજાનાં દર્શન કરતા અજિત પવાર
ઉલ્લેખનીય છે કે અજિત પવાર કૉન્ગ્રેસ-એનસીપી અને શિવસેનાની મહાવિકાસ આઘાડી સરકારમાં પણ નાયબ મુખ્ય પ્રધાન હતા અને અત્યારની સરકારમાં પણ તેઓ આ જ પદે છે. એનસીપી પાસે અત્યાર સુધી મુખ્ય પ્રધાન બની શકે એટલી સંખ્યામાં વિધાનસભ્યો નથી ચૂંટાઈ આવ્યા એટલે દરેક સરકારમાં આ પક્ષને નાયબ મુખ્ય પ્રધાનથી જ સંતોષ માનવો પડે છે. પોતે વહેલી તકે મુખ્ય પ્રધાન બને એવી ચિઠ્ઠી પોતાના એક સમર્થકે બાપ્પાને લખી હોવાનું ધ્યાનમાં આવતાં અજિત પવારે કહ્યું હતું કે ‘આ વાતને મીડિયા કે બીજા કોઈએ ગંભીરતાથી ન લેવી. એક પદાધિકારીએ મારા પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. જોકે એને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. રાજ્યના મુખ્ય પ્રધાન અત્યારે એકનાથ શિંદે છે એટલે પોતે આ પદ વિશે કંઈ વિચારતા નથી. હમણાં તો રાજ્યના વિકાસ પર જ ધ્યાન કેન્દ્રિત છે.’
ઉલ્લેખનીય છે કે જ્યારથી અજિત પવાર એકનાથ શિંદે અને બીજેપીની સરકારમાં જોડાયા છે ત્યારથી તેમના સમર્થકોએ તેમનાં ભાવિ મુખ્ય પ્રધાન તરીકેનાં પોસ્ટરો કે બૅનરો લગાવ્યાં હતાં. જ્યારે-જ્યારે આવાં પોસ્ટરો લાગે છે ત્યારે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાઈ જાય છે અને ફરી કંઈક નવાજૂની થવાની છે એવો સવાલ ઊભો થાય છે. આથી દરેક વખતે અજિત પવારે આ વિશે રદિયો આપવો પડે છે.