ગણેશોત્સવ દરમ્યાન એક એનજીઓએ રાખેલી સ્પર્ધામાં ભાગ લઈને તમે એ જીતશો તો ‘મિની ફૉરેસ્ટ’ બનાવશો

અમિત સાવંતે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને સ્પર્ધાનું ઑફિશ્યલ પોસ્ટર રજૂ કર્યું હતું
શહેરની એક જાણીતી એનજીઓએ અનોખી ગણેશમૂર્તિ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાના વિજેતાઓને છોડ અને રોપાઓ આપવામાં આવશે. પંચમહાભૂતે ફાઉન્ડેશનના સ્થાપક અમિત સાવંતે જણાવ્યું હતું કે ‘સ્પર્ધામાં વિજેતાઓને સેંકડો દેશી છોડ અને વૃક્ષના રોપા, ટ્રોફી તથા ઈ-સર્ટિફિકેટ્સ સાથે સન્માનવામાં આવશે. અમે મુંબઈની ખુલ્લી જગ્યાઓ જોઈ છે, મંજૂરી મેળવ્યા બાદ એનાં નામ જાહેર કરીશું. સરકારે પણ આ પ્રોજેક્ટને સમર્થન આપ્યું છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સ્પર્ધાનાં પોસ્ટર્સનું ઑફિશ્યલી ઉદ્ઘાટન કર્યું હતું.’
‘પર્યાવરણ વિઘ્નહર્તા’ નામની ગણેશમૂર્તિ બનાવવાની તથા શણગારની સ્પર્ધાનું આયોજન ૧૯થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન કરવામાં આવ્યું છે. બીજી ઑક્ટોબરે એ રોપા વાવીને શહેરને મિની ફૉરેસ્ટમાં તબદીલ કરવામાં આવશે. અમિત સાવંતે કહ્યું કે ‘આ પહેલનો ઉદ્દેશ ભાવિ પેઢીઓ માટે મૂળ-છોડ અને વૃક્ષોની પ્રજાતિઓને બચાવવાનો છે.’
રસપ્રદ વાત એ છે કે સ્પર્ધાના વિજેતાનું નામ મિની અર્બન ફૉરેસ્ટ હશે. આ સ્પર્ધા નિવાસીઓ અને ગણેશ મંડળો બન્ને માટે ખુલ્લી છે. તેઓ બન્ને શ્રેણીમાંથી ૨૦૦થી વધુ સ્પર્ધકોની અપેક્ષા રાખે છે. જોકે એક શરત છે, ગણેશની મૂર્તિઓ બનાવવા અથવા સ્પર્ધા માટે સજાવટ માટે હાનિકારક સામગ્રીના ઉપયોગ ઉપર સખત પ્રતિબંધ છે.
- પ્રસૂન ચૌધરી