અભૂતપૂર્વ ક્રાઉડની વચ્ચે ચિંચપોકલીચા રાજાના આગમન વખતે ચોરોને મળી ગયું મોકળું મેદાન : શનિવારે બાપ્પાને વેલકમ કરવા ગયેલા ૭૬થી વધુ ગણેશભક્તોએ નોંધાવી મોબાઇલ, પાકીટ અને સોનાની ચેઇન ચોરાયાની પોલીસમાં ફરિયાદ
શનિવારે ‘ચિંચપોકલીચા રાજા’ને વેલ કમ કરવા માટે હજારોની સંખ્યામાં ભેગી થયેલી મેદની (તસવીર : આશિષ રાજે)
મુંબઈના જાણીતા ચિંચપોકલીચા રાજા ગણપતિના આગમનમાં જોડાયેલા ૭૬થી વધુ ગણેશભક્તોએ તેમના મોબાઇલ ફોન ગુમાવ્યા હતા તો કેટલાક લોકોએ પાકીટ તેમ જ સોનાની ચેઇન ગુમાવી હતી. શનિવારે સાંજે આગમનમાં હજારોની સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. બપોરે બે વાગ્યે શરૂ થયેલી આ આગમન યાત્રા ગણેશમૂર્તિ મંડપમાં ન પહોંચી ત્યાં સુધી રાતના ૮ વાગ્યા સુધી ચાલી હતી, જેનો લાભ ચોરોએ ઉઠાવ્યો હતો.
એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આવી ચોરીઓ સામાન્ય રીતે વિસર્જનના દિવસે થાય છે જ્યારે મોટી સંખ્યામાં ભક્તો ગણેશને વિદાય આપવા માટે લાલબાગમાં ભેગા થાય છે, પરંતુ આ વર્ષે આગમન વખતે જ મોટી ભીડ આવી હતી, કારણ કે છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે લોકો આ તહેવારને માણી શક્યા નહોતા.’
ADVERTISEMENT
ભૂતકાળમાં પોલીસે ખિસ્સાકાતરુઓની ગૅન્ગને પકડી હતી. જે ખાસ કરીને ભક્તોને નિશાન બનાવવા માટે શહેરમાં આવી હોય. ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંજય પાટીલે કહ્યું હતું કે ‘તહેવારોને નજર રાખીને તમામ ઝોનલ ડિટેક્શન અધિકારી અને સ્ટાફને હરકતમાં આવવા અને ભીડમાં ફરતા ચોરો પર નજર રાખવા જણાવાયું છે.’

