Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘડીભર તો સુરતની આગની ઘટનાની જ યાદ આવી ગઈ

ઘડીભર તો સુરતની આગની ઘટનાની જ યાદ આવી ગઈ

18 December, 2022 08:42 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આગની આવી વિકરાળતા ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર આવેલા માધવ અપાર્ટમેન્ટમાંથી નીટના કોચિંગ માટે આવતા સ્ટુડન્ટ્સ સહિતના અનેક લોકો મુંબઈ પોલીસ અને ફાયર બ્રિગેડની મદદને લીધે બચી ગયા

ઘાટકોપર-ઈસ્ટના માધવ અપાર્ટમેન્ટના જંક્શન-બૉક્સ અને મીટર-બૉક્સમાં લાગેલી આગ ઓલવી રહેલો ફાયર બ્રિગેડનો જવાન.  પી. સૃષ્ટિ

ઘાટકોપર-ઈસ્ટના માધવ અપાર્ટમેન્ટના જંક્શન-બૉક્સ અને મીટર-બૉક્સમાં લાગેલી આગ ઓલવી રહેલો ફાયર બ્રિગેડનો જવાન. પી. સૃષ્ટિ


મુંબઈ : અમને આગ લાગી એની બીજી જ મિનિટે જ ખબર પડી ગઈ હતી. જોકે હવે આગમાંથી બચવા કયા રસ્તેથી બહાર નીકળી શકાય એની અમને કે અમારા ટીચરમાંથી કોઈને જ ખબર નહોતી. અમે પહેલાં તો મેઇન રોડ પરની બારી પાસે જઈને ઊભા રહી ગયા હતા. અમને અમારાં ટીચર જે રીતે માર્ગદર્શન આપતાં હતાં એ રીતે અમે ધુમાડાથી બચવા નાક પર રૂમાલ બાંધી દીધો હતો. અમારી એક બાજુ ખાઈ હતી અને બીજી બાજુ ઊંડો કૂવો હતો. અમને કોઈને સૂઝતું નહોતું કે આમાંથી અમે કેમ બચી શકીશું. અમે મોબાઇલથી અમારાં મમ્મી-પપ્પાને પણ ઘટનાની જાણ કરી દીધી હતી.

આ શબ્દો છે ગઈ કાલે ઘાટકોપર-ઈસ્ટના જવાહર રોડ પર આવેલા માધવ અપાર્ટમેન્ટના ચોથા માળે નીટના અભ્યાસક્રમનું ભણવા આવેલી ૧૮ વર્ષની એક વિદ્યાર્થિનીના. આ વિદ્યાર્થિની અને તેની સહેલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ભયંકર રીતે મૂંઝાયેલાં હતાં. અમને અમારી નજર સામે સુરતમાં બનેલી આગની ઘટનાનાં ટીવી પણ જોયેલાં દૃશ્યો દેખાતાં હતાં, જેમાં અનેક વિદ્યાર્થીઓએ તેમનો જીવ બચાવવા જતાં જાન ગુમાવ્યો હતો. અમને સમજ નહોતી પડતી કે અમે અમારા ક્લાસરૂમમાંથી કેવી રીતે બહાર નીકળીશું અને કેવી રીતે અમારા જાનને બચાવી શકીશું? આખરે અમારા ક્લાસરૂમનો દરવાજો ખોલીને અમને કહેવામાં આવ્યું કે એક નાનકડો રસ્તો છે જે અમારા મકાનની પાછળ આવેલી પરખ હૉસ્પિટલમાંથી બહાર નીકળે છે.’



અમને એક તબક્કે એવું લાગ્યું કે અમે સામેથી મોતના મુખમાં આવી ગયા છીએ એમ જણાવીને આ વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે ‘જોકે રામ રાખે તેને કોણ ચાખે. અમારી મદદે મુંબઈ પોલીસ આવી ગઈ હતી. તેઓ અમને પાંચમા માળેથી માધવ અપાર્ટમેન્ટની ટેરેસ પરથી પરખ હૉસ્પિટલમાં થઈને મોતના મુખમાંથી બચાવીને બહાર લાવી હતી. અમને બચીને બહાર આવવામાં અંદાજે ૩૦થી ૪૦ મિનિટ લાગી હતી. અમારા ફોનને કારણે અમારાં મમ્મી-પપ્પા અમને તેડવા આવી ગયાં હતાં. અમને જોતાં જ તેઓ અમને ગળે લગાડીને રડી પડ્યાં હતાં. જોકે અમારા ક્લાસના બે વિદ્યાર્થીઓ ધુમાડાને કારણે ગૂંગળામણથી બેભાન થઈ જતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તેમને બચાવીને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. એમાંથી ચેમ્બુરનો એક વિદ્યાર્થી અત્યારે વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.’


ચેમ્બુરના ઍૅડ. વિજય શેઠિયાએ તેમના પુત્રની ગંભીર હાલતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફાયર બ્રિગેડનો ફોન આવ્યો હતો કે તમારો દીકરો આગમાં ફસાઈ જવાથી ઈજા પામ્યો છે. અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અડધો કલાક સુધી ‘મિડ-ડે’ અને ઘાટકોપરના સામાજિક કાર્યકર પીયૂષ દાસ સિવાય કોઈ મદદ કરવા હાજર નહોતું. પોલીસ અને ફાયર બ્રિગેડ અમને પ્રૉપર માહિતી આપવા અસમર્થ હતાં. આખરે મારા પુત્રના એક મિત્રએ આવીને અમને કહ્યું કે અમારા પુત્રને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ત્યાં સુધી અમને તે દાઝી ગયો હોવાના સમાચાર મળતા હતા.’

આગની ઘટના ક્યાં અને શું બની હતી?


ગઈ કાલે બપોરે અંદાજે પોણાબે વાગ્યે ઘાટકોપર-ઈસ્ટના માધવ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પરના જંક્શન/મીટર-બૉક્સમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એને કારણે પાંચ માળના આ બિલ્ડિંગમાં આવેલાં પ્રાઇવેટ ટ્યુશન ક્લાસિસ, ઈએનટી ક્લિનિક, ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ ક્લિનિક અને પ્રાઇવેટ ઑફિસોમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. આ બધા લોકો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર જ આગ લાગી હોવાથી બચવાના માર્ગ બંધ થઈ ગયા હતા. જોકે માધવ અપાર્ટમેન્ટ અને એની પાછળની ખોખાણી લેનમાં આવેલી પરખ હૉસ્પિટલને જોડતો એક માર્ગ હતો જેમાંથી લોકો બચી શકે એમ હતું. આના સિવાય બીજો માર્ગ પાંચમા માળની ટેરેસ પરથી પરખ હૉસ્પિટલમાં જવાનો હતો. વિજય કારાણી નામના એક બિઝનેસમૅને આ રસ્તાઓ પરથી ૨૦થી ૨૨ લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જોકે તેઓ તેમની જ ઑફિસના ૪૬ વર્ષના અકાઉટન્ટ કોરશી દેઢિયાને બચાવી શક્યા નહોતા. આગમાં કોરશી દેઢિયાનું ધુમાડામાં ગૂંગળામણ થવાથી મૃત્યુ થયું હતું. આ સિવાય એક ગુજરાતી મહિલા સાંજ સુધી લાપતા હોવાની જાણકારી મળી હતી. આ સિવાય બે વ્યક્તિ દાઝી જવાથી તેમને નવી મુંબઈના નૅશનલ બર્ન સેન્ટરમાં દાખલ કરવામાં આવી છે.

પરખ હૉસ્પિટલના પેશન્ટ‍્સને બીજે શિફ્ટ કર્યા

માધવ અપાર્ટમેન્ટમાં આગ લાગતાં જ સૌથી પહેલાં સોશ્યલ મીડિયા અને અમુક મીડિયામાં માધવ અપાર્ટમેન્ટમાં આવેલી પીત્ઝાની એક હોટેલમાં, એક સાઉથ ઇન્ડિયન હોટેલમાં અને પાછળ આવેલી પરખ હૉસ્પિટલમાં આગ લાગી હોવાની જાણકારી પહોંચી હતી. એમાં પરખ હૉસ્પિટલના અમુક પેશન્ટો બળી ગયા હોવાના સમાચાર પણ ફેલાયા હતા. આ બાબતની સ્પષ્ટતા કરતાં પરખ હૉસ્પિટલના ડિરેક્ટર અને નૅપ્થોલૉજિસ્ટ ડૉ. નરેન્દ્ર દેઢિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેવી આગ લાગી કે તરત જ મારી હૉસ્પિટલના જ ફાયર-એક્સ્ટિંગ્વિશરથી આગને ઓલવી દેવામાં આવી હતી. માધવ અપાર્ટમેન્ટની આગમાં ફસાયેલા લોકોને અને વિદ્યાર્થીઓને મારી હૉસ્પિટલના માર્ગે બચાવીને બહાર લાવવામાં આવ્યા હતા. ત્યાર પછી ફાયર બ્રિગેડે આગમાં દાઝી ગયેલા લોકોને અને અન્ય ઈજાગ્રસ્તોને પણ હૉસ્પિટલના માર્ગે જ  બહાર કાઢ્યા હતા. એને કારણે બહાર બહુ મોટી ગેરસમજ ઊભી થઈ હતી કે મારી જ હૉસ્પિટલમાં આગ લાગી છે અને મારા પેશન્ટો અસરગ્રસ્ત બન્યા છે. એને લીધે બહુ મોટો ઊહાપોહ મચી ગયો હતો.’

ડૉ. નરેન્દ્ર દેઢિયાએ વધુમાં કહ્યું હતું કે ‘અમે આગ લાગી કે તરત જ અમારા પેશન્ટોને સુરક્ષા ખાતર નીચે ઉતારી દીધા હતા. એમાં અમુક ઇમર્જન્સી સારવારવાળા પણ હતા. બધા જ પેશન્ટોની સાથે અમારી નર્સોની ટીમ અને અસિસ્ટન્ટ ડૉક્ટરો પણ નીચે ઊતરી ગયા હતા અને પેશન્ટોનું ધ્યાન રાખતા હતા. અંદાજે ૨૯ પેશન્ટોને પરખ હૉસ્પિટલમાંથી બીજી હૉસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.’

હું તો આજે જ ઍન્જિયોપ્લાસ્ટી કરાવવા આવ્યો હતો એમ જણાવતાં પરખ હૉસ્પિટલના એક પેશન્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગના સમાચાર મળતાં જ હૉસ્પિટલનો સ્ટાફ અને ડૉક્ટરો અમને સુરિક્ષત રીતે નીચે લાવ્યા હતા. શરૂઆતમાં અમુક લોકોને તેમની લૉબીમાં તો અમુક લોકોને રોડ પર અને સામેના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં શિફ્ટ કર્યા બાદ પેશન્ટોની જરૂરિયાત પ્રમાણે બીજી હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અમારા કે સ્ટાફમાંથી કોઈ ઈજાગ્રસ્ત થયું હોય એવા અમારી પાસે સમાચાર નહોતા.’

દોઢ વર્ષ પહેલાં જ નવું વાયરિંગ

માધવ અપાર્ટમેન્ટના પાંચમા માળે ઑફિસ ધરાવતા એક ગુજરાતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને કેવી રીતે આગ લાગી એની નવાઈ લાગે છે. અમે દોઢ વર્ષ પહેલાં જ આખા બિલ્ડિંગનું વાયરિંગ  કરાવીને નવાં મીટરો બેસાડ્યાં છે.’

ડીસીપી શું કહે છે?

ઝોન ૭ના ડેપ્યુટી પોલીસ કમિશનર પુરુષોત્તમ કરાડે આગની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ આગમાં એક મૃત્યુ થયું છે અને આઠ લોકો ગૂંગળામણને લીધે અલગ-અલગ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. માધવ કુંજના મીટર-બૉક્સમાં શૉર્ટ સર્કિટને કારણે બપોરે પોણાબે વાગ્યે આગ લાગી હતી. તરત જ ફાયર બ્રિગેડે આવીને આગને કાબૂમાં લઈ લીધી હતી. આગળની તપાસ પોલીસ અને ફાયર બ્રિગેડ કરી રહ્યાં છે.’ 

આગમાં બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

આગમાં મૃત્યુ પામેલા કોરશી દેઢિયાની ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં રહેતી બહેન રશ્મિ ચેતન નાગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ જેવો ભાઈ કોઈ બહેન પાસે નહીં હોય. તે બહુ લાગણીશીલ હતો અને મમ્મી-પપ્પાની જેમ બે બહેનોની સારસંભાળ લેતો હતો. રોજ રાતે તે અમારા ખબરઅંતર પૂછતો. મારા ભાઈ કોરશીએ ગઈ કાલે બપોરે એક વાગ્યે જ મને તેની સાથે જમવા આવવા માટે કહ્યું હતું અને પોણાચાર વાગ્યે મને મારો ભાઈ હવે આ દુનિયામાં નથી એવા સમાચાર મળતાં હું ધ્રૂજી ઊઠી છું.’
રશ્મિ નાગડાએ વધુમાં કહ્યું હતું કે ‘મારો ભાઈ પણ ડોમ્બિવલીમાં જ રહે છે. તે છેલ્લાં બાવીસ વર્ષથી સવારે ૯.૩૦ વાગ્યે ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી એક કંપનીમાં અકાઉન્ટન્ટની નોકરી કરવા જતો હતો. બીકૉમ ભણેલા મારા ભાઈને ૧૮ વર્ષની રાજવી નામની દીકરી છે. મારી નાની બહેન ડિમ્પલ રાકેશ સાવલા કલ્યાણમાં રહે છે. કોરશીભાઈની હંમેશાં આદત હતી કે તે રાતના ઘાટકોપરથી ઘરે આવે એટલે પહેલાં બંને બહેનોના ખબરઅંતર પૂછે અને પછી જમવા બેસે. તેની પત્ની જિજ્ઞા મુલુંડની એક કંપનીમાં નોકરી કરે છે. કોરશીભાઈ અમારી ખૂબ જ સારસંભાળ લેતો હતો. તે રોજ સવારે સામાયિક કરીને નોકરીએ જતો હતો. હવે તે પ્રતિક્રમણ પણ શીખી રહ્યો હતો. ગઈ કાલની દુર્ઘટનામાં ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને અમારો પરિવાર હચમચી ગયો છે. ’

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 08:42 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK