વાહનો પાર્ક કરવા માટે પ્રથમ ત્રણ કલાક માટે ટૂ-વ્હીલરના ૨૦ રૂપિયા, ફોર-વ્હીલરના ૩૦ રૂપિયા અને બસના ૬૦ રૂપિયા ઠરાવાયા છે

પાંચ મેટ્રો સ્ટેશનને મળી વેહિકલ પાર્કિંગની સુવિધા
મુંબઈ : લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી સુધારવાના પ્રયાસના ભાગરૂપે ગઈ કાલથી પાંચ મેટ્રો સ્ટેશનોને વેહિકલ પાર્કિંગની સુવિધા મળી હતી. આ પાંચ સ્ટેશનો તથા એની ક્ષમતા આ મુજબની છે : માગાથાણે (૧૨૬ વાહનો), ઓશિવરા (૧૧૫ વાહનો), ગોરેગામ-પશ્ચિમ (૧૧૬ વાહનો), મલાડ-પશ્ચિમ (૮૬ વાહનો) અને બોરીવલી-પશ્ચિમ (૪૦ વાહનો). આમ આ પાંચ સ્ટેશનોની કુલ ક્ષમતા ૪૮૩ વાહનોની છે.
વાહનો પાર્ક કરવા માટે પ્રથમ ત્રણ કલાક માટે ટૂ-વ્હીલરના ૨૦ રૂપિયા, ફોર-વ્હીલરના ૩૦ રૂપિયા અને બસના ૬૦ રૂપિયા ઠરાવાયા છે. ત્રણ કલાકથી વધુ ૬ કલાક માટે આ ચાર્જિસ અનુક્રમે ૨૫ રૂપિયા, ૪૦ રૂપિયા અને ૯૫ રૂપિયા કરવામાં આવ્યા છે. યોજના અનુસાર પાર્કિંગ-ચાર્જ ૬ કલાક, ૧૨ કલાક તથા ૧૨ કરતાં વધુ કલાક માટે એ હિસાબે ઠરાવાયા છે. આ ઉપરાંત માસિક પાર્કિંગ ચાર્જિસ પણ નક્કી થયા છે.
આ સુવિધાને કારણે પ્રવાસીઓ માટે તેમના ઘરેથી કામના સ્થળે જવા માટે મેટ્રો સ્ટેશને આવવા અન્ય વાહનો પર મદાર રાખવો નહીં પડે જેથી તેમનો પ્રવાસ સરળ બની શકશે.
સંબંધિત મેટ્રો સ્ટેશનની નજીક બસ-ડેપો પર પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાનો ઉપયોગ ‘પાર્ક+’ નામની બેસ્ટની અધિકૃત મોબાઇલ ઍપ્લિકેશન દ્વારા કરી શકાય છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
લાસ્ટ મિનિટ કનેક્ટિવિટીમાં સુધારો કરવા અનેક સ્ટેશનોએ ‘માય બાઇક’ સ્ટૅન્ડ છે, જે નજીવું ભાડું લઈને સાઇકલ પૂરી પાડે છે.
પાર્કિંગ-લૉટની સુવિધા ઉપલબ્ધ કરવી એ એક મોટું મૂલ્યવર્ધન છે, જે મુસાફરોનો અમૂલ્ય સમય બચાવવામાં મદદરૂપ બનશે એમ જણાવતાં મહા મુંબઈ મેટ્રો કૉર્પોરેશન લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર એસવીઆર શ્રીનિવાસે ઉમેર્યું હતું કે અમે એવા માર્ગ શોધી રહ્યા છીએ જે પ્રવાસીઓને લાભ આપવાની સાથે સમગ્ર ટ્રાવેલ ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપે.