મોનોરેલ ફરી પાટે ચડશે અને ડિઝાઇન માટે વગોવાયેલો ભાઈંદરનો બહુચર્ચિત બ્રિજ પણ ખુલ્લો મુકાશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા જૂન મહિનામાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં આવતા પાંચ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ એક જ દિવસે જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. ઉદ્ઘાટનની અંતિમ તારીખ હજી નક્કી નથી થઈ.
જૂનના પહેલા ૧૫ દિવસમાં જ મુંબઈ મોનોરેલ ફરી શરૂ કરવામાં આવશે. ટેક્નિકલ ખામીને કારણે સપ્ટેમ્બર ૨૦૨૫થી બંધ પડેલી મોનોરેલ સર્વિસ જરૂરી સમારકામ અને સેફ્ટી ઇન્સ્પેક્શન બાદ નવા ટ્રેન-સેટ સાથે ફરી શરૂ કરવાની તૈયારી થઈ રહી છે.
ADVERTISEMENT
ડી. એન. નગરથી મંડાલે સુધીની મેટ્રો 2Bને ચેમ્બુર સુધી લંબાવવા માટેની તૈયારી પણ પૂરી થઈ ગઈ છે. ડાયમન્ડ ગાર્ડનથી ચેમ્બુર નાકા સુધી લાઇન જૂન મહિનામાં શરૂ થશે. આ રૂટ શરૂ થયા બાદ મેટ્રો અને મોનોરેલનું કનેક્ટિવિટી જંક્શન બનશે. આનાથી મેટ્રોની રાઇડરશિપ વધવાની આશા છે.
આ ઉપરાંત છેલ્લાં ૧૩ વર્ષથી નિર્માણ હેઠળ રહેલા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (SCLR)ના બીજા તબક્કાની નવી ફ્લાયઓવર આર્મ શરૂ થવાથી કલાનગર અને ખેરવાડી વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે.બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) નજીક ૧૦,૫૦૦ ચોરસ મીટરની જગ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનો માટે કલાનગર ખાતે આર્ટ ઍન્ડ ઇવેન્ટ પ્લાઝા તૈયાર કરવામાં આવ્યો છે. એને પણ ખુલ્લો મૂકવામાં આવશે.
મેટ્રો 9 ડબલ ડેકર કૉરિડોરના ભાગરૂપે ભાઈંદરમાં બનાવાયેલો અને ૪ લેનમાંથી બે લેનથી જવાની ડિઝાઇન માટે બહુચર્ચિત ૧.૯ કિલોમીટર લાંબો ગોલ્ડન નેસ્ટ ફ્લાયઓવર એલિવેટેડ કૉરિડોર સેફ્ટીને લગતા જરૂરી ફેરફારો સાથે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.
