તેમની સાથે બીજા ૩૦૦ પુરુષ કૅડેટ પણ પાસ થયા છે
ગઈ કાલે નૅશનલ ડિફેન્સ ઍકૅડેમીમાંથી ગ્રૅજ્યુએટ થયેલી ૧૭ મહિલા કૅડેટ્સ
મહિલાઓને પણ પુણેની નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (NDA)માં સામેલ કરી શકાય એવા સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશ બાદ ૨૦૨૨માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશને મહિલાઓને NDAના કોર્સ માટે પ્રવેશ આપ્યો હતો. એ પહેલા બૅચની ૧૭ મહિલા કૅડેટ હવે ગ્રૅજ્યુએટ થઈને નીકળી છે. તેમની સાથે બીજા ૩૦૦ પુરુષ કૅડેટ પણ પાસ થયા છે. ગઈ કાલે ખડકવાસલાના ખેત્રપાલ પરેડ ગ્રાઉન્ડ પર આ માટે યોજાયેલા સમારંભમાં ‘અંતિમ પાગ’ની પાસિંગ-આઉટ પરેડમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ અને હાલમાં મિઝોરમના ગવર્નર વી. કે. સિંહ આ પાસિંગ-આઉટ પરેડના રિવ્યુઇંગ ઑફિસર હતા. ઍકૅડેમી કૅડેટ કૅપ્ટન ઉદયવીર નેગીએ પરેડની આગેવાની લીધી હતી.
જનરલ વી. કે. સિંહે આ પ્રસંગે કહ્યું હતું કે ‘આજે મહિલા કૅડેટનો પહેલો બૅચ પાસઆઉટ થઈને બહાર પડી રહ્યો છે એટલે આજનો દિવસ ઍકૅડેમીના ઇતિહાસમાં યુનિક છે અને મહત્ત્વપૂર્ણ પણ છે. આ એક ઐતિહાસિક માઇલસ્ટોન છે જે સર્વસમાવેશ અને સશક્તીકરણને ઉજાગર કરે છે. આ યુવાન મહિલાઓ નારીશક્તિનું પ્રતીક છે જે માત્ર મહિલાઓનો જ વિકાસ નહીં પણ મહિલાઓની લીડરશિપમાં વિકાસનું મૂર્ત સ્વરૂપ છે. આગળ જતાં ભવિષ્યમાં આ જ યુવાન મહિલાઓમાંથી કોઈ એક ટોચ સુધી પણ પહોંચી શકે છે.’


