Fire in Mumbai: ગોરેગાંવ પશ્ચિમમાં શાલીમાર બિલ્ડિંગમાં બુધવારે આગ લાગી હતી; બીએમસીના અધિકારીઓએ આગની પુષ્ટિ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (Mumbai)માં આગ લાગવાનો વધુ એક કિસ્સો બન્યો છે. ગોરગાંવ (Goregaon)માં એક રહેણાંક ઈમારતમાં આગ લાગી હોવાની ઘટના (Fire in Mumbai) બની છે. જોકે, સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)એ જણાવ્યું હતું કે, બુધવારે ગોરેગાંવમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. નાગરિક સંસ્થા (BMC)ના જણાવ્યા અનુસાર, આગ શાલીમાર બિલ્ડિંગ (Shalimar Building), સિદ્ધિ ગણેશ સોસાયટી (Siddhi Ganesh Society), એસવી રોડ, રોડ નંબર 04, ગોરેગાંવ (પશ્ચિમ) ખાતે G+5 રહેણાંક મકાનના કોમન મીટર બોક્સમાં લાગી હતી.
ADVERTISEMENT
મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade) દ્વારા બપોરે ૧૨.૧૮ વાગ્યે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. બપોરે ૧૨.૨૫ વાગ્યે આ આગને લેવલ ૧ની આગ જાહેર કરી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી.
આ કામગીરીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડ સ્ટાફ, જાહેર બાંધકામ વિભાગ (Public Works Department), એમ્બ્યુલન્સ સેવાઓ 108 અને અદાણી ઇલેક્ટ્રિસિટી (Adani Electricity)નો સમાવેશ થાય છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ નથી.
અધિકારીઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે, જે બિલ્ડિંગના કોમન મીટર બોક્સથી શરૂ થઈ હોવાનું જણાય છે. સાવચેતી તરીકે રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, અને કોઈ જાનહાનિ વિના પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવામાં આવી હતી.
થાણેમાં ખાદ્ય પદાર્થની દુકાનમાં આગ, કોઈ જાનહાનિ નહીં
બીજી એક ઘટનામાં, મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લામાં મંગળવારે સવારે એક લોકપ્રિય ફૂડ શોપમાં ભીષણ આગ લાગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી, એમ તેમણે જણાવ્યું હતું.
ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે, કલ્યાણ (Kalyan) વિસ્તારના શિલ્ફાટા રોડ (Shilphata Road) પર લોધા પલાવ (Lodha Palava)માં આવેલી કેજીએન બિરયાની દુકાન (KGN Biryani Shop)માં સવારે ૭ વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને આ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેનાથી પરિસર બળીને ખાખ થઈ ગયું હતું. કામ પર જતા રહેવાસીઓએ ગાઢ ધુમાડો જોયો અને એલાર્મ વગાડ્યો. ત્યાબાદ ડોમ્બિવલી ફાયર વિભાગ (Dombivli fire department)ના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને એક કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દુકાનની અંદર રહેલ લાકડાનું ફર્નિચર, રેફ્રિજરેટર અને કાચો ખાદ્ય પદાર્થ આ આગમાં નાશ પામ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, આગને કારણે શિલ્ફાટા રોડ પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો કારણ કે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેજીએન બિરયાનીની દુકાનમાં આગ લાગવાનું કારણ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ તપાસ ચાલી રહી છે.


