સિલિન્ડર-બ્લાસ્ટને કારણે લાગેલી આગ ગઈ કાલે વહેલી સવારે કાબૂમાં આવી : ફાયર-બ્રિગેડ આ ઘટનાની તપાસ કરશે
પેડર રોડ પર બ્રીચ કૅન્ડી હાઉસિંગ સોસાયટી બિલ્ડિંગમાં શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી (તસવીર : આશિષ રાજે)
શનિવારે રાત્રે પેડર રોડ પરના ૧૪ માળના બ્રીચ કૅન્ડી હાઉસિંગ સોસાયટી બિલ્ડિંગના બારમા માળે સિલિન્ડરના વિસ્ફોટથી લાગેલી આગની ઘટનામાં ફાયર-બ્રિગેડ તપાસ કરી રહી છે. ફાયર અધિકારીઓએ જણાવ્યા મુજબ બિલ્ડિંગની આંતરિક ફાયર-ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી.
શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે લાગેલી આગ બે ફ્લૅટમાં ફેલાઈ હતી. લગભગ પાંચ કલાક પછી આગ પર કાબૂ મેળવી શકાયો હતો. જોકે એકસાથે બે સિલિન્ડરમાં થયેલા આ બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર-બ્રિગેડે બારમા માળ પરથી એક માણસ અને એક મહિલાને ઉગારી લીધાં હતાં તેમ જ સાવચેતીનાં પગલાંરૂપે આખું બિલ્ડિંગ ખાલી કરાવ્યું હતું.
ADVERTISEMENT
ચીફ ફાયર ઑફિસર સંજય માંજરેકરે કહ્યું હતું કે ‘બિલ્ડિંગની આંતરિક ફાયર-ફાઇટિંગ સિસ્ટમ સરખી રીતે કામ નહોતી આપી રહી. અમે આ બાબતમાં તપાસ કર્યા બાદ શું પગલાં લેવાં એનો નિર્ણય લઈશું.’
આગ બુઝાવવા માટે આઠ ફાયર એન્જિન અને સાત વૉટર જેટ કામમાં લેવાયાં હતાં. આશરે પાંચેક કલાક પછી ગઈ કાલે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
ફાયર સુરક્ષાનાં ધોરણો મુજબ હાઇરાઇઝ બિલ્ડિંગ્સમાં આંતરિક ફાયર-ફાઇટિંગ સિસ્ટમ હંમેશાં કાર્યક્ષમ હોવી જ જોઈએ તેમ જ પ્રત્યેક છ મહિને એનો રિપોર્ટ મુંબઈ ફાયર-બ્રિગેડને સોંપવો જોઈએ.
ફાયર-બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે ‘જો અમને ફાયર-ફાઇટિંગ સિસ્ટમમાં કાંઈ પણ વાંધાજનક જણાય તો અમે સોસાયટીને નોટિસ આપીએ તથા એણે ૧૨૦ દિવસમાં એને રિપેર કરવાની કે પછી નવી સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવાની રહેશે. જો સોસાયટી ૩૦ દિવસમાં રિપેરિંગ શરૂ નહીં કરે તો એની સામે પગલાં લેવામાં આવશે.’
મહારાષ્ટ્ર ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ ઍક્ટ હેઠળ આકરાં પગલાં લેવાની તેમ જ દંડ કરવાની જોગવાઈ છે, જે મુજબ દોષી વિરુદ્ધ છ મહિનાથી ત્રણ વર્ષ સુધીની જેલની સજા કે પછી ૩,૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

