Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કરોડો રૂપિયાનું રોકાણ લીધા બાદ ગુજરાતી બિલ્ડરે છેતર્યા હોવાની ફાઇનૅન્સરે પોલીસમાં કરી ફરિયાદ

કરોડો રૂપિયાનું રોકાણ લીધા બાદ ગુજરાતી બિલ્ડરે છેતર્યા હોવાની ફાઇનૅન્સરે પોલીસમાં કરી ફરિયાદ

Published : 26 December, 2023 08:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેસની મળતી વિગતો મુજબ આશિત દોશીએ તેમના સાયનમાંના એસઆરએના પ્રોજેક્ટ માટે ફાઇનૅન્સર મેહુલ શાહ અને તેમના ભાઈ મનીષ શાહ પાસેથી ફાઇનૅન્સ લીધું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ : સાયનમાં ઑફિસ ધરાવતા જાણીતા બિલ્ડરને ફાઇનૅન્સ કર્યા બાદ તેણે ફાઇનૅન્સરને અંધારામાં રાખીને એસઆરએ પ્રોજેક્ટના ૩૧ ફ્લૅટ થર્ડ પાર્ટીને વેચી દેતાં આખરે ફાઇનૅન્સરે બિલ્ડર સામે ઍન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરતાં પોલીસે બિલ્ડર, તેની પત્ની અને અન્ય લોકો સામે ગુનો દાખલ કરીને કેસની વધુ તપાસ શરૂ કરી છે. દરમ્યાન મુખ્ય આરોપી બિલ્ડરે કોર્ટમાં જઈને આગોતરા જામીનની અરજી કરતાં કોર્ટે તેને સોમવાર સુધીના વચગાળના જામીન મંજૂર કર્યા હતા.

સાયન-વેસ્ટમાં ઑફિસ ધરાવતા ઝેયસ (Zeus) હાઉસિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન લિમિટેડના ​ડિરેક્ટર આશિત દોશી, તેમની પત્ની પૂનમ દોશી, બ્રોકર શૈલેશ સંઘવી, મધુસૂદન મહેતા અને અન્ય સામે ઍન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. એ કેસમાં હાલ આરોપી આશિત દોશીએ કોર્ટના શરણે જઈને આગોતરા જામીનની અરજી કરી હતી. એમાં કોર્ટે તેને સોમવાર સુધીના વચગાળાના જામીન આપ્યા હતા. ઍન્ટૉપ હિલ પોલીસે આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.



કેસની મળતી વિગતો મુજબ આશિત દોશીએ તેમના સાયનમાંના એસઆરએના પ્રોજેક્ટ માટે ફાઇનૅન્સર મેહુલ શાહ અને તેમના ભાઈ મનીષ શાહ પાસેથી ફાઇનૅન્સ લીધું હતું અને એ સામેતેમને વ્યાજ સાથે વળતર અથવા પ્રોજેક્ટના કેટલાક ફ્લૅટ આપવાનું નક્કી થયું હતું. જોકે આશિત દોશીએ તેમને જાણ ન કરતાં એ પ્રોજેક્ટના ૩૧ જેટલા ફ્લૅટ બારોબાર વેચી નાખ્યા હતા. એટલું જ નહીં, શાહ ભાઈઓએ રોકેલા પૈસા પણ પાછા આપ્યા નહોતા. એથી મેહુલ શાહ અને મનીષ શાહે ઍન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનમાં તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


ઍન્ટૉપ હિલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ હેગિસ્ટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફરિયાદ મળતાં અમે આશિત દોશી અને અન્યો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે. અમે આરોપીઓને આ સંદર્ભે કલમ ૪૧ અંતર્ગત નોટિસ મોકલાવીને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. આશિત દોશીએ હાલ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા છે. અમે કેસની વિગતો એકઠી કરી રહ્યા છીએ. ફરિયાદી પાસેથી પણ વિગતો મેળવીને દસ્તાવેજો એકઠા કરવાની પ્રોસેસ હાલ ચાલી રહી છે. આ કેસમાં હજી સુધી કોઈની ધરપકડ કરી નથી.’

ઈઓડબ્લ્યુમાં પણ ફરિયાદ 
ઝેયસ હાઉસિંગ દ્વારા સાયન-કોલીવાડામાં એસઆરએ પ્રોજેક્ટ માટે વિલે પાર્લેના ફાઇનૅન્સર પાસેથી ૨૫.૧૯ કરોડ રૂપિયા લેવાયા હતા અને સામે પ્રોજેક્ટની ૨૦ ટકા જગ્યા તેમને આપવાનું નક્કી થયું હતું. જોકે ત્યાર બાદ તેમણે પૈસા પણ પાછા આપ્યા નહોતા અને જગ્યા પણ અપાઈ નહોતી. તેણે જે સેલેબલ બિલ્ડિંગ હતું એના ફ્લૅટ્સ પણ વેચી દીધા હતા અને કેટલાક ખરીદદારોને અલૉટમેન્ટ લેટર પણ આપી દીધા હતા અને એ બાબતે ફરિયાદીને જાણ કરાઈ નહોતી. એથી આ બાબતે સાયન પોલીસ સ્ટેશનમાં પહેલાં ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાર બાદ એ કેસ ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગને ટ્રાન્સફર કરાયો હતો. હાલ એ કેસની ઈઓડબ્લ્યુ હાઉસિંગ યુનિટ-૨ના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય કાતેની દોરવણી હેઠળ તપાસ ચલાવાઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2023 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK