બીએમસી દરેક શેરીમાં શ્વાનની વસ્તી શોધવામાં મદદ કરવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરશે

ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન આખરે શહેરના રખડતા શ્વાનની ગણતરીનું કામ ઉપાડશે. ઍક્ટિવિસ્ટ અને સુધરાઈના નસબંધી કાર્યક્રમની અસરકારતા પર પ્રશ્ન ઊઠતા હોવાથી બીએમસીના વેટરિનરી વિભાગે ગયા વર્ષે ડૉગીની ગણતરી કરવાનો નિર્ણય લીધો હતો. એ માટેની દરખાસ્ત મંજૂર થવાના આરે છે. આ કાર્યક્રમનો સમગ્ર ખર્ચ ૧૨.૬૭ લાખ રૂપિયા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે દરખાસ્ત માટે વહીવટી મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છીએ. મંજૂરી મળતાં જ અમે ડાગીની ગણતરી શરૂ કરીશું. આ વખતે અમે દરેક શેરીમાં શ્વાનની વસ્તી શોધવામાં મદદ કરવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીશું. આ ડેટા અમને નસબંધી કાર્યક્રમના સંદર્ભમાં પણ મદદ કરશે.’
ADVERTISEMENT
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સ્ટ્રીટ ડૉગ્સની છેલ્લી વસ્તીગણતરી ૨૦૧૪માં કરવામાં આવી હતી. એ મુજબ શહેરમાં ૯૫,૧૭૪ રખડતા શ્વાન છે.’
સત્તાવાર માહિતી અનુસાર સુધરાઈએ ૨૦૧૫થી અત્યાર સુધીમાં લગભગ ૧.૩૦ લાખ શ્વાનની નસબંધી કરી છે. શહેરમાં ૨૦૧૮ સુધી ૩.૨૪ લાખ ડૉગી કરડવાના કેસ નોંધાયા છે.
નાગરિક કાર્યકર્તા સચિન માંજરેકરે રખડતા શ્વાનની નસબંધી અંગેના બીએમસીના દાવાને શંકાસ્પદ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘બીએમસી જે કહે તે, અમે જોઈ શકીએ છીએ કે શેરીના શ્વાનની વસ્તી વધી રહી છે. જીપીએસ સર્વિસનો ઉપયોગ કરીને બીએમસી સ્ટ્રીટ ડૉગ્સની સંખ્યા માર્ક કરશે. તેમણે આ માહિતી સાર્વજનિક કરવાની જરૂર છે, જેથી સામાન્ય લોકોને ખ્યાલ આવે કે બીએમસી શું કરી રહી છે.’

