કન્ટેનરના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવતાં નવી મુંબઈના ઐરોલીમાં થયો ભયાનક અકસ્માત : રિક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાને હાથમાં થઈ મામૂલી ઈજા
ઐરોલી બ્રિજની નીચે ભયાનક અકસ્માત થયો હતો
નવી મુંબઈના થાણે-બેલાપુર રોડ પર આવેલા ઐરોલી બ્રિજની નીચે ગઈ કાલે બપોરે ૧૨.૪૫ વાગ્યાની આસપાસ એક ભયાનક અકસ્માત થયો હતો. એમાં એક કન્ટેનરની બ્રેક તૂટી જતાં દસ અલગ-અલગ વાહનોનો ખુરદો બોલી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલી એક મહિલાને હાથમાં મામૂલી ઈજા થઈ હતી.
આ બાબતની માહિતી આપતાં રબાળે એમઆઇડીસી પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી નીતિન કુંભારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મુંબઈ તરફ આવી રહેલા એક કન્ટેનરના ડ્રાઇવરે વરસાદ અને સ્લોપને કારણે કન્ટેનર પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો હતો. તેણે કન્ટેનરને રોકવા માટે બ્રેક મારવાની કોશિશ કરી, પણ એની બ્રેક તૂટી જતાં કન્ટેનર એની આગળ ચાલી રહેલા એક ટેમ્પોને અથડાયું હતું. ત્યાર બાદ કન્ટેનર અને બીજાં વાહનો એકબીજાને અથડાતાં કન્ટેનર અને રિક્ષા સહિત દસ વાહનોને નુકસાન થયું હતું. કન્ટેનરના ડ્રાઇવરે કન્ટેનરને કન્ટ્રોલ કરવાની પૂરી કોશિશ કરી હતી, પણ તે નિષ્ફળ ગયો હતો. વાહનો એકબીજા સાથે અથડાઈ જવાથી દસ વાહનોમાંથી રિક્ષામાં બેઠેલી એક મહિલાના હાથમાં મામૂલી ઈજા થઈ હતી. પોલીસે કન્ટેનરના ડ્રાઇવરની ધરપકડ કરીને કન્ટેનરને તાબામાં લીધું છે.’
ADVERTISEMENT
અકસ્માત થયા બાદ તરત જ સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ ટ્રાફિક પોલીસ અને સિટી પોલીસને સહાય કરવા આવી ગયા હતા એમ જણાવતાં નીતિન કુંભારે કહ્યું હતું કે રાહદારીઓએ પોલીસ સાથે મળીને વાહનોને ઊંચકવામાં અને એમાં બેઠેલા લોકોને બહાર કાઢવામાં સહાય કરી હતી.


