Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈનાં વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિ વંદના, પરિવાર અને સાહિત્યરસિકોએ આપી સ્મરણાંજલિ

મુંબઈનાં વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિ વંદના, પરિવાર અને સાહિત્યરસિકોએ આપી સ્મરણાંજલિ

05 May, 2024 09:47 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણીતા વાર્તાકાર તથા કવિ સંદીપ ભાટિયાએ મીનાક્ષીબહેન (Meenakshi Dixit)ની વાર્તાકળાની માંડીને વાત કરી.એમની વાર્તામાં ક્યાંય નકામો શબ્દ ન આવે એવી ચુસ્ત એમની શૈલી હતી

મુંબઈનાં વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિ વંદના

મુંબઈનાં વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિ વંદના


મીનાક્ષી દીક્ષિતે (Meenakshi Dixit) ૬૦ વર્ષની ઉંમર બાદ કલમ હાથમાં લીધી. એક સજ્જ ભાવક તરીકે તેઓ દાયકાઓથી મુંબઈના સાહિત્યના કાર્યક્રમમાં હાજરી આપતાં. એમના વડીલ બંધુ બકુલ ત્રિપાઠી પણ સાહિત્ય જગતનું મોટા ગજાનું નામ તે છતાં કેટલીક પારિવારિક જવાબદારીઓને કારણે એમનું સર્જનાત્મક લખાણ ઘણું મોડું શરૂ થયું.

મુંબઈનાં યુવાન વાર્તાકાર વાર્તા રે વાર્તા કે ગદ્યસભાની બેઠકો માટે ભેગાં થાય તો મીનાક્ષીબહેન (Meenakshi Dixit)ની મોટે ભાગે હાજરી હોય જ. ઘણી બેઠકો તો એમનાં ઘરે યોજાય જેથી એમને દૂર જવાનો શ્રમ ઓછો પડે અને એ સાહિત્યનાં વાતાવરણમાં રહી શકે.



મીનાક્ષીબહેનનું બાળપણ કલોલ તથા નડિયાદમાં વીત્યું. સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત સંસ્મરણકથા `અંજની, તને યાદ છે?` માં આ બે સ્થળે વીતાવેલા બાળપણના રસપ્રદ કિસ્સાઓ છે.


જાણીતા વાર્તાકાર તથા કવિ સંદીપ ભાટિયાએ મીનાક્ષીબહેન (Meenakshi Dixit)ની વાર્તાકળાની માંડીને વાત કરી.એમની વાર્તામાં ક્યાંય નકામો શબ્દ ન આવે એવી ચુસ્ત એમની શૈલી હતી એવું એમણે જણાવ્યું. એમની વખણાયેલી `હીંચકો` વાર્તામાં સ્ત્રીએ પોતાની ઓળખ મેળવવા કેટલું ઝઝૂમવું પડે છે એ મુદ્દા પર સંદીપ ભાટિયાએ આંગળી ચીંધી આપી હતી.

એ અગાઉ કવયિત્રી પ્રતિમા પંડ્યાએ `હીંચકો` વાર્તા ભાવકો સમક્ષ ઉઘાડી આપી હતી. વાર્તાના વળાંકો સાથે ભાવક કઈ રીતે પ્રવાહમાં ખેંચાતો જાય છે અને વાર્તા કઈ રીતે માનસશાસ્ત્રીય લેવલ પર પહોંચે છે એની વાત પ્રતિમા પંડ્યાએ કરી હતી.


જાણીતા વાર્તાકાર કિશોર પટેલે મીનાક્ષીબહેનની `અજંપો ` નામની વાર્તા વિશે રસ પડે એવી રજૂઆત કરી હતી. વાર્તામાં સસ્પેન્સ ઘૂંટીને જકડી રાખે એવી વાર્તા કઈ રીતે બને છે એના ઉપર એમણે પ્રકાશ પાડ્યો હતો.

કવિ સંજય પંડ્યાએ જાણીતાં સર્જક વર્ષા અડાલજાના વિધાનને યાદ કર્યું હતું કે  લેખિકાએ એક હાથમાં કડછો અને બીજા હાથમાં કલમ પકડીને સર્જન કરવાનું હોય છે. મીનાક્ષીબહેને સંસારની પળોજણમાં અટવાઈને મોડું લખવાનું શરૂ કર્યું.જો એ અગાઉના દાયકાઓમાં લખી શક્યાં હોત તો એમના નામે વધુ વાર્તાસંગ્રહ હોત. `અંજની તને યાદ છે `ના રમતિયાળ તથા સંવેદનાસભર પ્રસંગો એમણે ટાંક્યા હતા.

કવયિત્રી મીતા ગોર મેવાડાએ સાડા ચાર દાયકાના દીક્ષિત પરિવાર સાથેના સંબંધની વાત કરી પોતાને સાહિત્યમાં આ સ્થાને પહોંચાડનાર મીનાક્ષીબહેનનો ભાવવાહી સ્વરે ઋણસ્વીકાર કર્યો હતો. કવયિત્રી વાર્તાકાર પ્રીતિ જરીવાલાએ મીનાક્ષીબહેનના `લેખિની ` સાથેના દાયકાઓ જૂના સંબંધની વાત કરી એમના હાસ્યલેખના અંશ રજૂ કર્યા હતા.

મીનાક્ષીબહેનનાં પુત્રી મીતાબહેન સાહિત્યમર્મી છે. સાહિત્યના કાર્યક્રમમાં છેલ્લા દસ પંદર વર્ષથી તેઓ મીનાક્ષીબહેનની સાથે જ હોય. એમણે મીનાક્ષીબહેનનાં માતા પિતા તથા નાનાની વાત કરી તથા ધીરુબહેન પટેલ, બકુલ ત્રિપાઠી તથા ડૉ.ગૌતમ પટેલને પણ યાદ કર્યાં. `અંજની તને યાદ છે? `માંથી કવિ, નાટ્યકાર, અભિનેતા દિલીપ રાવલે કેટલાક ગદ્યખંડની અફલાતુન રજૂઆત કરી હતી. યુવાન વાર્તાકાર સમીરા પત્રાવાલા,  કવિ વાર્તાકાર સતીશ વ્યાસ તથા નેહા યાજ્ઞિકે વાચિકમ દ્વારા મીનાક્ષી બહેનના સર્જનનો ભાવકોને પરિચય કરાવ્યો.

જાણીતા નાટ્યલેખક તથા અભિનેતા પ્રણવ ત્રિપાઠીએ બેફામસાહેબના મા વિશેનાં કાવ્યની ભાવસભર રજૂઆત કરી ભાવકોનાં દિલ જીતી લીધાં. મીનાક્ષીબહેનનાં સૌથી નાનાં દીકરી પૂર્વીબહેને કેટલાંક સંસ્મરણોનો ઉલ્લેખ કરી સહુનો આભાર માન્યો હતો. કેટલાંક ભક્તિગીત તથા સાહિત્યનાં મુખ્ય પ્રવાહનાં ગીતોની રજૂઆત જાણીતાં ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી તથા દીપેશ ચંદારાણાએ કરી હતી તથા સંચાલન કવિ તથા હાસ્યકલાકાર નીતિન દેસાઈએ કર્યું હતું.

મીનાક્ષીબહેનનાં  ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાંથી ‘અંજની તને યાદ છે?’ સ્મરણકથાને ગુજરાત સાહિત્ય પરિષદનું શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક અને શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક મળ્યાં છે.  આ સિવાય  ‘ઘેર ઘેર લીલા લહેર’ નામે હળવા નિબંધોનો સંગ્રહ અને ‘એક નવો જ વળાંક’ નામે કમલેશ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ પ્રકાશિત થયા છે. એમની વાર્તા ‘હીંચકો’ અનેક સામયિકોમાં પોંખાઈ છે.  એમના નિબંધો, ટૂંકી વાર્તાઓ, અને લલિત લેખો લગભગ દરેક અગ્રણી સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. આવાં સર્વ પર સ્નેહ વરસાવતાં સર્જકને, એમનાં સર્જનને ભાવકો સમક્ષ ઉઘાડી આપીને લેખક મિત્રો તથા પરિવારે ઉચિત રીતે અંજલિ આપી.

જાણીતા લેખક ડૉ.પ્રદીપ સંઘવી, પત્રકાર તથા તંત્રી નીલા સંઘવી, લેખિકા મીનાક્ષી વખારિયા, વાર્તાકાર રાજુ પટેલ, વાર્તાકાર મમતા પટેલ, સ્મિતા શુક્લ તથા પરિવારના મિત્રો અને સાહિત્યના ભાવકોથી હૉલ ભરાયેલો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 09:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK