ભારતીય સેનાના શૌર્યનું સન્માન કરવા માટે મુંબઈમાં કાઢવામાં આવેલી તિરંગા યાત્રામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું...
ઑગસ્ટ ક્રાન્તિ મેદાનથી ગિરગામ ચોપાટી સુધીની તિરંગા યાત્રામાં દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે સાથે જબરદસ્ત જનમેદની ઊમટી પડી હતી.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓના કાયરતાભર્યા હુમલાને ઑપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપનારી ભારતીય સેનાના શૌર્યને બિરદાવવા માટે અને તેમને સમર્થન આપવા માટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મુંબઈ સહિત રાજ્યભરમાં તિરંગા રૅલી કાઢી હતી. મુંબઈમાં ગ્રાન્ટ રોડમાં આવેલા ઑગસ્ટ ક્રાન્તિ મેદાનથી ગિરગામ ચોપાટી સુધી તિરંગા રૅલી કાઢવામાં આવી હતી. એમાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિતના મહાનુભાવો સામેલ થયા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તિરંગા રૅલીમાં કહ્યું હતું કે ‘સુન લે બેટા પાકિસ્તાન, બાપ હૈ તેરા હિન્દુસ્તાન. આજે તિરંગા યાત્રાના માધ્યમથી દેશની સેનાનો આભાર માનવા માટે આપણે એકત્રિત થયા છીએ. ઑપરેશન સિંદૂરના માધ્યમથી આપણે બતાવી દીધું કે અમે ઝૂકીશું નહીં. પહલગામમાં આપણા ભાઈઓને ધર્મ પૂછીને મારવામાં આવ્યા. આવો હત્યાકાંડ આખી દુનિયામાં ક્યાંય જોવા નહોતો મળ્યો. વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂર લૉન્ચ કર્યું. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માટે ઑપરેશન સિંદૂર કરવામાં આવ્યું. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ૯ અડ્ડા ધ્વસ્ત કર્યા. મુંબઈ પર હુમલો કરનારા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબે જ્યાં તાલીમ લીધી હતી એ અડ્ડો પણ ઉડાવ્યો. પાકિસ્તાનના પંજાબમાં આપણે નહીં ઘૂસી શકીએ એવું તેઓ માનતા હતા, પણ ભારતીય સેનાએ ત્યાં પણ જઈને ઠોક્યા. પાકિસ્તાને ભારત પર કરેલો એક પણ હુમલો સફળ નથી થઈ શક્યો. તેમનાં ડ્રોન અને મિસાઇલ આપણે હવામાં જ તોડી નાખ્યાં. આપણી બહેનોના કપાળ પરના કંકુને લૂછનારાઓને સેનાને નેસ્તનાબૂદ કરી નાખ્યા.’
બાપ બાપ હોતા હૈ : એકનાથ શિંદે
ADVERTISEMENT
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘આજની રૅલી ભારતીય સેનાના શૌર્યને સમર્પિત કરવા માટે, વીરતાના શૌર્યને સન્માન કરનારી રૅલી છે. પાકિસ્તાનને એની જગ્યા બતાવી દેવા માટે ઑપરેશન સિંદૂર કરવા માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. આતંકવાદીઓએ હિન્દુઓના લીધેલા ભોગનો બદલો લેવાની દરેક ભારતીયની ભાવનાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને ઑપરેશન સિંદૂરના માધ્યમથી જવાબ આપ્યો. ભારતમાં ૨૬/૧૧ સહિત અનેક આતંકવાદી હુમલા થયા હતા, પણ કોઈએ વળતો જવાબ આપવાની હિંમત નહોતી દાખવી. નરેન્દ્ર મોદીએ બતાવી દીધું છે કે બાપ બાપ હોતા હૈ. પાકિસ્તાનને બાપ કોણ હોય છે આપણી સેનાએ બતાવી દીધું. પાકિસ્તાને સીઝફાયરમાં પણ હુમલો કરવાની ઔકાત દાખવી એ દર્શાવે છે કે કૂતરાની પૂંછડી વાંકી જ રહે છે.’

