પાલઘર જિલ્લાના આદિવાસી તાલુકા વિક્રમગઢના એક ગામની બે મહિનાની બીમાર બાળકીનું મૃત્યુ થયું હતું,
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ (પી.ટી.આઇ.) : પાલઘર જિલ્લાના આદિવાસી તાલુકા વિક્રમગઢના એક ગામની બે મહિનાની બીમાર બાળકીનું મૃત્યુ થયું હતું, કારણ કે તેનાં માતા-પિતા યોગ્ય રસ્તાના અભાવે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર સમયસર પહોંચી શક્યાં નહોતાં. પરિવારના સભ્યો બાળકી સાથે નદી ઓળંગીને આરોગ્ય કેન્દ્ર પહોંચતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.
વિક્રમગઢ તાલુકા મેડિકલ ઑફિસર ડૉ. સંદીપ નિમ્બાલકરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકીનું બુધવારે ન્યુમોનિયાને કારણે મૃત્યુ થયું હતું. મ્હેસેપાડા ગામની બાળકી થોડા દિવસ પહેલાં બીમાર પડી હતી અને તેનાં માતા-પિતાએ તેને નજીકના મલવાડા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. આશરે ૧૫૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં કોઈ અપ્રોચ રોડ ન હોવાથી ભારે વરસાદમાં વાલીઓને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા માટે ચક્કર મારવું પડ્યું હતું. બાળકીને પિતા નરેશ ચવાણે જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચે એ પહેલાં તેનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું.
ગામની આશા (માન્યતાપ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા) કાર્યકર મમતા દિવાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ૨૦૧૩થી સ્થાનિક રહેવાસીઓ માર્ગ બનાવવાની માગ કરી રહ્યા છે. આ ગામ ગરગાઈ અને પિંજલ નામની બે નદીઓ નજીક આવેલું છે.


