ડોમ્બિવલીનો ૩૭ વર્ષનો કેયૂર સાવલા આંચકો લાગવાથી બૅલૅન્સ જતાં નીચે પડ્યો
કેયૂર સાવલા
ડોમ્બિવલી-ઈસ્ટના નવનીતનગરમાં રહેતા અને દાદરમાં ગાર્મેન્ટ્સની દુકાનમાં નોકરી કરતા ૩૭ વર્ષના કેયૂર સાવલાનું ગઈ કાલે ટ્રેન-અકસ્માતમાં મૃત્યુ થયું હતું. થાણે રેલવે-પોલીસે આ ઘટનાનો ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. કેયૂર ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે ડોમ્બિવલીથી ફાસ્ટ ટ્રેન પકડીને દાદર જઈ રહ્યો હતો ત્યારે મુમ્બ્રા અને દિવા વચ્ચેની ટનલ પર તેનું બૅલૅન્સ જતાં તે ટ્રેનમાંથી નીચે પડ્યો હતો. તેના માથામાંથી ખૂબ લોહી નીકળતું જોઈને ત્યાં હાજર લોકોએ તેને ઇલાજ માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે હૉસ્પિટલમાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
કેયૂર પત્ની પ્રાચી અને ૧૦ વર્ષની દીકરી નિકિતા સાથે ડોમ્બિવલીમાં રહેતો હતો એમ જણાવતાં તેના નાના ભાઈ શનિલ સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેયૂર ગઈ કાલે રાબેતા મુજબ દાદર-વેસ્ટમાં આવેલી દુકાનમાં કામ કરવા નીકળ્યો હતો. તે સમયસર દુકાનમાં પહોંચવાનો આગ્રહી હતો એટલે ડોમ્બિવલીથી ફાસ્ટ ટ્રેન પકડી હતી. એમાં જગ્યા ન હોવાથી ગેટ પર ઊભા રહીને તે મુસાફરી કરી રહ્યો હતો. એટલામાં મુમ્બ્રા અને દિવા વચ્ચે આવતી ટનલ પર ટ્રેન થોડી ધીમી થઈ ત્યારે આંચકો આવ્યો હતો જેને કારણે ગેટ પર ઊભેલો કેયૂર સીધો નીચે પટકાયો હતો. ત્યાં હાજર લોકોએ તરત તેને થાણેની સરકારી હૉસ્પિટલમાં ઇલાજ માટે ખસેડ્યો હતો. જોકે તેના માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. કેયૂર તેના ઘરમાં એકમાત્ર કમાનારો હતો.’
ADVERTISEMENT
પ્રાથમિક માહિતી પ્રમાણે આ કેસમાં ઍક્સિડેન્ટલ ડેથ રજિસ્ટર કરવામાં આવ્યો છે એમ જણાવતા થાણે રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અર્ચના દુશાનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યુવાન ડોમ્બીવલીથી ફાસ્ટ ટ્રેનમાં દાદર જઈ રહ્યો હતો. પીક અવર્સને લીધે ટ્રેનમાં બહું જ ગિરદી હોવાથી તે ગેટ પર ઊભો રહીને પ્રવાસ કરી રહ્યો હતો. મુબ્રા અને દીવાની વચ્ચે બેલેન્સ જવાને લીધે તે ટ્રેનમાંથી પડી ગયો હોવાની અમને પ્રાથમિક માહિતી મળી છે. તે કેવી રીતે પડ્યો અને એ સમયે શું થયું હતું એની તપાસ અમે શરૂ કરી છે.’

