બે વેપારી પાસેથી ૪૭ લાખના ડાયમન્ડ અને ૧૧.૪૦ લાખ રૂપિયા કૅશ લઈને નાસી ગયો
Crime News
પ્રતીકાત્મક તસવીર
બીકેસીની ડાયમન્ડ માર્કેટના એક દલાલે બે વેપારી પાસેથી આશરે ૪૭ લાખ રૂપિયાના ડાયમન્ડ અને ૧૧.૪૦ લાખ રૂપિયા મળીને કુલ ૫૯.૧૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બીકેસી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક વેપારી પાસેથી કેટલાક વખતથી ગ્રાહકને બતાવવા માટે લીધેલા ડાયમન્ડ દલાલે પાછા નહોતા આપ્યા. એ પછી દલાલ વિશેની વધુ માહિતી કઢાવતાં તેણે અન્ય વેપારી સાથે પણ આવી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
દહિસરની એક સોસાયટીમાં રહેતા અને બીકેસીની ડાયમન્ડ માર્કેટમાં ગુરુરામ એક્સપોર્ટ્સના નામે ધંધો કરતા ૬૨ વર્ષના લક્ષ્મણ પુરુષોત્તમ ધામેલિયાએ કરેલી ફરિયાદ અનુસાર છેલ્લાં ૧૫ વર્ષથી તેમની ઓળખ સંજય નાવડિયા સાથે હતી અને તે હીરાની દલાલીનું કામ કરતો હતો. ૯ ફેબ્રુઆરીએ બપોરે એક વાગ્યે સંજય ફરિયાદીની ઑફિસમાં આવ્યો હતો અને પોતાની પાસે ગ્રાહક હોવાનું કહીને ૫૪.૩૨ કૅરૅટના ૧૬,૮૩,૦૦૦ રૂપિયાના ડાયમન્ડ લઈ ગયો હતો. એ પછી તેનો કોઈ પત્તો નહોતો. એ પછી ઇન્ક્વાયરી કરતાં જાણવા મળ્યું હતું કે બીડીડીના શ્રી ભવાની ઇમ્પૅક્સમાંથી પણ સંજય ૨૦૬.૩૧ કૅરૅટના ૩૦,૯૪,૬૫૦ રૂપિયાના ડાયમન્ડ અને ૧૧,૪૦,૦૦૦ રૂપિયા રોકડા લઈ ગયો છે. એ પછી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
બીકેસી પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર જગદાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ.’