એકનાથ ખડસેએ વધુમાં કહ્યું હતું કે ‘જે સમયે મેં BJPમાં જવાનો નિર્ણય લીધો હતો ત્યારે મારી ઇચ્છા નહોતી`
એકનાથ ખડસે
મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)માં મુખ્ય પ્રધાનપદના એક સમયના દાવેદાર એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસ સામે બાંયો ચડાવી હતી. તેમણે ગઈ કાલે એક મરાઠી ન્યુઝ-ચૅનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘એક દિવસ મને દેવેન્દ્ર ફડણવીસે મળવા બોલાવ્યો હતો. અમે બે જ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે નાથાભાઉ, હું રાજ્યપાલના પદ માટે તમારી ભલામણ કરું છું. એ સમયે મેં તેમને કહ્યું હતું કે દેવેન્દ્રજી સાચું કહો; તમે મને અનેક વખત આ કરીશ, તે કરીશ કહ્યું છે પણ કંઈ થયું નહીં એટલે મને હવે તમારી વાતમાં વિશ્વાસ નથી થતો; રાજ્યપાલ બનાવશો તો આનંદ થશે, પણ મને વિશ્વાસ નથી બેસતો. બાદમાં શું થયું એ ખબર નથી. આ ઑફર તેમણે ૨૦૧૯માં આપી હતી.’
એકનાથ ખડસેએ વધુમાં કહ્યું હતું કે ‘જે સમયે મેં BJPમાં જવાનો નિર્ણય લીધો હતો ત્યારે મારી ઇચ્છા નહોતી. દિલ્હીના એક વરિષ્ઠ નેતાએ મને ફોન કર્યો હતો. આથી હું દિલ્હી ગયો ત્યારે જે. પી. નડ્ડા અને વિનોદ તાવડેની હાજરીમાં BJPમાં પ્રવેશ કર્યો હતો. એ સમયે રક્ષા ખડસે પણ સાથે હતી. આ વાતને છ મહિના થઈ ગયા બાદ મહારાષ્ટ્ર BJP તરફથી પ્રવેશ સંબંધી કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી.