ખોટા કેસમાં ફસાવીને મને ચાર-ચાર વાર જેલમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવેલો
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે નાગપુરમાં પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તત્કાલીન મહા વિકાસ આઘાડીની સરકારમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના કહેવાથી પોતાને, BJPના નેતા ગિરીશ મહાજનને અને પ્રવીણ દરેકરને ખોટા કેસમાં ફસાવીને ચાર વખત જેલમાં નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર દ્વારા પરમબીર સિંહ અને બીજા કેટલાક અધિકારીઓને અમારી સામે ખોટા કેસ દાખલ કરીને કાર્યવાહી કરવાની સુપારી આપવામાં આવી હતી. જોકે ઈમાનદાર અધિકારીઓએ તેમની વાત નહોતી માની. આથી વિરોધીઓ અમને ફસાવવાના કાવતરામાં સફળ નહોતા થયા એટલું જ નહીં, આ કાવતરાને ખુલ્લું પાડવામાં અમને સફળતા મળી હતી. અમે વિડિયોના કેટલાક પુરાવા સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપ્યા હતા અને અત્યારે પણ અમારી પાસે આ કાવતરાના અનેક વિડિયો છે.’
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહે અગાઉ આરોપ કર્યો હતો કે ‘મહા વિકાસ આઘાડીની સરકારના સમયે વિરોધ પક્ષોના નેતા પર ગુના દાખલ કરવા માટે તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર દબાણ હતું. તેમની પાછળ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે હતા. ગિરીશ મહાજન સામે ગુનો નોંધવા માટે શરદ પવારના સિલ્વર ઓક બંગલામાં બેઠક થઈ હતી. મુંબઈ બૅન્કના પ્રકરણમાં પ્રવીણ દરેકર સામે ગુનો નોંધવા માટે માતોશ્રીમાં બેઠક થઈ હતી.’ પરમબીર સિંહના આ નિવેદન સંબંધે ગઈ કાલે દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે પરમબીર સિંહે જે કહ્યું છે એ સાચું છે.
ADVERTISEMENT
પરમબીર સિંહે આરોપ દોહરાવ્યો
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર પરમબીર સિંહે ગઈ કાલે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે ‘શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક બંગલામાં એક બેઠક થઈ હતી. એમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અનિલ ગોટે અને પી. પી. ચવાણ હાજર હતા. આ બેઠકમાં મને કહેવામાં આવ્યું હતું કે વિરોધ પક્ષના નેતાઓ સામે ખોટા કેસ દાખલ કરીને કાર્યવાહી કરો. મેં તેમને કહી દીધું હતું કે આ કામ હું નહીં કરું. બાદમાં તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીમાં પણ એક બેઠક થઈ હતી. અહીં પણ અનિલ દેશમુખ હાજર હતા. તેમણે મુંબઈ બૅન્ક મામલામાં પ્રવીણ દરેકરની ધરપકડ કરવાનું કહ્યું હતું. મેં તેમને કહ્યું હતું કે આ કેસની તપાસ પૂરી થઈ ગઈ છે અને કેસ બંધ કરવામાં આવ્યો છે એટલે હું કોઈ પર કાર્યવાહી નહીં કરું. તત્કાલીન નગરવિકાસ પ્રધાન અને અત્યારના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ધરપકડ કરવાનું પણ મને કહેવામાં આવ્યું હતું. ફરિયાદ અને પુરાવા વિના કાર્યવાહી ન કરવાનું મેં કહ્યું હતું.’