જંગલમાં જેસીબીનું કામ ચાલે છે, જમીન ખોદવામાં આવી રહી છે તથા પાણીનાં કુદરતી ઝરણાંઓની દિશા બદલવામાં આવી રહી છે એની ફરિયાદ કરવામાં આવી

આગામી ઍડ્વેન્ચર પાર્કની જાહેરાત કરતું બૅનર.
મુંબઈ : આરે મિલ્ક કૉલોનીના પિકનિક પૉઇન્ટ પર ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જ્યાં ૮૧૨ એકર વિસ્તારને જંગલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે એવો આક્ષેપ કરતાં પર્યાવરણવાદી ઝોરુ ભાઠેનાએ ઉમેર્યું હતું કે આ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન માટે ઇકો-સેન્સિટિવ ઝોન (ઈએસઝેડ) નોટિફિકેશનનું ઉલ્લંઘન છે.
ઝોરુ ભાઠેનાએ જણાવ્યું હતું કે ગુરુવારે મેં આ અંગે કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ, એસજીએનપી અને ઈએસઝેડ મૉનિટરિંગ કમિટીને લેખિત ફરિયાદ મોકલી હતી, જેના અધ્યક્ષ મ્યુનિસિપલ કમિશનર છે.
એમ જાણવા મળ્યું છે કે આરેના જંગલમાં પિકનિક પૉઇન્ટ ગાર્ડન નજીક જંગલ સિવાયનું કામ થઈ રહ્યું છે. જંગલમાં જેસીબીનું કામ ચાલી રહ્યું છે, જમીન ખોદવામાં આવી રહી છે તથા પાણીનાં કુદરતી ઝરણાંઓની દિશા બદલવામાં આવી રહી છે. જંગલની જમીન પર ગેરકાયદે કામ ચાલી રહ્યું હોવાનું ઝોરુ ભાથેનાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પિકનિક પૉઇન્ટ ગાર્ડનની અંદર જંગલ સાફ કરવામાં આવી રહ્યું છે તથા વૃક્ષો અને તેની શાખાઓ ગેરકાયદે રીતે કાપવામાં આવી રહી છે તેમ જ સિમેન્ટનું કામ પણ ચાલુ છે. ઝોરુ ભાથેનાએ જણાવ્યા અનુસાર અહીં લગાવવામાં આવેલા સાઇનબોર્ડ પરથી જણાય છે કે આરેના જંગલમાં આવેલા પિકનિક પૉઇન્ટ ગાર્ડનમાં ઍડ્વેન્ચર પાર્કની જંગલ સિવાયની પ્રવૃત્તિ ચાલી રહી છે. ઝોરુ ભાથેનાએ અધિકારીઓ સ્થળ પર તમામ બિનવન પ્રવૃત્તિઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લે અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરે એવી માગણી કરી છે.