અમિતાભ સિવાય કાજોલ-અજય દેવગન જેવા જુહુની આ સોસાયટીના કેટલાક સભ્યોએ નાણાકીય ગેરવહીવટ અને દસ્તાવેજો ગુમ થયા હોવાનો આક્ષેપ કર્યો છે અને હવે ડેપ્યુટી રજિસ્ટ્રારે ફાઇનૅન્શિયલ રી-ઑડિટ કરવાનો આદેશ આપ્યો છે

આ સોસાયટીમાં અમિતાભ બચ્ચન, કાજોલ અને અજય દેવગન જેવા ટોચના બૉલીવુડના સ્ટાર્સનાં ઘર છે (તસવીર : સતેજ શિંદે)
અમિતાભ બચ્ચન, કાજોલ અને અજય દેવગન સહિતના બૉલીવુડના અનેક ટોચના સ્ટાર્સ જે સોસયટીમાં ઘર ધરાવે છે એ જુહુની પ્રખ્યાત હાઉસિંગ સોસાયટીમાં નાણાકીય ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપ ચાલુ જ રહ્યા છે. ભ્રષ્ટાચારના આરોપને લઈને કપોલ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી (સીએચએસ)ની મૅનેજિંગ કમિટી વિખેરી નાખ્યાના લગભગ ૧૦ મહિના પછી ‘કે’-વેસ્ટ વૉર્ડના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે સોસાયટીનું ફાઇનૅન્શિયલ રી-ઑડિટ કરવાના આદેશ આપ્યા છે. સોસાયટીના કેટલાક સભ્યોએ નાણાકીય ગેરવહીવટ અને દસ્તાવેજો ગુમ હોવાનો આક્ષેપ મૂક્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રૉપર્ટી અને ફાઇનૅન્શિયલ પેપર્સ ગુમ હોવાનું જાણવા છતાં ઍડ્મિનિસ્ટ્રેટર અને ‘કે’-વેસ્ટ વૉર્ડના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારે એફઆઇઆર નોંધ્યો નથી.
‘મિડ-ડે’ સાથે બોલતાં જાણીતા લેખક અને સોસાયટીના રહેવાસી સિદ્ધાર્થ સંઘવીએ કહ્યું કે ‘સોસાયટીના પદાધિકારીઓ પર નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીનો આરોપ મુકાયા બાદ ૨૦૨૨માં કપોલ સોસાયટીની મૅનેજિંગ કમિટી બરખાસ્ત કરવામાં આવી હતી. મેં ડેપ્યુટી રજિસ્ટ્રાર નીતિન દહીભાતેને નાણાકીય ઑડિટની માગણી કરતો પત્ર લખ્યો હતો. તેમણે સમયસર ઑડિટ તો ન જ કરાવ્યું, પરંતુ ડેપ્યુટી રજિસ્ટ્રારના વહીવટ હેઠળ જ સોસાયટીની ઑફિસમાંથી નાણાકીય રેકૉર્ડ અને મિનિટ-બુક્સ ચોરાઈ ગઈ હતી એમ છતાં હજી સુધી એ માટેનો એફઆઇઆર નોંધાયો નથી.’
મૅનેજિંગ કમિટીએ રાજીનામું આપ્યું
જુલાઈ ૨૦૨૨માં સોસાયટીના રહેવાસીઓ દ્વારા ગેરરીતિના આક્ષેપ, છેતરપિંડી અને ભ્રષ્ટાચારને પગલે હાઈ-પ્રોફાઇલ સીએચએસની મૅનેજિંગ કમિટીના સભ્યોએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. ગયા વર્ષે ‘મિડ-ડે’એ આ મુદ્દાની વિગતવાર ચર્ચા કરતા અનેક અહેવાલ પ્રકાશિત કર્યા હતા.
મે ૨૦૨૨માં ‘મિડ-ડે’એ સોસાયટીના રહેવાસીઓ દ્વારા છેતરપિંડી, ભ્રષ્ટાચાર અને કમિટીના કામકાજમાં ગેરરીતિ સહિત અનેક આક્ષેપનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. બે રહેવાસીઓએ સોસાયટીની મૅનેજિંગ કમિટીની ચૂંટણીપ્રક્રિયાને પડકારતાં મુંબઈ હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.
આ કેસમાં આગળ જતાં મૅનેજિંગ કમિટીના ૮માંથી ૭ સભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં. સાતમી જુલાઇએ ‘કે’-વેસ્ટ વૉર્ડના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર નીતિન દહીભાતેએ નવા વહીવટી તંત્રની રચના કરવાનો આદેશ આપ્યો હતો, જે મુજબ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ (એમસીએસ) ઍક્ટ, ૧૯૬૦ની કલમ ૭૭એ (બી-૧) હેઠળ મૅનેજિંગ કમિટી વિખેરાઈ જાય તો એક કે બે સભ્યોને લઈને બોર્ડ ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ બનાવી શકાય છે. જોકે મૅનેજિંગ કમિટી બરખાસ્ત કર્યાને ૧૦ મહિના વીત્યા છતાં એની સામે કોઈ કાર્યવાહી થઈ નથી.
ચાલુ વર્ષના એપ્રિલમાં હાઉસિંગ સોસાયટીના સભ્યો અને ૧૦ રહેવાસીઓએ ડેપ્યુટી રજિસ્ટ્રારને નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦, ૨૦૨૦-’૨૧ અને ૨૦૨૧-’૨૨ની નાણાકીય બૅલૅન્સશીટનું રી-ઑડિટ કરવાનું જણાવતો પત્ર લખ્યો હતો. એ માટે તેમણે બે કારણ આપ્યાં હતાં; પહેલું, ડિસેમ્બર ૨૦૨૨ની ઑડિટેડ બૅલૅન્સશીટમાં ફરક અને બીજું, એજીએમ અને એસજીબીએમમાં સભ્યોની મંજૂરી વિના નાણાં ખર્ચવાનાં કારણ આગળ કર્યાં હતાં.
જયંત સંઘવી નામના એક ફરિયાદી અને રહેવાસીએ કહ્યું હતું કે ‘મૅનેજિંગ કમિટી દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિ અને ગોલમાલ સામે મેં જૉઇન્ટ રજિસ્ટ્રાર અને મુંબઈ હાઈ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. અગાઉની મૅનેજિંગ કમિટીએ એના કાર્યકાળમાં સપ્ટેમ્બર ૨૦૨૨માં બૅલૅન્સશીટ રજૂ કરી હતી, જેમાં જણાવાયું હતું કે મેં સોસાયટી સામે કરેલા કેસ માટે વકીલ રોકવા અને અન્ય ખર્ચ પેટે તેમણે મારી પાસેથી ૨૨.૫૦ લાખ રૂપિયા વસૂલ કરવાના રહે છે. આ કેસમાં હું પીડિત છું તથા મેં ફરિયાદ કરી છે એટલે મેં ન્યાય માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ સોસાયટી મારી પાસેથી આ રકમ વસૂલ કરશે. તેમણે જમાવેલી રકમ મેં સાસાયટી સામેની લડાઈમાં ખર્ચ કરેલી રકમ કરતાં પાંચ ગણી છે. આમ સોસાયટી સામેની ફરિયાદને તેમણે મજાક બનાવી દીધી છે.’
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ, ૧૯૬૦ મુજબ ૫૦,૦૦૦ કરતાં વધુ રકમના ખર્ચ માટે એસજીએમની મંજૂરી જરૂરી છે, જે ખર્ચ કરતાં પહેલાં લેવાની હોય છે, ખર્ચ કર્યા પછી નહીં. સોસાયટીના હિસાબમાં સોસાયટીના સભ્યોની મંજૂરી વિના નાણાંની વહેંચણી, પ્લૉટ્સ ભેગા કરવા જેવી અનેક ગરબડ હોવા છતાં તેઓ બે વાર નાણાં વસૂલે છે. ઍડ્મિનિસ્ટ્રેટરે હજી ગુમ થયેલી અગત્યની મિલકત અને નાણાકીય દસ્તાવેજો માટે એફઆઇઆર કરવાનો બાકી છે.’
અધિકારીઓ શું કહે છે?
‘કે’-વેસ્ટ વૉર્ડના કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર નીતિન દહીભાતેએ કહ્યું કે ‘સોસાયટીના અમુક સભ્યોની વિનંતીને પગલે અમે નાણાકીય ઑડિટ ફરીથી કરવાનો આદેશ આપ્યો છે. મેં એ માટે હાઉસિંગ સોસાયટીના ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને પત્ર લખીને ઑડિટર નિયુક્ત કરવા કહ્યું છે. મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટી ઍક્ટ, ૧૯૬૦ની કલમ ૮૧(૬) મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ અને ૨૦૨૦-’૨૧ની બૅલૅન્સશીટનું રી-ઑડિટ કરવાનું છે, જે ઑડિટરની નિમણૂક થતાં કરવામાં આવશે.’